Comments

ગોરા દેશોની ભારત-ઇર્ષ્યા હંગર રિપોર્ટમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે: ધ પોટ કોલિનગ ધ કેટલ બ્લેક

આજથી પંચાવન વરસ અગાઉનો સમય યાદ આવે છે. સૌરાષ્ટ્રમાં અમારું ગામ. દીવાળી પતે પછીના પંદરેક દિવસમાં ખેતરેથી બધો ચોમાસુ પાક ઘરે આવી ગયો હોય. દર ત્રણ વરસમાં સરેરાશ એક ચોમાસુ નિષ્ફળ જતું. જે વરસે કંઇક પાકતુંન તો તેમાં પણ ભલીવાર ન હતી. આજે જયાં શિયાળામાં સર્વત્ર લીલીછમ ખેતી જોવા મળે ત્યાં ત્યારે કાળી અને ભૂખરી માટી સર્વત્ર ફેલાયેલી જોવા મળતી. ખાવાનું કંઇ બચે નહીં. લોકો એક ટાઇમ જેવું તેવું જમતા. ગાયો ભેંસો માટેનો મગફળીનો ખોળ માત્ર ખાઇને એમણે મહિનાઓ કાઢયા હતા. એ લોકોનાં બૈરાં, છોકરાં, પુરુષો દેવ દિવાળી પતે એટલે સૌરાષ્ટ્રમાંથી ભરૂચ અને અંકલેશ્વર તરફ કપાસના અને બીજા પાકોનાં ખેતરોમાં મજૂરી કરવા આપી જતાં. એ વખતે એસ.ટી.ની બસો ચાલતી. તેમાં કલાકેક બેસીને રેલવે સ્ટેશન પર પહોંચતાં. ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારને તેઓ ગુજરાત અથવા ‘પરદેશ’ કહેતા.

પરદેશ શું કામ ગયાં હતાં? તો કહે શરીર ટકાવવા.
આજે ત્યાં સર્વત્ર લીલીછમ વાડીઓ છે. લોકો પાસે કપડાં, લત્તા અને ખોરાકની કોઇ તંગી નથી. કોઇ શાહુકારોના વ્યાજ ભરવાં પડતાં નથી. કામ છે પણ મજૂરો મળતાં નથી અને હમણાં 2023નો ગ્લોબલ હંગર રિપોર્ટ બહાર પડયો છે. તેમાં દુનિયાના 121 દેશોમાંથી ભારતને 111મો ક્રમ આપવામાં આવ્યો છે. જયાં ગયા વરસમાં ચાલુ વરસમાં ખાવાનાં ફાંફા વિસ્તૃતપણે પડયાં હતાં અને મોંઘવારીએ માઝા મૂકી હતી તે પાકિસ્તાન કરતાં પણ ભારતનો ક્રમ નીચે આવ્યો. પાકિસ્તાનને 102 ક્રમની રેન્ક અપાઇ છે.

ડોલર સામે પાકિસ્તાનનો રૂપિયો પાક રૂપિયા ત્રણસોની નજીક પહોંચી ગયો હતો. લોકો ત્રાહિમામ્ પોકારી ગયાં હતાં અને લોકોએ બહારના દેશોમાંથી આવેલી મદદ લૂંટવા માટે હજ્જારો લાખોની સંખ્યામાં ધસી આવ્યાં હતાં. લોટની થેલીઓ તફડાવીને ભાગમભાગ કરી હતી. ઝઘડાઓ થયા અને પોલીસે એક જગ્યાએ લાઠીચાર્જ કરવો પડયો હતો. પાકિસ્તાનના વડાઓએ ભીખ માગવાના તમામ ઉપાયો તમામ મિત્ર દેશો સમક્ષ અજમાવી જોયા હતા. વિશ્વ બેન્કે પણ લોન ન આપી અને હજી નથી આપી.

