National

ખડગે નક્કી કરશે કર્ણાટકના નવા CMનું નામ, 18મે ના રોજ શપથગ્રહણ

નવી દિલ્હી: કર્ણાટકમાં જંગી બહુમતી સાથે ચુુંટણી જીત્યા બાદ કોંગ્રેસમાં હવે મુખ્યમંત્રી પદને લઈને બેઠકોનો દોર શરૂ થયો છે. આગામી 2 દિવસમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે અને 18 મેના રોજ શપથ ગ્રહણ સમારોહ યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમારોહમાં સીએમ અને ડેપ્યુટી સીએમ સહિત ઘણા કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આજે સીએલપીની બેઠક થઈ છે અને હાઈકમાન્ડને આ અંગેનો રિપોર્ટ સોંપવામાં આવશે. આ પછી હાઈકમાન્ડ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરશે. બેઠકમાંસર્વાનુમતે લેવાયેલા નિર્ણય અનુસાર મલ્લિકાર્જુન ખડગે નક્કી કરશે કે કર્ણાટકના સીએમ કોણ હશે.

કર્નાટકમાં (Karnataka) વિધાનસભા ચૂંટણીના (Election) પરિણામો શનિવારે જાહેર કરવામાં આવ્યાં હતા. જેમાં 224 બેઠકોમાંથી 135 સીટો કોંગ્રેસે (Congress) પોતાના નામે કરીને જીત મેળવી છે જ્યારે બીજેપીને 66 તેમજ જેડીએસને 19 સીટો મળી હતી. કોંગ્રેસ છેલ્લા એક દાયકાથી રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહી છે. 2014થી અત્યાર સુધી 50થી વધુ ચૂંટણીઓમાં કોંગ્રેસનો પરાજય થયો છે. પરંતુ છેલ્લા 6 મહિનામાં કોંગ્રેસની આ બીજી મોટી જીત છે. કર્ણાટકમાં ચૂંટણીના પરિણામો જાહેર થયાં પછી ત્યાંના સીએમ કોણ બનશે આ પ્રશ્ન ઉભો થયો છે. કોંગ્રેસના સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારનું નામ સીએમ પદ માટે ચર્ચામાં ચાલી રહ્યું છે. આ સિવાય ડેપ્યુટી સીએમ તરીકે એમબી પાટીલ (લિંગાયત) અને પૂર્વ ડેપ્યુટી સીએમ પરમેશ્વર (દલિત)ના નામ પણ ચર્ચામાં છે.

કર્ણાટકના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે કોંગ્રેસે રવિવારે સાંજે વિધાનમંડળ પક્ષની બેઠક બોલાવી હતી. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે આજે સાંજે 6.30 કલાકે બેંગલુરુની હોટેલ શાંગરી-લામાં કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાંથી જે પણ ચર્ચા થશે તે અંગે હાઈકમાન્ડ નિર્ણય લેશે. આ પ્રક્રિયા બાદ જ મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસે સુશીલ કુમાર શિંદે ઉપરાંત દીપક બાવરિયા અને જિતેન્દ્ર સિંહને કર્ણાટકના ઓબ્ઝરવર તરીકે નિયુક્ત કર્યા છે. 2 થી 3 દિવસમાં મુખ્યમંત્રીના નામ પર મહોર લાગશે.

કોણ છે ડીકે શિવકુમાર?
આઠ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ડીકે શિવકુમાર વોક્કાલિગા સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે, જે લિંગાયતો પછી બીજા નંબરનો સૌથી મોટો સમુદાય છે. શિવકુમાર જ્યારે વિદ્યાર્થી હતાં ત્યારથી જ તેઓ કોંગ્રેસના કટ્ટર સમર્થક હતા. તેઓ માત્ર 27 વર્ષની ઉંમરે તેમની પ્રથમ ચૂંટણી લડ્યા હતા. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસની જીત બાદ ડીકે શિવકુમારે કહ્યું- “હું પાર્ટીની આ જીતનો શ્રેય પાર્ટીના તમામ કાર્યકરોને આપું છું. લોકોએ અમારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને નેતાઓએ અમને ટેકો આપ્યો. અમે સામૂહિક નેતૃત્વમાં સાથે મળીને કામ કરીશું” મેં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે કર્ણાટકને સુધારવા માટે કામ કરીશું. સીએમના પદ માટે ડીકે શિવકુમારના ભાઈ અને કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશે પોતાના ભાઈને સીએમ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

કોણ છે સિદ્ધારમૈયા?
2013 થી 2018 સુધી કર્ણાટકના સીએમ રહેલા સિદ્ધારમૈયા 2006માં જેડીએસ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. કર્ણાટકની ત્રીજી સૌથી મોટી પાર્ટી કુર્બા સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા સિદ્ધારમૈયાએ 2013માં સીએમ પદ માટે મલ્લિકાર્જુન ખડગેને હરાવ્યા હતા. 2023ની વિધાનસભા ચૂંટણી પહેલા સિદ્ધારમૈયાએ જાહેરાત કરી હતી કે આ તેમનું છેલ્લું ચૂંટણી વર્ષ હશે. રવિવારની ધારાસભ્ય દળની બેઠક પહેલા સિદ્ધારમૈયાએ તેમના વિશ્વાસુ ધારાસભ્યો સાથે એક અલગ બેઠક કરી હતી. ઉપરાંત તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા.

કર્ણાટકમાં ચૂંટણીના પરિણામો જાહેર થયાં પછી સિદ્ધારમૈયાએ કહ્યું, ‘કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટ બહુમતી મેળવવા જઈ રહી છે. અમે પ્રચાર દરમિયાન એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસને લગભગ 130 બેઠકો મળશે. આ એક મોટી જીત છે. કર્ણાટકના લોકો પરિવર્તન ઈચ્છે છે. તેઓ ભાજપ સરકારથી કંટાળી ગયા હતા. આ ચૂંટણીનું પરિણામ લોકસભાની ચૂંટણી માટે એક પગથિયું છે.

Most Popular

To Top