Madhya Gujarat

નડિયાદમાં એસપી હોવાનું કહી સમાજ સેવકને દમ મારનારી મહિલા પકડાઇ

નડિયાદ: નડિયાદ શહેરમાં રહેતા અને લોકોને મદદ કરતાં સમાજ સેવકને ફોન ઉપર એસ.પી. તરીકેની ઓળખ આપીને ધમકી આપનાર શખ્સ અને મહિલાને નડિયાદ ટાઉન પોલીસે ઝડપી પાડી હતી. નડિયાદ શહેરમાં રહેતા એક જાગૃત નાગરીકે રેશનકાર્ડમાં કરવામાં આવતી ગેરરિતી મામલે કલેક્ટરને રજૂઆત કર્યા બાદ પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કર્યો હતો. જે મામલે નડિયાદ રૂરલ અને મહેમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેની રીસ રાખીને એક મહિલાએ પોતે પોલીસ અધિક્ષક તરીકેની ઓળખ આપીને નડિયાદના રહીશને ફરિયાદો ન કરવા ધાકધમકી આપી હતી. આ મામલે નડિયાદ ટાઉન પોલીસે મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી મહિલા અને તેના સાગરીતને પોલીસે ઝડપી પાડ્યા હતા.

નડિયાદમાં રહેતા મૌલિકભાઇ ખાનજીભાઇ શ્રીમાળી સમાજ સેવાનું કાર્ય કરી, નગરજનોને મદદરૂપ થાય છે. થોડા સમય પહેલાં તેમણે રેશનકાર્ડમાં ચાલતી ગફલત ધ્યાને આવતાં, પોતાની રીતે તપાસ કરી, આ મામલે કલેક્ટરને રજૂઆત કરી હતી. બાદમાં કલેક્ટર દ્વારા પોલીસ ફરિયાદનો આદેશ આપવામાં આવતાં નડિયાદ રૂરલ અને મહેમદાવાદ પોલીસ મથકે પરષોત્તમ અંબાલાલ પંડ્યા ઉર્ફે પરેશ, સદીયો, મનુ લંગડો ઉર્ફે પૂનમ અંબાલાલ પંડ્યા, કાણિયો ઉર્ફે જયદીપ અંબાલાલ પંડ્યા, ભગલો ઉર્ફે અજય પરષોત્તમ પંડ્યા, પ્રકાશચંદ્ર ઉર્ફે મનુ પૂનમ પંડ્યા વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ બાબતને લઇને ૨૭ મી જુલાઇ ૨૦૨૧ ના રોજ મૌલિકભાઇના ફોન પર એક મહિલાનો ફોન આવ્યો હતો અને તેણે અંબાલાલ અને તેના પરિવારજનોને રેશનકાર્ડ અને અન્ય બીજા ખોટા કેસમાં કેમ પરેશાન કરો છો ? તેમ કહીને ધમકી આપી હતી. જેથી મૌલિકભાઇએ ફોન કરનારને તેમની ઓળખ પૂછતાં, ફોન કરનાર મહિલાએ પોતાની ઓળખ પોલીસ અધિક્ષક સંગીતાબેન પટેલ તરીકે આપી હતી અને હવે હેરાન કરશો તો નડિયાદ રૂરલ પોલીસ મથકમાં આવીને મૌલિકભાઇ સામે કાર્યવાહીની ધમકી આપી હતી.

જોકે, આ મામલે મૌલિકભાઇએ નડિયાદ રૂરલ પોલીસ મથકમાં અરજી આપી હતી. જોકે, મામલો નડિયાદ ટાઉન પોલીસ મથકની હદમાં હોવાથી આ મામલે મૌલિકભાઇ શ્રીમાળીએ નડિયાદ ટાઉન પોલીસ મથકે સંગીતા જે. પટેલ અને અંબાલાલ પંડ્યા સામે ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં એસ.પી. તરીકેની ઓળખ આપીને મૌલિકભાઇને ધમકાવનાર સંગીતા પટેલ અને તેના સાગરીત પુરૂષોત્તમને પોલીસે ઝડપી પાડ્યો હતો.

પત્રકારો સાથે ઘર્ષણમાં ઉતરી

સંગીતા પટેલની અટક કર્યા બાદ તેને મંગળવારે પોલીસ કોર્ટમાં રજૂ કરવા માટે લઇ ગઇ હતી. આ સમયે ત્યાં હાજર પત્રકારોને જોઇને સંગીતા ગિન્નાઇ હતી અને તેની તસ્વીર લઇ રહેલા પત્રકારો સાથે બોલચાલી કરી હતી. પોલીસની હાજરીમાં પત્રકારો સાથેના વર્તનને લઇને પત્રકારો પણ રોષે ભરાયા હતા.  આ મામલો કોર્ટના ધ્યાને પણ લાવવામાં આવ્યો હતો.

અનેક લોકોને પણ છેતર્યા હોવાની આશંકા

નડિયાદ ટાઉન પોલીસે મહિલા અને તેના સાગરીતની જે ગુનામાં અટક કરી છે, જો તે મામલાની તટસ્થ અને ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો અન્ય જિલ્લાઓમાં પણ આ ઠગ ટોળકીના કારનામા પ્રકાશમાં આવી શકે. મૌલિકભાઇની જેમ અન્ય કેટલા લોકોને આ રીતે ધાકધમકી આપીને આ ટોળકીએ કૌંભાડો આચર્યા છે કે આચરવામાં મદદ કરી છે તેની તપાસ કરવામાં આવે તે જરૂરી છે.

Most Popular

To Top