એ પાકિસ્તાનને ક્રમ 102 અપાયો છે, જયાં ટમેટાં ત્રણસો રૂપિયે 1 કિલો મળતા હતા. જયાં ખરેખર બળવો થયો, એક લીટર દૂધના સાતસો આઠસો રૂપિયા થયા, પ્રમુખે રાજમહેલ છોડીને ભાગી જવું પડયું અને ભારતે અનાજ મોકલ્યું ત્યારે પ્રજા ખાવાભેળી થઇ તે શ્રીલંકાને 60 (સાઠમો) ક્રમ અપાયો છે. આવે છે માનવામાં કશું? જેમ ક્રમનો આંકડો વધુ તેમ ત્યાંની સ્થિતિ નબળી. હવે એ શ્રીલંકાને જીવતું રાખનાર ભારતને 111મો ક્રમ અપાયો છે, જયાં કોઇ રાજયમાં કોઇ પ્રદેશમાં અનાજની અછત નથી. ભારતનો ક્રમ 111મો આવ્યો છે.

એ ભારત જેણે અફઘાનોને પણ અનાજ પાણીની મોટી મદદ મોકલી હતી. વાહ રે અમેરિકાની અને યુનોની બદમાશી અને ચાલબાજી! નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા છે ત્યારથી જયોર્જ સોરોસ અને એનું મળતિયું જગત ભારતને અને મોદીને બદનામ કરવાનાં કાવતરામાં લાગી ગયા છે. નરેન્દ્રભાઇ મોદીની સરકાર દુનિયાની મહાસત્તાઓના કહ્યામાં નથી રહી, યુરોપ-અમેરિકા અને સોરસ મંડળીનું ધાર્યું કરતી નથી અને ભારતના પોતાના હિતો વધુ સાચવે છે. રશિયા સાથે વેપાર ચાલુ રાખ્યો છે. ત્યારથી ભારતને બદનામ કરવા દુનિયાની તાકાતો કામે લાગી ગઇ છે.

માત્ર ખોરાક અને ભૂખમરાના જ નહીં પણ બીજા અનેક ઇન્ડેકસમાં ભારતને બદઇરાદાપૂર્વક છેવાડાનો જ ક્રમ અપાયો છે. અરે કાળમુખાઓ, જો તમારા રિપોર્ટ સાચા હોય તો અહીં ભારતમાં આવીને મોટા મોટા ધંધા શા માટે કરો છો? શા માટે ઇબોન મસ્ક ભારતમાં ટેસલા કાર વેચવા માગે છે? શા માટે એપલને ભારતનું બજાર જોઇએ છે? ભારત ભૂખે મરે છે તો તમારી સડેલી ગંધાતી ચીજો અને કેચ અપથી ખદબદતા પીત્ઝાઓ ખરેખર ગંધાતી ઠંડીબોળ સેન્ડવીચો, મેકડોનાલ્ડના બર્ગરો, કેએફસીના તેલથી ભરપૂર ચીકન કોણ ખાય છે?

તમારાં ઠંડાં પીણાઓ ભારતમાં ન વેચાય તો ડ્રીન્કસ કંપનીઓનો કુલ નફો સાવ ઘટી જાય. તમે એક પિત્ઝા પાંચસો રૂપિયા અને તેથી વધુમાં વેચો છો તેવો જ પિત્ઝા ભારતની કંપનીઓ એક સો રૂપિયાની અંદર ગ્રાહકને પીરસે છે. અમેઝોને વરસ 2022માં ભારતમાં 215 અબજ રૂપિયાનો વકરો કર્યો હતો. આ ભારતમાં નવી સમૃદ્ધિ, નવો પૈસો આપ્યો છે તેના પર યુરોપ-અમેરિકા તાગડધિન્ના કરે છે. કોઇ ભારતીય આ હંગર રિપોર્ટને મંજૂર રાખતો નથી પણ પશ્ચિમની મુર્ખાઇપૂર્વકની ઇર્ષ્યા સામે હસે છે. મોદી સામેની દાઝ તેમાં સ્પષ્ટપણે ઝબકે છે.

