Business

બોલો, સ્વીસ બેન્કમાં ભારતીયોએ જમા કરાવેલા બ્લેકમનીનો સરકાર પાસે કોઈ ડેટા નથી!

નવી દિલ્હી (New Delhi): વિદેશમાં છુપાવાયેલું કાળું નાણું (Black Money) પાછું લઈ આવવાના દાવા કરનાર સરકાર (Indian Government) હવે કહે છે કે સ્વીસ બેન્કમાં (Swiss Bank) ભારતીયોએ (Indian) જમા કરાવેલા નાણાંનો કોઈ ડેટા (Data) તેમની પાસે નથી. ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને (FM Nirmala Sitharaman) આ આશ્ચર્યજનક સ્ટેટમેન્ટ આપ્યું છે. નાણામંત્રીએ કહ્યું કે, સ્વીસ બેન્કોમાં ભારતીય નાગરિકો અને કંપનીઓ દ્વારા જમા કરાવેલા નાણાંનો કોઈ સત્તાવાર અંદાજ નથી.

જોકે નાણામંત્રીએ એમ પણ કહ્યું હતું કે તાજેતરના કેટલાંક મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે 2020ની સરખામણીમાં 2021માં સ્વીસ બેન્કોમાં ભારતીયો દ્વારા વધુ રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે. સ્વીસ બેન્કમાં ભારતીયોનું બેન્ક બેલેન્સ વધ્યું છે. આ મીડિયા રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે આ થાપણો સ્વિત્ઝર્લેન્ડમાં ભારતીયો દ્વારા જમા કરાવવામાં આવેલા કથિત બ્લેકમનીનો આંકડો દર્શાવતી નથી. મતલબ કે તે બ્લેકમની નથી.

નાણામંત્રીએ વધુમાં કહ્યું કે સ્વીસ બેન્કના સત્તાવાળાએ એવી વિનંતી કરી છે કે સ્વીસ નેશનલ બેન્ક ના વાર્ષિક બેન્કિંગ આંકડા નો ઉપયોગ ભારતીયો દ્વારા સ્વિત્ઝર્લેન્ડમાં જમા કરાવેલી થાપણોના વિશ્લેષણ માટે થવો જોઈએ નહીં. મતલબ કે ભારતીયોએ સ્વીસ બેન્કમાં જમા કરાવેલી એફડીને બ્લેકમની ગણવી જોઈએ નહીં.

નાણામંત્રીએ વધુમાં કહ્યું કે, સરકારે તાજેતરમાં બેનામી ફોરેન એસેટ અને ઈન્કમ પર ટેક્સ લગાવવા માટે નક્કર અને સક્રિય પગલાં લીધા છે. તેમાં બ્લેક મની પર કર અધિનિયમ 2015 લગાવવામાં આવ્યો છે. આ નિયમનું ઉલ્લંઘન કરવાના સંજોગોમાં ગંભીર દંડની જોગવાઈ છે. સમગ્ર દેશમાં ઈન્કમ ટેક્સના ડિરેક્ટર જનરલના નેજા હેઠળ 29 વિદેશી સંપત્તિ તપાસના એકમોની સ્થાપના કરવામાં આવી છે. નાણામંત્રીએ આ વિગતો ગૃહમાં આપી હતી. નાણામંત્રીએ એવી માહિતી પણ આપી હતી કે બંને દેશો વચ્ચેના ડબલ ટેક્સેશન અવૉઇડન્સ એગ્રીમેન્ટ હેઠળ સંબંધિત કેસોમાં માહિતી મેળવવા માટે ભારત સ્વિટ્ઝર્લેન્ડ સાથે સક્રિયપણે જોડાઈ રહ્યું છે.

પેપર લીક સ્કેમની તપાસ માટે એજન્સી બનાવાઈ
પનામા પેપર લીક (Panama Paper Leak) અને પેરેડાઈઝ પેપર લીક જેવા વિવિધ કેટેગરીના વિદેશી સંપત્તિના કેસોની ઝડપી અને સંકલિત તપાસ માટે સરકાર દ્વારા વિવિધ અમલીકરણ એજન્સીઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓનું બનેલું એક મલ્ટી-એજન્સી ગ્રુપ (એમએજી) પણ બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં પેન્ડોરા પેપર લીક પર તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top