Dakshin Gujarat

અંકલેશ્વરમાં બે સગા ભાઈ સામસામે ચૂંટણી લડશે, એકને ભાજપે તો બીજાને કોંગ્રેસે ટિકીટ આપી

અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં ભાજપ બાદ કોંગ્રેસે પણ મુરતિયાઓની યાદી જાહેર કરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી ભરૂચ અને જંબુસરને બાદ કરતા જિલ્લાની અન્ય ત્રણ બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. વાગરામાં સુલેમાન પટેલને રિપીટ કરાયા છે. ઝઘડીયામાં યુવા અગ્રણી ફતેસિંહ વસાવાને ઉમેદવારીની તક આપી છે. જયારે 6 ટર્મ કરતા વધુ સમયથી બેઠક ઉપર કબ્જો જમાવી રાખનાર ઠાકોરભાઇ પટેલ પરિવારના એક પુત્રને ભાજપાએ ટિકિટ આપતા કોંગ્રેસે ઈશ્વર પટેલના સગા ભાઈની ઉમેદવારી માટે પસંદગી કરી છે. કોંગ્રેસની યાદી જાહેર થયા બાદ તમામની નજર અંકલેશ્વર બેઠક ઉપર ટકી છે જ્યાં ભાઈ સામે ભાઈ ટકરાશે.

કોંગ્રેસના વાગરા, અંકલેશ્વર અને ઝઘડીયા બેઠકના ઉમેદવાર.

વાગરા વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલ
ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં સુલેમાન પટેલ જાણીતું નામ છે. આ બેઠક છેલ્લી બે ટર્મથી ભાજપા ખૂબજ પાતળી સરસાઈથી જીતતું આવ્યું છે. આ બેઠક ઉપર મુસ્લિમ અને કોળી મતદાર સૌથી વધુ છે. વર્ષ 2017 ની ચૂંટણીમાં સુલેમાન પટેલ માત્ર 2686 મતથી પરાજિત થયા હતા. આ સમયે નારાજ મુસ્લિમ નેતાઓએ અપક્ષ ઉમેદવારી કરી સુલેમાન પટેલના વધુ મત કાપ્યા હતા. પરાજય બાદ પણ સુલેમાને મનોબળ ન તોડી બીજી ટર્મ માટે ટિકિટ માંગવાનું ચાલુ રાખ્યું હતું. સુલેમાને કોરોનાકાળમાં સારી કામગીરીથી મતદારોનું દિલ જીત્યું હોવાના દાવા સાથે યાદીમાં રિપીટ કરવા માંગ કરી હતી જે સ્વીકારવામાં આવી છે.

અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ(વલ્લભ) પટેલ
ભાજપના 4 ટર્મના ધારાસભ્ય અને માજીમંત્રી ઈશ્વર પટેલ સામે તેમના સગાભાઇ વિજયસિંહ પટેલને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. વિજયસિંહ ઘણા સમયથી તેમના સગાભાઇ ઈશ્વર પટેલથી નારાજ છે. વિજયસિંહે કોંગ્રેસનો ખેસ ધારણ કરી તરત ટિકિટ માટે માંગણી કરી હતી. અંકલેશ્વર – હાંસોટના મતદાર ઠાકોરભાઈ પટેલના પરિવારને સારું માન આપે છે. વિજયસિંહ આ લોકચાહનાના દાવા સાથે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે.

ઝઘડીયા વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર ફતેસિંહ વસાવા
યુવા આગેવાન ફતેસિંહ વસાવાને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. ફતેસિંહ તાલુકાના પ્રમુખ છે. છોટુ વસાવા ચૂંટણીમાં ઉમેદવારી કરવાના નહિ હોવાના BTP ના નિર્ણય બાદ કોંગ્રેસ વધુ જોર લગાવી રહી છે, છોટુ વસાવા 7 ટર્મથી ધારાસભ્ય રહ્યા છે તોબીજી તરફ આ વિધાનસભામાં મોટેભાગે કોંગ્રેસ બીજા ક્રમે જ રહી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસ સાથે BTP એ ગઠબંધન કર્યું હતું.

Most Popular

To Top