આ એ ભારત છે, જયાં છેલ્લાં બે વરસમાં અર્થતંત્ર દુનિયામાં સૌથી વધુ ઝડપે વિકાસ પામ્યું છે. ચીનને પણ જીડીપીમાં પાછળ રાખી દીધું છે. હાલમાં ચીનનો વિકાસ દર માત્ર બે ટકાની આસપાસ છે. ભારતનો છ ટકાથી વધુ છે. કદની દૃષ્ટિએ ભારતે યુકેને પાછળ રાખી દીધું છે. ભારતને પશ્ચિમ બદનામ કરે છે ત્યારે ગોરું જગત સંસ્કારી છે એવી જે છાપ મિથ્યા જણાય છે સંસ્કારી છે જો તમે તેઓના ગુલામ બનીને રહો તો! વાસ્તવમાં તેઓને ત્યાં ઘરઆંગણે જે સ્થિતિ છે તેના પર ચિંતન-મનન કરવાની તેઓને ખાસ જરૂર છે.

અમેરિકાની પ્રજામાં ઓપીસોડ (દર્દશામક દવાઓ) અને ડ્રગ્સનું વળગણ એટલી હદે વકર્યું છે કે લાખો લોકો નાની વયે મરણ પામી રહ્યાં છે. છેલ્લાં પંદર વરસમાં દસ લાખથી વધુ નાની વયે મરી ગયાં છે. હજી તેનો કોઇ ઉપાય મળતો નથી અને તેઓ ભારતનાં બાળકોની જુઠી ફિકર કરે છે. ગોરા લોકોએ યાદ રાખવાની જરૂર છે કે અમારા ભારતમાં કોઇ માણસ ભૂખ્યો રહીને મરતો નથી. દુનિયામાં સૌથી દયાળુ લોકો ભારતમાં છે, જે એના બાવા સાધુઓ, ભિખારીઓ અને જનાવરોને પણ ભૂખો મરવા દેતા નથી. હમણાં અમેરિકાના લેવિસ્ટન, માઇને ખાતે એક સાથે અઢાર નિર્દોષને રેસ્ટોરામાં ફૂંકી માર્યા. આવું સાંભળીને દૂર બેઠેલા આપણને અરેરાટી થઇ આવે પણ એમના સગા માબાપોને કોઇ અરેરાટી થતી નથી.

તેઓ મરનારાની અંતિમ વિધિમાં હાજરી આપવા માટે પણ કાળા ફેશનેબેલ વસ્ત્રો અને ગોગલ્સ પહેરીને જશે. આ એ જ ભારત છે જયાં બીજા વિશ્વયુધ્ધ વખતે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલે બંગાળમાંથી ચોખા ઉપાડી જઇને બ્રિટન અને એના સૈનિકોનાં પેટ ભર્યાં હતાં અને પરિણામે બંગાળમાં લાખો લોકો ભૂખથી મરી ગયાં હતાં. અમેરિકા, બ્રિટન પાસે જાહોજલાલી અને સાહ્યબીનો પાર નથી છતાં કોવિડ કાળમાં પોષાતાં નાગરિકોને રસીની સુવિધા એટલી અસરકારક રીતે આપી શકયા ન હતા જેટલી અસરકારક સેવા ભારતે પોતાનાં નાગરિકોને સાવ મફતમાં આપી હતી.

