Columns

છોડશો તો હારશો

એક દિવસ એક નેશનલ લેવલ પર ભાગ લેતો દોડવીર પ્રેક્ટીસ દરમ્યાન દોડતાં દોડતાં પડી ગયો અને તેને પગમાં ફ્રેકચર આવ્યું.તે નાસીપાસ થઇ ગયો.દોઢ મહિનાનું પ્લાસ્ટર આવ્યું હતું અને નેશનલ હરીફાઈને બે મહિના બાકી હતા, જેમાં જીતીને તે ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરી શકત.દોઢ મહિનાનું પ્લાસ્ટર અને પછી પ્લાસ્ટર ખુલ્યા બાદ હાથમાં ૧૫ જ દિવસ તૈયારી માટે ….હવે હરીફાઈમાં જીતવું તો દૂર, ભાગ લેવો પણ અશક્ય લાગતું હતું.બધાએ સલાહ આપી, હવે જે થવાનું હતું તે થઈ ગયું, તું પડી ગયો તેમાં તારો શું વાંક, હશે નસીબ ખરાબ હશે…વાંધો નહિ, આવતા વર્ષે ટ્રાય કરજે…ચારે બાજુથી આવી જ નકારાત્મક સલાહ મળતી હતી.

આ બધી સલાહ સાંભળીને યુવાન પણ વિચારવા લાગ્યો કે હવે હું હરીફાઈમાં ભાગ લઇ નહિ શકું. પણ યુવાનના કડક કોચ કૈંક જુદું જ વિચારતા હતા.તેમણે યુવાનને કહ્યું, ‘ના તારે મેદાન છોડીને ભાગવાનું નથી …તારે હરીફાઈમાં પૂરી તાકાત લગાડીને દોડવાનું છે….સમજ્યો.’યુવાન બોલ્યો, ‘પણ સર, હું પગમાં પ્લાસ્ટર સાથે બિછાના પર છું.દોઢ મહિનો પ્રેક્ટીસ પણ નહિ કરી શકું તો પછી કઈ રીતે જીતી શકું? તો પછી હરીફાઈમાં શું કામ ભાગ લઉં?’ કોચે કહ્યું, ‘દોસ્ત, સૌથી પહેલાં દરેક હરીફાઈમાં જીત જ મળે કે પ્રથમ નંબર જ મળે તે જરૂરી નથી.જીત બધાને ગમે, પણ ભાગ લેનાર કંઈ બધા જ જીતતા નથી અને દરેક હારી જનાર કંઈ નબળો હોતો નથી.

તારે હરીફાઈમાં ભાગ લેવાનો જ છે.તારી પાસે ૧૫ દિવસ પ્રેક્ટીસ માટે છે તેમાં જાન લગાડી દેજે અને આપણે ટ્રેનિંગની રીત બદલીશું, પણ ટ્રેનિંગ બંધ નહિ કરીએ, સમજ્યો.તું બધાની સલાહ સાંભળવાનું બંધ કરી માત્ર મનોબળ પર ધ્યાન આપ…મનોબળને નબળું થવા દેતો નહિ.’ બીજા દિવસથી કોચ દ્વારા પગ સિવાયના શરીરના ઉપરના ભાગને અને બીજા પગને મજબૂત બનાવવા માટેની કસરતો શરૂ કરવામાં આવી.યુવાનને જલ્દી અને સારી રીકવરી માટે તેના માટે ખાસ ડાયેટ પ્લાન કરી તેનું કડક પાલન શરૂ કરવામાં આવ્યું,તેની દવા અને ઊંઘ પણ સમયસર થાય છે કે નહિ તે માટે ખાસ ચાર્ટ બનાવવામાં આવ્યો.કોચ રોજ તેને મોટીવેશન મળે તેવી વાતો કરતા.દોડવાની હરીફાઈના વિડીયો દેખાડતા.ટેકનીક સમજાવતા ..દોઢ મહિનાના પ્લાસ્ટર દરમ્યાન એક દિવસ પણ તેની આ ટ્રેનિંગ બંધ થઇ નહિ.

પ્લાસ્ટર ખુલ્યા બાદ બે દિવસ બાદ તરત જ યુવાને દોડવાનું શરૂ કરી દીધું.કડક કોચે તેની પાસે આકરી મહેનત કરાવી. હરીફાઈને બે દિવસ જ બાકી હતા ત્યારે કોચે યુવાનને કહ્યું, ‘જો તારી સ્પીડ અની ટેકનીક પર આ દોઢ મહિનાની ઈજાની કઈ બહુ ખરાબ અસર થઇ નથી.તારે કોઈની વાત સાંભળ્યા વિના છેલ્લી ઘડી સુધી પ્રયત્નો ચાલુ રાખી આગળ વધવાનું છે.’યુવાને બે દિવસ પણ આકરી તાલીમ ચાલુ જ રાખી અને છેલ્લે હરીફાઈમાં તે પહેલો ન આવી શક્યો, પણ તેને બીજું સ્થાન મળ્યું અને તે પણ પોતાના રેકોર્ડ કરતાં વધુ સારા રેકોર્ડ સાથે…’ યુવાન હાથમાં સિલ્વર મેડલ અને આંખોમાં સોનેરી ખુશી સાથે કોચ પાસે ગયો.કોચ બોલ્યા, ‘જોયું તેં બે મહિના પહેલાં જ , નાસીપાસ થઇ તૈયારી છોડી દીધી હોત તો તું આ પળ અને આ સ્થાન પર પહોંચી શકત નહિ.હાર એને મળે છે, જે પ્રયત્નો કરવાનું છોડી દે છે. આવતી કાલે સવારે પાંચ વાગે ગ્રાઉન્ડ પર મળશું…’આટલું કહી કોચ ગયા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top