Dakshin Gujarat

ચીની યુવકને દમણના મધદરિયે હાર્ટ એટેક આવ્યો, ભારતીય કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કર્યો

દમણ: સંઘપ્રદેશ દમણ કોસ્ટગાર્ડના (Daman Coast Guard) જવાનોએ મૂળ ચીનના (China) એક ક્રૂ મેમ્બરનો જીવ બચાવવામાં સફળતા મેળવી છે. મધ દરિયે એક જહાજમાં કામ કરતા સમયે ચીની ક્રૂ મેમ્બર (Crew Member) અચાનક કાર્ડિયાક એટેક (Heart Attack) આવવાના સમાચાર મળતાં જ અત્યાધુનિક હેલિકોપ્ટરના માધ્યમ થકી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દર્દીને દમણ લાવી તેને વાપીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.

  • 24 વર્ષીય ચીની ક્રૂ મેમ્બરને કાર્ડિયાક એટેક આવ્યાના લક્ષણોની માહિતી મળતા દમણ કોસ્ટગાર્ડ દોડતી થઈ
  • દમણથી 350 કિલોમીટર દૂર પોરબંદરથી ખાસ ભારતીય બનાવટના અત્યાધુનિક હેલિકોપ્ટરની મદદથી રેસ્કયુ કરાયું

દમણ કોસ્ટગાર્ડના ડી.આઈ.જી. એસ.એસ.બાજપાઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, બુધવારે મોડી રાત્રે દમણ કોસ્ટગાર્ડને જાણકારી મળી હતી કે, મુંબઈથી 200 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક એમ.વી. ડોંગ ફેંગ કાન ટેન નંબર 2 નામના જહાજમાં કામ કરતો 24 વર્ષીય ચીની ક્રૂ મેમ્બર યીન વેઈગુઆંગને કાર્ડિયાક એટેક આવ્યો હોય એવા લક્ષણો જણાઈ રહ્યા છે. જેને તાત્કાલિક સારવારની જરૂર છે.

ખાસ ભારતીય બનાવટના અત્યાધુનિક હેલિકોપ્ટરની મદદ લેવાઈ
મેસેજ મળતાં જ રાત્રી દરમિયાન આ ઓપરેશન હાથ ધરવા દમણથી 350 કિલોમીટર દૂર પોરબંદરથી ખાસ ભારતીય બનાવટના ‘ALH MK 3 ધ્રુવ’ નામના અત્યાધુનિક હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. પોરબંદરથી રવાના થયેલું આ હેલિકોપ્ટર દમણ આવી એક મહિલા તબીબ સાથે મધદરિયે જહાજ પાસેના લોકેશન પાસે પહોંચ્યું હતું અને ખરાબ હવામાન અને ઉંચા ઉછળતા મોજા વચ્ચેની પરિસ્થિતિમાં ચીની દર્દીને સહી સલામત ઈવેક્યુએટ કરવામાં આવ્યો હતો.

ચીની ક્રૂ મેમ્બરને વાપીની હોસ્પિટલમાં દાખલ કરાયું
હેલિકોપ્ટરમાં જ પ્રાથમિક સારવાર આપ્યા બાદ દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન લાવી તેને તાત્કાલિક સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે વાપીની હરિયા હોસ્પિટલના આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં ચીની યુવાન દર્દીનીની તબિયતમાં સુધારા થયાનું જાણવા મળી રહ્યું છે. આ હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં કોસ્ટગાર્ડના જવાનોના સાહસભર્યા પ્રયાસને કારણે આજે ચીની યુવાનનો જીવ બચી જવા પામ્યો છે.

ભારતીય કોસ્ટગાર્ડના જવાનોએ રાતના અંધકારમાં દરિયામાં ખરાબ હવામાન અને ઉંચા ઉછળતાં મોજાની વચ્ચે કરેલા આ દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન અંગે દમણ કોસ્ટગાર્ડના ડી.આઈ.જી.એસ.એસ.બાજપાઈએ માહિતગાર ર્ક્યા હતા. સાથે જ તેમણે ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોના પરાક્રમને પણ બિરદાવ્યું હતું.

Most Popular

To Top