ભારતે બીજા દેશોને પણ રસી પૂરી પાડી. કોરોના કાળથી અમેરિકા, યુરોપ કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસથી પીડાઇ રહ્યા છે. બ્રિટનના કરોડથી વધુ નાગરિકોને હજી બે ટંકનું જમવાનું મળતું નથી. ભારતમાં મોંઘવારીમાં સહેજ વધારો થયો પણ તેઓને ત્યાં માણસો રસ્તા પર આવી ગયાં તેવું ભારતમાં હરગિઝ નથી બન્યું. લોસ એન્જેલસ, જે સમૃદ્ધિ અને ગ્લેમરનું વિશ્વ પાટનગર ગણાય છે અને નાણાંથી લથપથ સિલિકોન વેલી જયાં નજીક આવેલી છે તે લોસ એન્જેલસમાં ફૂટપાથ પર તંબુઓમાં વસતાં લોકો બેસુમાર વધી ગયાં છે. અમેરિકામાં તૈયાર થયેલો રિપોર્ટ વાસ્તવમાં હંગર રિપોર્ટ નથી, પણ હંટર રિપોર્ટ છે, જેના વડે ગોરા લોકો દૂર બેઠાં બેઠાં કાળાં લોકોને ફટકારવા માગે છે.

જેનો પૃથ્વી પર સૂરજ આથમતો ન હતો તે ઋષિ સુનકના આજના યુકેની સ્થિતિ જુઓ. બ્રિટનમાંથી જ પ્રસિદ્ધ થતું ‘ધ વીક’ તેના લેટેસ્ટ અંકમાં લખે છે કે આજે યુકેમાં છ કરોડ 73 લાખ લોકોમાંથી 38 લાખ લોકો એવાં છે, જેઓ મકાનનાં ભાડાં, વીજળીનાં બિલો અને કપડાંનો ખર્ચ ચૂકવી શકે તેમ નથી અને તેઓ દિવસમાં એક ટંકથી વધારે વખત જમી શકે એવી આર્થિક સ્થિતિ પણ નથી રહી. ત્યાં ભારતનાં મંદિરો, ગુરુદ્વારાઓ, ચેરિટી રસોડાં ચલાવે છે જયાં ગોરા કાળા વગેરે સહુ મફતમાં મહિનાઓ અને વરસોથી જમી રહ્યાં છે.

જોસેફ રાઉન ટ્રી ફાઉન્ડેશન નામની એક સંસ્થા દ્વારા છેલ્લાં આઠ વરસની સ્થિતિનો અભ્યાસ હાથ ધરાયો હતો, તેમાં જાણવા મળ્યું કે આજથી પાંચ વરસ અગાઉ કંગાળ લોકોની જે સંખ્યા હતી તેમાં છેલ્લાં પાંચ વરસમાં બમણો વધારો થયો છે. આ આડત્રીસ લાખમાંથી દસ લાખ તો બાળકો છે. ભારતના તથાકથિત લિબરલ પત્રકારો રવિશ, બવિશ વગેરેએ બ્રિટન જઇ ઋષિ સુનકને ખાસ સવાલો પૂછવા જોઇએ. સદીઓ સુધી દુનિયા લૂંટીને એકઠી કરી હતી તે સંપત્તિ કયાં ગઇ? રવિશે સોરોસની કે ચીનની દલાલીનો ધંધો માત્ર ભારત પૂરતો મર્યાદિત ન રાખવો જોઇએ.

જો તમે ત્યાંની લોકશાહીની વાહ વાહ પોકારતા થાકતા નથી તો આ સવાલો પણ ન ભૂલવા જોઇએ. આમાં બીજા તેર લાખ યુવાનો પણ છે જેઓ અસહ્ય ગરીબીમાં જીવી રહ્યાં છે. તેઓની તબિયત કથળી ગઇ છે. ભૂખમરો સહન કરીને. ઘણાં અશકત અને અપંગ બની ગયાં છે. તેઓ વીજળી બિલ ચૂકવી શકે તેમ નથી તેથી હાલના મહિનાઓમાં થીજવી નાખે એવાં ઘરોમાં વસવું પડે છે. ઘણા કેન્સરનાં દર્દીઓ છે.

