Editorial

રખડતા ઢોરની સમસ્યા ઉકેલવી હોય તો સરકાર- પશુપાલકોના સહિયારા પ્રયાસ જરૂરી

છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં રખડતા ઢોરની મોટી સમસ્યા છે. આ પશુઓ દ્વારા રસ્તાઓ ખરાબ કરવાથી માંડીને અકસ્માતમાં કોઈને અડફેટે લેવાની અનેક ઘટનાઓ બની રહી છે. આ અકસ્માતોમાં અનેકના મોત પણ થયા છે. તંત્ર દ્વારા રખડતા ઢોરને પાંજરે પુરવાની કામગીરી કરવામાં આવે જ છે. આ કામગીરી દરમિયાન અનેક વખત પશુપાલકો તેમજ તંત્રના કર્મચારીઓ વચ્ચે લોહિયાળ ઘર્ષણની ઘટનાઓ પણ બની છે.

રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વધી રહી હોવાથી સામાન્યજનમાં તેની પ્રત્યે આક્રોશની લાગણી છે. તાજેતરમાં જ આ સમસ્યા વધી જતાં સરકારે આ માટે એક નવી પોલિસી અને કાયદો પણ જાહેર કર્યા હતા પરંતુ માલધારીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતાં સરકારે કાયદો બને તે પહેલા જ તેનો અમલ મોકુફ કરી દીધો હતો પરંતુ હાઈકોર્ટે ફટકાર લગાડતાં હવે સરકાર દોડતી થઈ છે અને જે મહાનગરોમાં રખડતા ઢોરની સમસ્યા છે ત્યાં ઢોરને પકડવાની સાથે ગેરકાયદે તબેલાઓ તોડવાની કામગીરી તેજ કરવામાં આવી છે અને તેને કારણે માલધારીઓ પણ રસ્તા પર આવી ગયા છે.

રખડતા ઢોરની સમસ્યા વ્યાપક બની રહી છે તેમાં માત્ર પશુપાલકોનો જ વાંક નથી. વાંક તંત્રનો પણ છે. ભૂતકાળમાં ગામડાઓમાં ખાસ પશુઓને ચરવા માટે ગૌચરની જમીનો હતી. આ જમીનોમાં કોઈની માલિકી નહોતી. સરકારી જમીન ગણાતી હતી અને તેમાં પશુઓને ચરવા માટે લઈ જવામાં આવતાં હતાં. આજે પણ અનેક ગામડાઓમાં ગૌચરની જગ્યાઓ છે જ. પરંતુ હવે સ્થિતિ એવી રીતે બદલાઈ છે કે ગામડાઓ શહેરોમાં ભળવા માંડ્યા છે. શહેરોમાં પશુઓને ચરવા માટે ગૌચરની જમીનો રાખવામાં આવતી નથી. જેને કારણે શહેરોમાં જ્યારે પણ પશુઓને ચરાવવા માટે લઈ જવામાં આવે કે પછી પશુ જાતે ચરવા માટે નીકળે છે. માલધારીઓ દ્વારા પશુઓને રાખવા માટે તબેલાઓ બનાવવામાં આવ્યા છે પરંતુ તબેલાઓમાં આખો દિવસ ગોંધાયેલા રહેવું પશુઓ માટે અસહનીય હોય છે. આ સંજોગોમાં પશુને બહાર કાઢવું જ પડે છે અને તેને કારણે પણ રખડતા ઢોરની સમસ્યા વ્યાપક બને છે.

રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે સરકાર દ્વારા હાઈકોર્ટની ફટકાર બાદ ફરી નવી પોલિસી પણ બનાવવામાં આવી છે. સરકારે આ માટે તબેલાઓને જગ્યા આપવાની સાથે અનેક ઓફરો પણ કરી છે પરંતુ આનાથી આ સમસ્યા દૂર થાય તેમ નથી. આ સમસ્યાના ઉકેલ માટે પશુપાલકો તેમજ સરકારે સાથે મળીને પ્રયાસ કરવા પડે તેમ છે. પશુપાલકોને પણ એ વાંક છે કે તેઓ ઢોરને રખડતા મુકી દે છે. શહેરની વચ્ચે તબેલા ઊભા કરવાથી રખડતા ઢોરની સમસ્યા વધતી હોવા છતાં પણ પશુપાલકો સરકારે જ્યાં તબેલા માટે જગ્યા નિશ્ચિત કરી હોય ત્યાં જતાં નથી. ઉપરાંત માલિકીની જગ્યાને બદલે સરકારી જગ્યા કે પછી અન્ય જગ્યા પચાવીને તબેલાઓ ઊભા કરવામાં આવતાં હોવાથી પણ અન્ય સમસ્યાઓ પણ ઊભી થાય છે. સરકારે ખરેખર શહેરોમાં પણ ગૌચરની જમીનો ઊભી કરવાની જરૂરીયાત છે. શહેરીજીવનમાં પશુઓની ઉપયોગિતા અનેક રીતે રહેલી છે. પશુ અને પશુપાલકો સમાજનું એક અગત્યનું અંગ છે.

હાલમાં તો માલધારીઓ દ્વારા ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને રજૂઆત કરવામાં આવી અને સીઆર પાટીલ દ્વારા ખાત્રી આપવામાં આવી કે દિવાળી સુધી તબેલાઓને તોડવામાં આવશે નહીં પરંતુ દિવાળી સુધીમાં જો સરકાર અને માલધારીઓ સાથે બેસીને આ સમસ્યાનો સંયુક્ત ઉકેલ શોધશે તો રખડતા ઢોરની સમસ્યા કાબુમાં આવશે. અન્યથા સમસ્યા યથાવત રહેશે અને તેનો ભોગ નિર્દોષ લોકો બનતાં રહેશે તે નક્કી છે.

Most Popular

To Top