મારી દીકરીને મેં પૂછયું, તારે ભણવા માટે વિદેશ જવું છે? તેણે કહ્યું, તમને તાવ પણ આવે અને કલાકમાં આવી પહોંચુ એટલા જ દૂર જવું છે

મારા એક પત્રકાર મિત્ર, પત્રકારત્વમાં તેમનું બહુ મોટું નામ , સચિવાયલમાં મુખ્યમંત્રીથી લઈ મંત્રી સુધી કોઈની પણ ચેમ્બરમાં તેઓ રજા વગર પ્રવેશ કરી શકતા હતા. તેમનો દીકરો ભણવામાં ખૂબ હોંશિયાર, ડૉકટર થયો. વધુ અભ્યાસ માટે વિદેશ ગયો, પુત્રને વિદેશ મોકલવા માટે પિતા તરીકે પોતાની પાસે હતું તે બધું જ તેમણે આપ્યું, દીકરો વિદેશ ગયો, ખૂબ ભણ્યો અને મોટો ડૉકટર થયો. અમદાવાદમાં રહેતાં  માતા પિતાને પહેલાં રોજ ફોન કરતો, પછી અઠવાડિયે એક વખત અને પછી મહિને એક વખત ફોન કરતો હતો. માતા પિતાની ખૂબ કાળજી દર મહિને તેમને પૈસા પણ મોકલી આપતો. વર્ષમાં એકાદ વખત ભારત પ્રવાસ પણ કરે, પણ દીકરાની વિદેશમાં પ્રેકટીસ એટલી સારી ચાલે કે જે પહેલા વર્ષે આવતો તેનો ગાળો લાંબો થવા લાગ્યો, માતા પિતા અનેક વખત કહેતા કે ભાઈ હવે દેશ પાછો ફર. આપણે અહિંયા હોસ્પિટલ શરૂ કરીશું, પણ તે કહેતો ભારતમાં અહિંયા જેવી સગવડ અને વ્યવસ્થા નથી.

દીકરાએ વિદેશમાં જ લગ્ન કર્યા, દીકરાના લગ્નમાં માતા પિતા જઈ શકયા નહીં, પણ તું જયાં રહે ત્યાં ખુશ રહેજે જેવા આશીર્વાદ અંત:કરણપૂર્વક આપ્યા. પિતાની ઉંમર આગળ વધી રહી હતી. એક દિવસ દીકરો ભારત પાછો ફરશે તેવી આશામાં સૂઈ ગયેલા પિતા સવારે ઊઠયા જ નહીં. એકનો એક દીકરો એટલે અમે તેના દીકરાને જાણ કરી કે તારા પિતા હવે રહ્યા નથી. તું કયારે ભારત આવવા નીકળીશ, ત્યાં સુધી તેમનો દેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખીશું, તેણે એક ક્ષણ વિચાર કર્યો અને કહ્યું હમણાં પોસીબલ થશે નહીં કારણ લીવનો મોટો પ્રોબ્લેમ છે. તમે અગ્નિ સંસ્કાર કરી નાખો. જે ખર્ચ થાય તે હું તમને મોકલી આપીશ અને અમે દીકરાની ઈચ્છા પૂરી. આવી એક ઘટના નથી, ભારતનાં દરેક શહેરોમાં આવાં હજારો પરિવાર રહે છે, જેમના ઘરમાં વૃધ્ધ માતા પિતા છે અને સંતાનો વિદેશમાં છે.આવી એકસો ઘટનાઓ હું ઓફિસની બહાર નીકળ્યા વગર લખી શકું છું. અહિંયા સવાલ એવો છે કે આપણે આપણો દેશ કેમ છોડી રહ્યા છીએ.

સારું શિક્ષણ મળે અને ખૂબ પૈસા મળે તે બાબત સારી છે, કદાચ વિદેશ જતા અથવા જવા માગતા લોકો પાસે આ જ દલીલ છે, આ દલીલ ખોટી પણ નથી, વિદેશમાં ભણવા જવું અને ત્યાં કામ કરવું પણ સારી બાબત છે,પણ જેને આપણે વૈભવી દુનિયા સમજીએ છીએ તે વૈભવ મેળવવા માટે આપણે કેટલું બધું છોડી રહ્યા છીએ તેનો આપણે વિચાર કરતા નથી. ગુજરાતના કલોલ પાસેના એક નાનકડા ગામમાં રહેતા પટેલ પરિવારના ચાર સભ્યો કેનેડા ગયાં અને ત્યાંથી સરહદ પાર કરી અમેરિકા જતી વખતે ભારે હિમવર્ષામાં માર્યા ગયા. આ કેટલી દુ:ખદ ઘટના છે. આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહે છે કે દેશમાં તકનો અભાવ છે એટલે લોકો અમેરિકા જાય છે. આ બાબત ઉપર હું કોઈ રાજકીય ચર્ચા કરવા માગતો નથી, પરંતુ ભારતમાં તક નથી તે બાબત સાથે પણ હું સંમત નથી. અહિંયા આપણે જયારે તકનો અભાવ કહીએ છીએ, ત્યારે હું એવા અનેકોને ઓળખું છે કે ભારતમાં જે કામ કરતાં તેમને શરમ આવે તેવાં કામ તેઓ ત્યાં ઉત્સાહભેર કરે છે.

