World

“મારી વાત સાંભળો મિસ્ટર…”, પાકિસ્તાન આર્મી સામે ઈમરાને ભડાસ કાઢી

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને (Imran Khan) શનિવારે દેશને સંબોધિત કર્યો હતો. તેણે આર્મીને રાજનિતિમાં આવવા માટે પોતાની અલગ પાર્ટી બનાવવાની સલાહ આપી છે. ઈમરાને જણાવ્યું હતું કે લશ્કરી સંસ્થાન તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ને કચડી નાખવા મક્કમ છે. તેણે કહ્યું સેના દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાના કારણે દેશ પહેલાથી જ આપત્તિના આરે આવી ગયો છે.

ઈમરાને કહ્યું કે સેનાની મીડિયા વિંગ ISPRએ ક્યારેય રાજકારણીઓ વિશે આવી વાતો નથી કહી. તેણે કહ્યું, ‘તમે જો રાજકારણમાં ઝંપલાવ્યું જ છે તો તમે તમારી પોતાની પાર્ટી કેમ નથી બનાવતા? તમને આવા બેફામ આક્ષેપો કરવાનો અધિકાર કોણે આપ્યો? આવું નિવેદન કરવા બદલ તમને શરમ આવે છે. તમારી પાસે જેટલી હદે સેનાને અન્ય કોઈએ નુકસાન પહોંચાડ્યું નથી. સેના માટે મેં જેટલું કામ કર્યું છે એટલું કોઈએ કર્યું નથી અને તમે અમને કચડી નાખશો. જ્યારે હું વડાપ્રધાન હતો ત્યારે પાકિસ્તાન આર્મીની છબી સારી હતી કે હવે છે?’

ઈમરાને કહ્યું સેનાના પૂર્વ જનરલ કમર જાવેદ બાજવાએ મારી પીઠમાં છરો ભોંકીને પાકિસ્તાનના કુખ્યાત અને ભ્રષ્ટ અપરાધીઓને સત્તા આપી. આ પછી જનતાએ સેનાની આલોચના કરવાનું શરૂ કર્યું આવું મારા કારણે નહિં પણ સેનાના કારણે થયું છે. સેના પ્રમુખોની આવી હરકતોના કારણે સેના નિશાના પર આવે છે અને તેની નિંદા થાય છે. ઈમરાને કહ્યું તમે કહી રહ્યાં છો કે ઈમરાન ખાન જુઠ્ઠુ બોલે છે પણ લોકો સૌથી વધારે ભરોસો મારી ઉપર જ કરે છે. મને લોકો સૌથી વધારે ઈમાનદાર માને છે. પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે પણ મને ઈમાનદાર વ્યકિત ધોષિત કર્યો છે.

ઇમરાન ખાને ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના મહાનિર્દેશક મેજર જનરલ અહેમદ શરીફ ચૌધરીના નિવેદન પર પણ નિશાન સાધ્યું હતું, જેમાં તેમણે ખાનને ‘ડબલ-માઇન્ડેડ’ કહ્યા હતા. પીટીઆઈ ચીફે કહ્યું, ‘મારી વાત સાંભળો મિસ્ટર ડીજી આઈએસપીઆર… તમારો જન્મ પણ નથી થયો. જ્યારે હું દુનિયામાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો અને નામ કમાઈ રહ્યો હતો. વિશ્વએ મારા દેશને સન્માન આપ્યું. મને દંભી અને સૈન્યવિરોધી કહેવા બદલ તમને તમારી જાત પર શરમ આવવી જોઈએ.

Most Popular

To Top