Business

ઈંડિયન નેવીને અરબ સાગરમાં હાથ લાગ્યું 12 હજાર કરોડનું ડ્રગ્સ, ઈરાનથી ગુજરાત લઈ જવાતું હતું

નવી દિલ્હી: ભારતીય નૌકાદળના ઈન્ટેલિજન્સ યુનિટ (નેવલ ઈન્ટેલિજન્સ) અને NCBએ સંયુક્ત ઓપરેશનમાં અરબ સાગરમાં (Arabian Sea) અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સ (Drugs) કન્સાઈનમેન્ટ પકડ્યો છે. નેવી અને NCBએ અરબ સાગરમાં 2600 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર આ ડ્રગ્સની કિંમત લગભગ 12,000 કરોડ રૂપિયા છે. મળતી માહિતી અનુસાર અરબ સાગરમાં જપ્ત કરાયેલ પોર્ટમાં ડ્રગ્સ ઈરાનથી આવી રહ્યું હતું. આ ડ્રગ્સ ગુજરાતનાં બંદરે પહોંચે તે પહેલા જ જપ્ત કરવામાં આવ્યું હતું. 2600KG ડ્રગ્સ સાથે પકડાયેલા માફિયાને કોચી બંદર પર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં NCB અને નેવી આ મામલે વધુ તપાસ શરૂ કરશે. આ સમગ્ર ડ્રગ રેકેટમાં કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

ભારતીય નૌકાદળના નેવલ ઇન્ટેલિજન્સ યુનિટને એક ઇનપુટ મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાક ડ્રગ માફિયાઓ અરબ સાગર મારફતે ભારતના કોઈપણ દરિયા કિનારે ડ્રગ્સ પહોંચાડવા માંગે છે. આ ઇનપુટના આધારે નેવી અને NCBએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કરોડોની કિંમતના ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડ્યું હતું. જેને અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સ કન્સાઈનમેન્ટ કહેવાઈ રહ્યું છે.

નૌકાદળના જહાજ (INS TEG F-45)એ અરબી સમુદ્ર વિસ્તારમાં આ ડ્રગનું કન્સાઈનમેન્ટ પકડ્યું છે. અધિકારીઓએ ડ્રગ્સ માફિયાની પણ ધરપકડ કરી છે. નોંધપાત્ર રીતે, INS TEG સુદાનમાં ભારતીયોને બચાવવા માટે તૈનાત કરવામાં આવ્યું હતું. દરમિયાન સુદાનમાંથી તમામ ભારતીયોને બચાવીને સુરક્ષિત સ્થાન પર છોડ્યા બાદ, INS TEGએ સફળતાપૂર્વક આ ઓપરેશન પણ પાર પાડ્યું હતું.

ગુજરાત ATSએ રાજકોટમાંથી 217 કરોડના હેરોઈન સાથે નાઈજીરીયનને પકડ્યો
ગુજરાત ATSને થોડા દિવસો પહેલા ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા હતા. એક અજાણ્યું પાર્સલ મળી આવ્યું હતું જે છેલ્લાં કેટલાક દિવસોથી રાજકોટના પડધરી પાસેના સ્થળે રાખવામાં આવ્યું હતું. જોકે તેની ડિલિવરી માટે કોઈ આવ્યું ન હતું. પોલીસે આ જગ્યા પર નજર રાખવાનું શરૂ કર્યું. દરમિયાન અચાનક એક નાઈજીરિયન વ્યક્તિ પાર્સલની ડિલિવરી લેવા ત્યાં પહોંચી ગયો હતો. દરમિયાન પોલીસે તેને પકડી લીધો હતો. પોલીસે પાર્સલ ખોલતાં તેમાંથી 31 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 217 કરોડ રૂપિયા હોવાનું કહેવાયું હતું. એસપી એટીએસ અમદાવાદ સુનીલ જોષીએ જણાવ્યું કે પોલીસને માહિતી મળી હતી કે આ પાર્સલ પાકિસ્તાનથી ભારતીય જળસીમા મારફતે ગુજરાતમાં લાવવામાં આવ્યું હતું. અહીંથી દિલ્હી જવાનું હતું. હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

Most Popular

To Top