Business

10 હજાર કર્મચારીઓની છટણીનું પ્લાનિંગ કરતી એમેઝોન કંપનીને લેબર મિનીસ્ટ્રીએ ફટકારી નોટીસ

નવી દિલ્હી: ઈ-કોમર્સ (E Commerce) ક્ષેત્રની દિગ્ગજ કંપની Amazon દ્વારા વૈશ્વિક સ્તરે મોટા પાયે છટણીની તૈયારી કરવામાં આવી રહી છે. લગભગ આવતા અઠવાડિયાથી કંપનીમાં છટણીનો સિલસિલો શરૂ થઈ જાય તેવી શક્યતા જોવાઈ રહી છે. કંપનીની આ છટણી પ્રક્રિયાને લીધે ભારતમાં એમેઝોન કંપનીના હજારો કર્મચારીઓ સામે પણ નોકરી ગુમાવવાનો ભય ઉભો થયો છે ત્યારે ઈન્ડિયન લેબર મિનીસ્ટ્રીએ આ મામલે હવે દરમિયાનગીરી કરી છે. લેબર મિનીસ્ટ્રીએ છટણીના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. લેબર મિનીસ્ટ્રી તરફથી એમેઝોન કંપનીને નોટિસ મોકલવામાં આવી છે અને કંપનીના સિનીયર અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે.

ટ્વિટર અને ફેસબુકમાં હજારો લોકોની છટણીનો મામલો અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે જેફ બેઝોસની ઈ-કોમર્સ કંપની એમેઝોને મોટી છટણીની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો હતો. રિપોર્ટ અનુસાર, એમેઝોન આ અઠવાડિયે કોર્પોરેટ અને આઈટી સેક્ટરમાં કામ કરતા લગભગ 10,000 લોકોને છૂટા કરવાની યોજના બનાવી રહ્યું છે. આ છટણી ભારતીય કર્મચારીઓ સહિત વિશ્વભરમાં કામ કરતા કર્મચારીઓમાંથી કરવામાં આવશે. નોંધપાત્ર રીતે, 31 ડિસેમ્બર 2021 સુધીના ડેટા અનુસાર, એમેઝોનમાં સંપૂર્ણ અને અંશકાલિક કર્મચારીઓની સંખ્યા લગભગ 16 લાખ હતી.

લેબર મિનીસ્ટ્રીએ નોટિસ મોકલી
લેબર મિનીસ્ટ્રીએ આ છટણી વિરુદ્ધ એમેઝોન ઈન્ડિયાના પબ્લિક પોલિસી મેનેજરને સમન્સ પાઠવ્યું છે. આ જવાબદારી સંભાળી રહેલી સ્મિતા શર્માને આજે 23મી નવેમ્બરે ચર્ચા માટે બોલાવવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે કંપની દ્વારા સ્વૈચ્છિક અલગતા કાર્યક્રમની વિગતો સંબંધિત કર્મચારીઓને 30 નવેમ્બરની સમયમર્યાદા સાથે શેર કરવામાં આવી છે. ત્યારથી એમેઝોનના કર્મચારીઓમાં ભયનું વાતાવરણ છે.

VSP દસ્તાવેજમાં શું કહ્યું હતું?
કંપની દ્વારા શેર કરવામાં આવેલ VSP દસ્તાવેજ જણાવે છે કે, Amazon એક વોલ્યેન્ટરી સેપરેશન પ્રોગ્રામ (VSP) લાગુ કરી રહ્યું છે, જે કંપનીની AET સંસ્થાના સંબંધિત કર્મચારીઓ માટે અસ્થાયી રૂપે ઉપલબ્ધ છે. આ હેઠળ, કર્મચારીઓને નીચે આપેલા VSP લાભોના બદલે સ્વેચ્છાએ નોકરીમાંથી રાજીનામું આપવાની તક મળશે. કંપનીએ કર્મચારીઓને તેનો સ્વીકાર કરવા માટે 30 નવેમ્બરના રોજ સવારે 6.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે.

કર્મચારી સંગઠનોની ફરિયાદ પરના એક્શન રિપોર્ટ અનુસાર , કર્મચારી સંગઠનોએ કંપનીની આ છટણી યોજના અંગે નારાજગી વ્યક્ત કરી છે. NITESના પ્રમુખ હરપ્રીત સિંહ સલુજાએ જણાવ્યું હતું કે, એમેઝોન કર્મચારીઓ, જેમણે ઓછામાં ઓછા એક વર્ષ સુધી સતત સેવાઓ આપી છે, તેઓને ત્રણ મહિનાની નોટિસ અને સરકાર તરફથી પૂર્વ મંજૂરી આપવામાં ન આવે ત્યાં સુધી બરતરફ કરી શકાશે નહીં. પરવાનગી આપવામાં આવી નથી.

Most Popular

To Top