શાળાનાં બાળકોને બપોરના ખાવામાં માત્ર એક કેળું મળે છે. અનેક જગ્યાએ ફુડ બેન્કો ચેરીટીઓ દ્વારા ખોલવામાં આવી છે પણ તે પૂરી પડતી નથી. આ નિરાધાર લોકો સરકારી સબસીડીઓ પર જેમ તેમ નિર્વાહ કરતા હતા. પણ સુનકની રૂઢિચુસ્ત પક્ષની સરકારે એ બેનિફીટસ બંધ કરી દીધા છે. વીક સાપ્તાહિક આ સ્થિતિ માટે સરકારને જવાબદાર ગણે છે. ઋષિ સુનકને યાદ અપાવીએ કે ભારતની વસતિ 144 કરોડ પર પહોંચી છે. સાડા છ કરોડને તમે સાચવી શકતા નથી ત્યારે બીજા દેશોની ફિકર છોડો. સાહેબો તમારી પોતાની તબિયત સંભાળો! તમારી પોતાની દવા કરો!

એ હંગર રિપોર્ટને ધ્યાનથી વાંચીએ તો અમેરિકાની ખુદની પણ ફજેતી થાય તેમ છે. અમેરિકાના કૃષિ મંત્રાલય દ્વારા આ રિપોર્ટ દર વરસે બહાર પડાય છે. રિપોર્ટ કહે છે કે અમેરિકાની ભૂખની સ્થિતિમાં 2022ના વરસમાં ઝડપભેર વધારો નોંધાયો હતો. અમેરિકાને 13 ટકા કુટુંબોને પૂરતું ભોજન મળી રહેતું નથી. ચાર કરોડ બેંતાલીસ લાખ અમેરિકનો, જેમાં એક કરોડ ચોત્રીસ લાખ બાળકો પણ છે, 2020થી તેઓ એ રીતે જીવી રહ્યાં છે કે રોજ પૂરતો ખોરાક મળશે તેની કોઇ ખાતરી નથી.

2021માં જે સ્થિતિ હતી તે 2022માં ત્રીસ ટકા વધુ વકરી હતી. 2022માં કંગાળ લોકોમાં નવા એક કરોડ ત્રણ લાખ લોકો ઉમેરાયાં હતાં. તેમાં કાળા અને દક્ષિણ અમેરિકા(લેટિન) ખંડના દેશોમાંથી આવેલા મુખ્યત્વે સ્થાનિક લોકોની સ્થિતિ સૌથી બદતર હતી અને આજે પણ હશે. એકલી જીવતી માતાઓ પોતાનાં બાળકો માટે પૂરતું જમવાનું મેળવી શકતી નથી. 2020-21માં કોરોના સંકટ સમયે અમેરિકી સરકાર લોકોને જે સહાય આપતી હતી તે 2022માં બંધ કરી દેવામાં આવી પછી ત્યાંની સ્થિતિ વણસી છે. હમણાં 2024 પધારશે પણ ભારત સરકારે સહાયો આપવાનું બંધ કર્યું નથી.

અમેરિકામાં તો મોંઘવારી લગભગ દસ ટકા વધી ગઇ તેથી લોકો માટે ખાદ્યપદાર્થો મેળવવાનું વધુ મુશ્કેલ બન્યું. લોકોએ ધંધાઓ રોજગારીઓ ગુમાવ્યાં છે અને તેમાં આ મોંઘવારીનો માર. કુલ તેંત્રીસ કરોડમાંથી વધુ એક કરોડથી વધુ નિરાધાર બની ગયા. જયોર્જ સોરોસ લગભગ પંચાણુ વરસનો, કરચલીઓથી લથપથ બુઢ્ઢો થયો છે ત્યારે એણે મોદી સરકારને ઉથલાવી મૂકવાના છંદ અને મંશાઓ પાળવાને બદલે એક અબજ ડોલર પોતાના દેશનાં નિરાધારો માટે વાપર્યા હોત તો આ કટોકટી આવી ન હોત. સાચે જ કોઇએ કહ્યું છે, બુરી નજરવાલે તેરા મુંહ કાલા.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top