National

અરબી સમુદ્રમાં વાવાઝોડું ‘તેજ’ ગંભીર તોફાનમાં ફેરવાયું, બંગાળની ખાડીમાંથી આવી શકે છે વધુ એક વાવાઝોડું

નવી દિલ્હી: (New Delhi) ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં (Arabian Sea) ઉદ્દભવેલું ચક્રવાત ‘તેજ’ રવિવારે ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં (Cyclone) ફેરવાઈ ગયું છે અને તે યમન-ઓમાનના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. દરમિયાન બંગાળની ખાડીમાં પણ ઓછી તીવ્રતાના ચક્રવાતી વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ રહી છે. બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર એરિયા મંગળવાર સુધીમાં તોફાનનું સ્વરૂપ લઈ શકે છે. જોકે હાલ ગુજરાતમાં તેની કોઈ ખાસ અસર દેખાશે નહીં. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વાવાઝોડાની સ્થિતિને પગલે ગુજરાતના કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ પડે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે.

આઇએમડીએ જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને અલ ગૈદાહ (યમન) અને સલાલાહ (ઓમાન) વચ્ચે 24 ઓક્ટોબરના રોજ બપોરના સુમારે યમન-ઓમાનના દરિયાકાંઠાને પાર કરવાની આગાહી છે. તીવ્ર ચક્રવાતી તોફાન દરમિયાન પવનની ઝડપ 115-125 કિમી પ્રતિ કલાક સુધી 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ગંભીર ચક્રવાતી તોફાન ‘તેજ’ અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બન્યું છે. તેવું એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. રવિવારે સવારે 8:30 વાગ્યે તે સોકોટ્રા (યમન) ના લગભગ 160 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં સલાલાહ (ઓમાન) થી 540 કિમી દક્ષિણ-પૂર્વમાં અને અલ ગૈદાહ (યમન) થી 550 કિમી દેક્ષિણ-પૂર્વમાં કેન્દ્રિત હતું.

IMD એ એમ પણ જણાવ્યું હતું કે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરનું ડિપ્રેશન સોમવારે સવાર સુધીમાં વધુ તીવ્ર બની શકે છે. આ પછી આગામી ત્રણ દિવસમાં તે બાંગ્લાદેશ અને નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા અને ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાની અપેક્ષા છે. IMDએ રવિવારે કહ્યું કે બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર 24 ઓક્ટોબર સુધીમાં ઓછી તીવ્રતાના ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. ઓડિશાના પારાદીપની દક્ષિણે લગભગ 610 કિલોમીટરના અંતરે લો પ્રેશર સિસ્ટમ એટલે કે ડિપ્રેશન રચાયું છે.

બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવઝોડા ‘તેજ’ને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. પશ્ચિમ વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 24 અને 25 ઓક્ટોબરે રાજ્ય ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદની સંભાવના છે.

Most Popular

To Top