National

ભારતનો GDP 2022માં 3.5 ટ્રિલિયન ડોલરને વટાવી ગયો, ઘણી ઝડપે વધશે: મૂડીઝ

નવી દિલ્હી: વિશ્વની અગ્રણી રેટિંગ એજન્સી મૂડીઝે જણાવ્યું છે કે ભારતની કુલ ઘરેલુ પેદાશો(જીડીપી)એ વર્ષ ૨૦૨૨માં સાડા ત્રણ ટ્રિલિયન ડોલરની સપાટી વટાવી દીધી છે અને ભારત આગામી પાંચ વર્ષમાં જી-૨૦ દેશોમાં સૌથી વધુ ઝડપે વિકસનાર દેશ બની રહેશે, પણ સુધારાઓ અને નીતિ વિષયક અવરોધો તથા સરકારી બાબુશાહી વિદેશી રોકાણોને અવરોધી શકે છે.

  • આગામી પાંચ વર્ષમાં જી-૨૦માં ભારતનો સૌથી વધુ ઝડપે વિકાસ થશે
  • જો કે સરકારી નોકરશાહીના દૂષણો ભારતમાં વિદેશી રોકાણોને અવરોધી શકે છે

એક રિસર્ચ રિપોર્ટમાં અમેરિકા સ્થિત આ રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે ભારતમાં લાયસન્સો મેળવવા માટે અને ધંધાઓ સ્થાપવા માટેની પ્રક્રિયામાં સરકારી નોકરશાહીના દૂષણો અવરોધો સર્જી શકે છે અને આ પ્રક્રિયાને ધીમી પાડી શકે છે અને તેને કારણે ભારતમાં આવતા વિદેશી રોકાણોના પ્રવાહ પર અસર થઇ શકે છે. નિર્ણય લેવાની પ્રક્રિયામાં સરકારી અમલદારોની દખલગીરી હજી પણ ઘણી વધારે છે એવો અભિપ્રાય આપતા મૂડીઝે કહ્યું છે કે ઇન્ડોનેશિયા અને વિયેટનામ જેવા અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં વિદેશી રોકાણકારો સરકારી નોકરશાહીની દખલને કારણે ઓછા આકર્ષાય છે.

મૂડીઝે જણાવ્યું છે કે વિશાળ શિક્ષીત અને યુવા વર્કફોર્સ, વિભક્ત થતા કુટુંબો અને શહેરીકરણને કારણે ઘરો, સિમેન્ટ અને નવી કારોની માગ વધશે. ઇન્ફ્રાસ્ટકચર પાછળ સરકારનો ખર્ચ સ્ટીલ અને સિમેન્ટ ઉદ્યોગને વેગ આપશે, જ્યારે નેટ ઝીરો માટે ભારતની પ્રતિબધ્ધતા રિન્યુએબલ ઉર્જામાં રોકાણને વેગ આપશે. બાકીના દાયકામાં ભારતમાં ઉત્પાદન અને માળખાગત સેકટરોમાં માગ વાર્ષિક ૩થી ૧૨ ટકા જેટલી વધશે છતાં ૨૦૩૦ સુધીમાં ભારતની ક્ષમતા હજી પણ ચીન કરતા નોંધપાત્ર પાછળ રહેશે એમ પણ મૂડીઝે જણાવ્યું છે. જો કે ભારત સરકારના સુધારાના પગલાઓ જોતા અને દેશની વિકાસની હાલની ગતિ જોતા આગામી પાંચ વર્ષમાં જી-૨૦ના દેશોમાં ભારતનો વિકાસદર સૌથી વધારે રહેશે એ પ્રકારનો અભિપ્રાય મૂડીઝ દ્વારા આપવામાં આવ્યો છે.

Most Popular

To Top