Sports

પુરતી પ્રેક્ટિસ નહીં હોવા છતાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 7 વર્ષ બાદ ઇંગ્લેન્ડ સામે મેદાનમાં

બ્રિસ્ટલ : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian women cricket team) તૈયારી માટે પુરતો સમય ન મળ્યો હોવા છતાં બુધવારે અહીં જ્યારે યજમાન ઇંગ્લેન્ડ (England) સામે 7 વર્ષના લાંબા ગાળા પછી ટેસ્ટ મેચ (test match) રમવા માટે મેદાન પડશે ત્યારે તેઓ ઇંગ્લેન્ડ સામેના સારા રેકોર્ડ અને હકારાત્મક માનસિકતા (positive mentality) સાથે મેચ રમવા ઉતરશે. આ ટેસ્ટ દ્વારા ભારતીય ટીમ 7 વર્ષના ગાળા પછી ક્રિકેટના આ પરંપરાગત ફોર્મેટમાં પાછી ફરશે.

પહેલા ભારત અને તે પછી ઇંગ્લેન્ડમાં ક્વોરેન્ટીન પીરિયડને કારણે 2014 પછી પોતાની પહેલી ટેસ્ટ રમવા માટે ઉતરનારી મિતાલી રાજની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રક્ટિસ માટે માંડ એકાદ અઠવાડિયાનો સમય મળ્યો છે. મહત્વની વાત એ છે કે મિતાલી રાજ, હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને ઝૂલન ગોસ્વામી જેવી અનુભવી ખેલાડીઓએ પણ હાલના નજીકના સમયમાં ટેસ્ટ મેચ રમી નથી, તેથી યુવા ખેલાડીઓ માટે તો આ પડકાર વધુ આકરો રહેશે, જેમને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ ફર્સ્ટક્લાસ મેચ રમવાની તક મળી નથી.

બીસીસીઆઇના એક અધિકારીએ તો કહ્યું હતું કે ખેલાડીઓ ફોર્મમાં હોવાની સાથે ફિટ છે છતાં મેચ પ્રેક્ટિસનો બીજો કોઇ વિકલ્પ નથી. એક દિવસીય મેચ હોય કે ચાર દિવસીય, નેટ્સ પર પ્રેક્ટિસ તો એકસમાન જ હોય છે. આ ચાર દિવસીય ટેસ્ટ હોવાથી એ તો સમય જ જણાવશે કે લાંબા સમય સુધી મેદાન પર રહેવા કે લાંબા સ્પેલ ફેંકવામાં તેઓ સક્ષમ છે કે નહીં. હરમનપ્રીત જો કે એવું કહી ચુકી છે કે પ્રેક્ટિસ મટે પુરતો સમય નથી મળ્યો પણ ટીમ માનસિક રૂપે તૈયાર છે.

રમેશ પોવાર મિતાલી રાજ સાથે કેવી રીતે સામંજસ્ય બેસાડે તેના પર બધાની નજર
ભારતીય મહિલા વન ડે ટીમની કેપ્ટન મિતાલી રાજ સાથેની કડવાશને કારણે રોમેશ પોવારે અગાઉ કોચ પદ ગુમાવવું પડ્યું હતું. 2018ના ટી-20 વર્લ્ડકપની સેમી ફાઇનલમાંથી પોતાને જાણી કરીને બહાર બેસાડવામાં આવી હોવાનો મિતાલી રાજે બીસીસીઆઇને પત્ર લખીને આરોપ મુકીને સાથે જ કહ્યું હતું કે પોવારે મારી કેરિયર ખતમ કરવા અને મને અપમાનિત કરવા માટે એવું કર્યું છે. જે તે સમયે પોવારે પણ વળતો જવાબ આપતા કહ્યું હતું કે મિતાલી નખરા કરે છે અને ટીમમાં વિવાદ ઊભો કરે છે. મિતાલી હાલમાં વન ડે ટીમની કેપ્ટન છે અને હવે એ જોવાનું રહે છે કે મિતાલી સાથે પોવાર કેવી રીતે સામંજસ્ય બેસાડે છે તેના પર બધાની નજર છે.

Most Popular

To Top