Sports

IND vs ENG: ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 28 રનથી હરાવ્યું, ઓલી પોપનું શાનદાર પ્રદર્શન

હૈદરાબાદ: (Hyderabad) ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને (Team India) હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડે 5 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ પહેલીવાર બન્યું છે જ્યારે ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 100 રનની લીડ લીધા બાદ ઘરઆંગણે કોઈ ટેસ્ટ મેચ હારી છે.

ઓલી પોપની 196 રનની શાનદાર ઈનિંગ બાદ ટોમ હાર્ટલીની જોરદાર બોલિંગની મદદથી ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 28 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ઈંગ્લેન્ડની ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાને ચોથી ઈનિંગમાં જીતવા માટે 231 રનનો ટાર્ગેટ હતો. જવાબમાં તેણે 202 રન બનાવ્યા અને 69.2 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત વિરૂદ્ધ ચોથી ઇનિંગમાં ઇંગ્લેન્ડ તરફથી ટોમ હાર્ટલીએ 7 વિકેટ ઝડપી હતી. આ સિવાય જો રૂટ અને જેક લીચે પણ એક-એક વિકેટ લીધી હતી. આ રીતે ચોથા દિવસે ઇંગ્લેન્ડે મેચ 28 રનથી જીતી લીધી હતી.

હૈદરાબાદ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 246 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાએ 436 રન બનાવ્યા હતા. પરંતુ ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી હતી અને 420 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ આ લક્ષ્યના જવાબમાં ટીમ ઈન્ડિયા માત્ર 202 રન બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ.

આ મેચના પહેલા બે દિવસ ટીમ ઈન્ડિયા લીડ પર હતી. પરંતુ ત્રીજા દિવસે મેચમાં વળાંક આવ્યો અને ચોથા દિવસના છેલ્લા સેશનમાં ઈંગ્લેન્ડનો વિજય થયો. મેચની છેલ્લી ઈનિંગમાં ભારતીય બેટ્સમેનો સંપૂર્ણ ફ્લોપ રહ્યા હતા અને કોઈ પણ ખેલાડી 40 રનના આંકને સ્પર્શી શક્યો નહોતો. આ ઇનિંગમાં રોહિત શર્માએ સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. જ્યારે શ્રીકર ભરત અને રવિચંદ્રન અશ્વિને 28-28 રનની ઇનિંગ્સ રમી હતી.

Most Popular

To Top