SURAT

રાજકોટ અગ્નિકાંડને પગલે સુરતનું તંત્ર દોડતું થયું, 6 ગેમ ઝોન બંધ કરાવ્યા

રાજકોટના TRP ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટના બાદ સુરત પાલિકા તંત્ર પણ સફાળું જાગ્યું છે. રાજકોટની દુર્ઘટના બાદ સુરત પાલિકાએ રવિવારે રાંદેર અને અઠવા ઝોનમાં ચાલતા છ ગેમ ઝોન બંધ કરાવી દીધા હતા. મોટા શેડ લગાવી ચાલી રહેલા આ ગેમ ઝોન સંચાલકો પાસે ફાયરની એન.ઓ.સી. ન હોવાની માહિતી મળી હતી.

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડને પગલે સુરતનું તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. સુરત પાલિકા કમિશનર, પોલીસ કમિશનર અને કલેક્ટરે અધિકારીઓની ઇમર્જન્સી બેઠક બોલાવીને વિવિધ 10 ટીમો બનાવી હતી. આ ટીમો શહેરના ગેમ ઝોન બાબતે ઓડિટ-ડિટેઈલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આપશે. જોકે વિચારવા જેવી વાત છે કે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી NOC વગર જ ધમધમી રહેલા 6 ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત શહેરમાં મોટા 17 ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી હતી. વનિતા વિશ્રામ સહિતના 3 મેળા પણ બંધ કરાવવામાં હતા.

રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના બાદ રાજ્યના તમામ ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં પણ રાજકોટની જેમ ફાયર એન.ઓ.સી. વિના અનેક ગેમ ઝોન ધમધમી રહ્યા છે. સુરતમાં પણ રાજકોટ જેવી ગંભીર બેદરકારી બહાર આવી છે. સુરત મહાનગર પાલિકાએ રવિવારે રાંદેર અને અઠવા ઝોનમાં ચાલતા 6 ગેમ ઝોન બંધ કરાવી દીધા છે.

સુરતમાં તક્ષશિલા દુર્ઘટના બાદ સુરત મનપાએ ફાયરની કામગીરી સઘન બનાવી હતી પરંતુ ત્યાર બાદ રાજકોટની ઘટનાને જોતા રવિવારે ચેકિંગ કરતા અનેક જગ્યાએ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. સુરતમાં પણ અનેક ટેમ્પરરી સ્ટ્રકચરમાં ગેમ ઝોન ચાલી રહ્યાં છે. એવામાં રાજકોટ જેવી દુર્ઘટના થવાની શક્યતા નકારી શકાય નહીં. બીજી તરફ વેસુ વિસ્તારમાં આવેલા રિબાઉન્સ ગેમ ઝોન ખાતે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે ત્યાં મૂકવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો આજની એટલે કે 26 મે 2024ની તારીખના હતા. રાતોરાત આ ફાયરનાં સાધનો મૂકવામાં આવ્યાં હોવાનું સામે આવતા તંત્રની આંખમાં ધૂળ ઝોંકવાનો પ્રયાસ કરાયો હતો.

Most Popular

To Top