National

બિહાર: નીતિશ કુમારે 9મી વાર CM તરીકે શપથ લીધા, વિજય સિંહા અને સમ્રાટ ચૌધરી બન્યા ડેપ્યુટી CM

પટના: (Patna) નીતીશ કુમારે (Nitish Kumar) 9મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. રાજભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં નીતિશ કુમારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પછી વિજય કુમાર સિંહા અને સમ્રાટ ચૌધરીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે ત્રણેયને શપથ લેવડાવ્યા હતા.

આ પહેલા નીતિશ કુમાર રાજભવન પહોંચ્યા હતા. આ અવસરે કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ચિરાગ પાસવાને નીતિશ કુમારના ચરણ સ્પર્શ કર્યા હતા. તે પછી નીતિશ કુમારે બધાનું અભિવાદન કર્યું અને મંચ પર ગયા હતા. ભાજપના તમામ ધારાસભ્યો રાજભવન પહોંચ્યા હતા. નીતીશ કુમાર સાથે ભાજપના સમ્રાટ ચૌધરી, વિજય સિંહા, જેપી નડ્ડા, પ્રેમ કુમાર અને ચિરાગ પાસવાન પણ રાજભવનમાં હાજર હતા.

આ પહેલા પહેલા રવિવારે સવારે 11 વાગ્યે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને નીતિશ કુમારે પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આ પછી તેઓ 128 ધારાસભ્યોના સમર્થનનો પત્ર લઈને ફરીથી રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા. નીતિશને ભાજપના 78 ધારાસભ્યો, 45 જેડીયુના, હિન્દુસ્તાન અવમ મોરચા (હમ)ના 4 અને 1 અપક્ષ ધારાસભ્યનું સમર્થન છે.

કોણ છે સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા
સમ્રાટ ચૌધરી ભાજપના બિહાર પ્રદેશ અધ્યક્ષ છે. તે કોઇરી જ્ઞાતિમાંથી આવે છે. ભાજપે વર્ષ 2023માં તેમને પ્રદેશ અધ્યક્ષની કમાન સોંપી હતી. સમ્રાટ ચૌધરી બિહાર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પણ છે. બીજેપી નેતા વિજય સિંહા બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતાની ભૂમિકા ભજવી રહ્યા હતા. તેમણે નીતીશ સાથે ભાજપના ગઠબંધનમાં બિહાર વિધાનસભા અધ્યક્ષની જવાબદારી પણ નિભાવી છે. તેઓ 2010 થી લખીસરાય વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. વર્ષ 2017 થી 2020 દરમિયાન તેમણે બિહારની ગઠબંધન સરકારમાં શ્રમ સંસાધન મંત્રીની ભૂમિકા પણ ભજવી છે. તે આરએસએસની પૃષ્ઠભૂમિમાંથી આવે છે.

Most Popular

To Top