Madhya Gujarat

બોરસદમાં મુસાફરોએ બસ રોકો આંદોલન કરતાં અફડા તફડી

આણંદ : બોરસદ તાલુકાના મહીકાંઠાના ૧૫ ગામના મુસાફરો દિલ્હી ચકલા બસસ્ટેન્ડથી આણંદ – બોરસદ – વડોદરા સુધી અપડાઉન કરે છે. પરંતુ દિલ્હી ચકલા બસ સ્ટેન્ડ પર બસોનું સટોપેજ ન રાખતાં વિદ્યાર્થીઓ સહિત મુસાફરો દ્વારા બસ રોકવામાં આવતા અફડા તફડી મચી હતી. બોરસદ તાલુકાના કાલુ, બદલપુર, કઠાણા, કઠાણા સ્ટેશન તથા આજુબાજુના ૧૫ ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બોરસદ, વિદ્યાનગર, આણંદ, વડોદરા જાય છે. આ તમામ મુસાફરો વિદ્યાર્થીઓ ધુવારણથી બોરસદ તરફ આવતી તમામ બસોનો ઉપયોગ કરે છે.

પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ રૂટ પર સવારમાં બસોને ઉભી રાખવામાં આવતી નથી. આ બસ સુવિધાઓ મામલે બોરસદ ડેપોમાં ડેપો મેનેજરને લેખિતમાં પણ રજૂઆત કરી છતાં કોઈપણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી. જેથી વિદ્યાર્થીઓ રોષે ભરાયાં હતા અને સોમવારના રોજ બસ સ્ટેન્ડ પાસે જ બસને અટકાવતાં અફડા તફડી મચી હતી. ભારે રકઝક બાદ બસને રવાના કરાઈ હતી. પરંતુ દરરોજ દિલ્હી ચકલા બસ‌ સ્ટેન્ડ પાસે બસ ઉભી નહીં રખાય તો આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવનાર હોવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

Most Popular

To Top