SURAT

સુરત પોલીસ હવે લોન અપાવશે, 100 નંબર ડાયલ કરો અને લોન મેળવો

સુરત: વ્યાજખોરીના (Money Landers) દૂષણને ડામવાની દિશામાં સુરત શહેર પોલીસ (Surat City Police) દ્વારા એક સકારાત્મક અને સરાહનીય કદમ ઉઠાવવામાં આવ્યું છે. વ્યાજખોરોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની સ્પેશ્યિલ ડ્રાઈવ ચલાવ્યા બાદ હવે વ્યાજખોરીના દૂષણને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવા માટે સુરત શહેર પોલીસે જરૂરિયાતમંદોને લોન (Surat Police will help for Loan) અપાવવા માટે મધ્યસ્થી કરવાનો પ્લાન અમલમાં મુક્યો છે. સુરત શહેર પોલીસ હવે જરૂરિયાતમંદોને લોન અપાવવામાં મદદરૂપ થશે.

  • સુરત પોલીસનો સરાહનીય પ્રયાસ: જરૂરિયાતમંદોને લોન માટે મદદ કરશે
  • વ્યાજખોરીને ડામવામાં વધુ એક કદમ: લોન ઈચ્છુકોની યાદી સુરત પોલીસ બેન્કોને મોકલશે
  • રાષ્ટ્રીયકૃત, ખાનગી અને સહકારી બેન્કો પાસેથી 12 ટકાના વ્યાજદરે પોલીસ લોન અપાવશે

સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે સ્પેશ્યિલ ડ્રાઈવ ચાલી રહી છે. ગુજરાત સરકારના નિર્દેશ બાદ વ્યાજખોરોને પકડી પકડીને પોલીસ જેલમાં ધકેલી રહી છે. સુરત શહેર પોલીસ દ્વારા પાછલા 23 દિવસમાં વ્યાજખોરો સામે 165 કેસ રજિસ્ટર કરવામાં આવ્યા છે. 2 ટકાથી માંડીને 50 ટકા સુધીનું ઊંચું વ્યાજ વસૂલીને જરૂરિયાતમંદ ગરીબોનું લોહી ચૂસનારા વ્યાજખોર ટોળકીઓ સામે પોલીસ કડક હાથે કામ કરી રહી છે. ઘણા કિસ્સામાં વ્યાજખોરોના ત્રાસના લીધે સામાન્ય ગરીબ લોકો જીવન ટૂંકાવી લેતા હોવાના કિસ્સા બનતા ગુજરાત સરકાર અને પોલીસ બંને આ દૂષણને ડામવા માટે કમર કસી છે.

જોકે, માત્ર વ્યાજખોરોને જેલમાં પૂરવા માત્રથી આ દૂષણ જડમૂળમાંથી નાબૂદ નહીં થાય તે હકીકત સરકાર અને પોલીસ તંત્ર સમજે છે, તેથી જ સુરત શહેર પોલીસે આ બદીને નાબૂદ કરવા માટે એક સકારાત્મક અને સરાહનીય પગલું ઉઠાવ્યું છે. સુરત શહેર પોલીસે જરૂરિયાતમંદ ગરીબ વેપારી, નોકરીયાતોને લોન અપાવવા માટે મધ્યસ્થી કરવાનું નક્કી કર્યું છે.

સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું કે, ગરીબ જરૂરિયાતમંદો લોન ચૂકવતા હોય છે. ગરીબો દ્વારા ડિફોલ્ટના કિસ્સા ખૂબ ઓછા બનતા હોય છે. બેન્ક પણ સ્વીકારે છે કે જરૂરિયાતમંદો રેગ્યુલર લોન ચૂકવતા હોય છે. તેથી સુરત શહેર પોલીસ અને બેન્કોએ ભેગા મળીને જરૂરિયાતમંદોને લોન અપાવવામાં મદદરૂપ થવાનું નક્કી કર્યું છે. આ મામલે નેશનલ, પ્રાઈવેટ અને કો.ઓપરેટીવ બેન્કો સાથે ચર્ચા કરી સંયુક્ત પ્રયાસ શરૂ કરાયો છે. તે અંતર્ગત સરકારી યોજનાઓનો લાભ પણ જરૂરિયાતમંદોને મળે તેવા પ્રયાસ કરાશે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

100 નંબર પર ફોન કરવાથી લોન મળશે: સુરત શહેર પોલીસ કમિશનર
સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે કહ્યું કે, જે કોઈ જરૂરિયાત મંદ નાના વેપારી કે નોકરીયાતોને લોન જોઈતી હોય તેઓએ 100 નંબર પર ફોન કરવાનો રહેશે. અહીં પોતાના નામ-સરનામા અને ફોન નંબર લખાવવાના રહેશે. સુરત શહેર પોલીસના કંટ્રોલરૂમમાં લોન ઈચ્છુક જરૂરિયાતમંદોની યાદી તૈયાર કરવામાં આવશે. આ યાદી સુરત શહેર પોલીસ દ્વારા બેન્કોને મોકલવામાં આવશે. બેન્ક તમામ પાસા સમજી વિચારી પુરાવાના આધારે 12 ટકાના વાર્ષિક વ્યાજદરે જરૂરિયાતમંદોને લોન આપશે.

Most Popular

To Top