Editorial

વિશ્વમાં ઈંધણના વધતા ભાવો મુદ્દે ભારત સચેત રહે તે જરૂરી

વિશ્વભરમાં હાલમાં કોલસાની તંગી ઊભી થઈ રહી છે અને તેને કારણે વીજ સંકટ પેદા થાય તેવી સ્થિતિ જોવાઈ રહી છે પરંતુ આ ઉર્જા સંકટ સામાન્ય નથી. ઉર્જા સંકટને કારણે આખા વિશ્વમાં ઈંધણના ભાવો વધવાની સંભાવના જોવાઈ રહી છે. હાલમાં એશિયા, યુરોપ અને અમેરિકામાં કુદરતી ગેસ, કોલસો તેમજ ક્રુડ ઓઈલની કિંમતો તેના મહત્તમ સ્તરે પહોંચી ચૂકી છે. જો આ સંકટ ઝડપથી નહીં ટળે તો લોકોએ મોંઘવારીનો સામનો કરવાની સાથે અનેક ઔદ્યોગિક એકમો બંધ થઈ જાય તેવી સ્થિતિ છે. ઉર્જા સંકટમાં જાન્યુઆરી માસથી જ ગેસની કિંમતો વિશ્વમાં વધવા માંડી હતી. યુરોપમાં જાન્યુઆરી માસની સરખામણીમાં ઓકટોબરમાં ગેસનો ભાવ છ ગણો જોવાઈ રહ્યો છે. યુકેમાં જાન્યુ.માં ગેસના એક યુનિટની કિંમત 50 પેન્સ હતી. જે ઓકટોબર માસમાં વધીને 400 પેન્સ થઈ ગઈ છે.

આજ રીતે બ્રિટનમાં પેટ્રોલની કિંમત પણ વધીને 136.5 પેન્સ પર પહોંચી ગઈ છે.રશિયા દેશ દ્વારા યુરોપની કુલ ખપતનો 35 ટકા ગેસ નિકાસ કરવામાં આવે છે. રશિયાએ ગેસનો ભાવ વધાર્યો તેને કારણે યુરોપમાં પણ ગેસના ભાવ વધી ગયા છે. આજ રીતે યુરોપિયન યુનિયનના દેશોમાં વીજળીના દરોમાં મોટો વધારો જોવા મળ્યો છે. સ્પેનમાં વીજળીના ભાવ 3 ગણા થઈ ગયા છે. આગામી સમયમાં શિયાળો આવી રહ્યો છે ત્યારે શિયાળામાં વીજળીની ખપત વધી જતી હોવાથી વીજળી વધુ મોંઘી થશે. યુરોપની સાથે સાથે એશિયન દેશોમાં પણ બળતણના ભાવોમાં મોટો વધારો થયો છે.

વાત માત્ર આટલા દેશો પૂરતી જ નથી. શ્રીલંકામાં એલપીજી સિલિન્ડરની કિંમત ડબલ થઈ ગઈ છે. દૂધના ભાવો પણ શ્રીલંકામાં પ્રતિ લિટર 1200 થઈ ગયા છે. આવી જ સ્થિતિ પાકિસ્તાનની પણ છે. પાકિસ્તાનમાં ગેસના ભાવમાં 30 ટકાનો વધારો થઈ ગયો છે. એલપીજી સિલિન્ડરની કિંમત પાકિસ્તાનમાં 2000 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે હાઈસ્પીડ ડિઝલની કિંમત 122 રૂપિયા પ્રતિ લિટર અને કેરોસીનની કિંમત 99 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. બળતણના વધારાએ પાકિસ્તાનમાં ફુગાવાને વધુ બળ આપ્યું છે. ઘઉં સહિતની ખાદ્યસામગ્રીના ભાવો પણ પાકિસ્તાનમાં વધી ગયા છે.

હકીકતમાં કોલસાની 60 જેટલી ખાણોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતાં કોલસાની મોટી સમસ્યા સર્જાવા પામી છે. કોલસાની સાથે સાથે અન્ય ઈંધણના ભાવો પણ વધી ગયા છે. ઝેંગઝોઉ કોમોટિડી એક્સચેન્જ ખાતે કોલસાની કિંમત રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી છે. ચીનમાં પણ ઈંધણના વધેલા ભાવોએ ફુગાવો વધાર્યો છે.

ચીનમાં છેલ્લા 13 વર્ષમાં સૌથી ઉંચા સ્તરે ફુગાવો પહોંચ્યો છે. જેણે મોંઘવારી વધારી છે. ઈંધણોના ભાવ વધારાને કારણે જાપાનમાં પણ વીજળીના દર વધી ગયા છે. છેલ્લા નવ માસમાં જાપાનમાં હાલનો વીજળીનો ભાવ સૌથી વધારે છે. જ્યારે ખાદ્યચીજો પણ ભારે મોંઘી થઈ જવા પામી છે. અમેરિકામાં મંગળવારે જ ક્રુડ ઓઈલના ભાવમાં સાત વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો. હાલમાં ક્રુડ ઓઈલનો ભાવ અમેરિકામાં 80 ડોલર છે. જે વધીને 90 ડોલર થઈ જવાની સંભાવના છે. ઈંધણના વધેલા ભાવોએ આખા વિશ્વમાં દરેક સ્તરે મોંઘવારી વધારી છે.

થોડા સમય પહેલા વિશ્વમાં ક્રુડ ઓઈલની ખપત 2.5 લાખ બેરલ હતી પરંતુ હાલમાં જે ઉર્જા સંકટ થયું છે તેને કારણે કોલસાના વિકલ્પરૂપે ક્રુડ ઓઈલનો ઉપયોગ થવા માંડ્યો છે. જેથી ક્રુડ ઓઈલની ખપત હવે 2.5 લાખ બેરલથી વધીને 7.5 લાખ બેરલ થઈ ગઈ છે. બની શકે છે કે અન્ય દેશ દ્વારા ક્રુડ ઓઈલનો સંગ્રહ કરવાનું શરૂ કરવામાં આવ્યું હોય. ભારતે પણ વિશ્વભરમાં ઈંધણના વધી રહેલા ભાવોના મામલે સચેત રહેવાની જરૂરિયાત છે. કારણ કે વિશ્વના અન્ય દેશો દ્વારા કોલસા, ક્રુડ ઓઈલ અને ગેસનો સંગ્રહ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સંગ્રહખોરીને કારણે ઈંધણના ભાવો હજુ વધુ ઊંચા જાય તેવી સંભાવના છે. પરંતુ સાથે સાથે આ સંગ્રહખોરીમાં જો ભારત ધ્યાન નહીં રાખે તો ભારતને મોટું નુકસાન થવાની સંભાવના છે. ભારતે આ મામલે પહેલેથી જ પગલા લેવા પડશે તે નક્કી છે.

Most Popular

To Top