મારે બે સંતાનો છે. મારી પત્નીને પણ સતત એવું થતું કે સંતાનો વિદેશ જાય, ત્યાં ભણે અને ત્યાં નોકરી કરે. જો કે આ મત સાથે હું જરા પણ સંમત ન્હોતો.  મારા દીકરાએ જયારે તેનું ગ્રેજયુએશન પૂરું કર્યું ત્યારે મેં તેને પૂછયું કે તારે વિદેશ જવું છે? તેણે મને જવાબ આપ્યો કે જો હું ભારતમાં મહિને લાખ રૂપિયા કમાવી લઉં તો અમેરિકા જેવી જ જિંદગી છે અને તમારી અને મિત્રો સાથે રહી શકું તે મારું બોનસ છે. આજે મારો દીકરો એક સરકારી બેન્કમાં અધિકારી છે. હવે દીકરી મોટી થઈ, ફરી તે પ્રશ્ન આવ્યો, ફોરેન જવું છે, તેણે મને બહુ સરસ ઉત્તર આપ્યો. તેણે કહ્યું, તમને અને મમ્મીને તાવ પણ આવે અને હું તમારી પાસે એક કલાકમાં પહોંચી જાઉં, બસ એટલા જ દૂર જવું છે. મેં મારી દીકરીને કહ્યું, માત્ર ભણવા જવાની વાત કરું છું. તેણે કહ્યું એક  વખત ત્યાં જઈશ તો મને ગમી જશે. કદાચ હું પાછી ફરીશ નહીં અને ત્યાં બધું મળ્યા પછી જો તમે મારી સાથે ના હો તો મને તે ખૂંચ્યા કરશે, તેના કરતાં ત્યાં જવું જ નથી. મારાં બન્ને સંતાનોની આ સમજ માટે હું તેમનો અને ઈશ્વરનો રુણી છું.

જે લોકો વિદેશમાં સ્થાયી થયા છે, તેમની પાસે અઢળક સંપત્તિ, મોટા રસ્તાઓ, મોટી કાર, મોટા   મોલ છે, તેઓ પોતાને ખુશ દેખાડવાનો પ્રયત્ન કરે છે, તેમને આનંદમાં રહેવા કારણ શોધવું પડે છે,પણ મનમાં એક ખાલીપો છે, મારા મિત્ર છે પહેલા સરકારી અધિકારી હતા, નિવૃત્ત થઈ ગયા, તેમનાં સંતાનો વિદેશમાં સ્થાયી થયાં હોવાને કારણે વર્ષમાં દસ મહિના ત્યાં રહે છે, બે મહિના ભારત આવે છે, થોડા દિવસ, પહેલાં મને એકદમ ચા ની કીટલી ઉપર ભેગા થઈ ગયા. ઘણા લાંબા સમય પછી મળ્યા, મેં તેમને પૂછયું, અમેરિકામાં મઝા આવે છે, તેમના ચહેરા ઉપર સૂચક સ્મિત આવ્યું. તેમણે કહ્યું, મઝા શોધવી પડે છે. પછી ચા ની કીટલી તરફ ઈશારો કરતાં કહ્યું, કીટલી બહુ મીસ કરું છું ત્યાં કોઈ મિત્રને ફોન કરી કહી શકતો નથી ચાલ દસ મિનીટમાં મળીએ, જયારે ભારત આવું છું ત્યારે લાગે છે, મારા સ્વર્ગમાં પાછો ફર્યો છું. આવી સ્થિતિ મોટા ભાગના લોકોની છે, પણ તેમની સમસ્યા એવી છે કે વિદેશમાં તેમણે પોતાનો પથારો પાથરી દીધો છે.હવે તેને સમેટી ભારત પાછા ફરવાની  હિંમત થતી નથી.

જેઓ પોતાની યુવાનીમાં ત્યાં ગયા છે, સારી નોકરી અને સારો ધંધો કર્યો તેમની પાસે એટલા પૈસા થઈ ગયા છે કે ભારત આવી આરામની જિંદગી જીવી શકાય તેમ છે, પણ તેમની સમસ્યા એવી છે તેમના વિદેશમાં જન્મેલાં સંતાનો હવે ભારત આવવા તૈયાર નથી, જેના કારણે તેઓ સંતાનને મૂકી ભારત આવી શકતાં નથી, અહિંયા ભારતના ગામ અને શહેરમાં કોઈ માંદુ સાજું હોય તો વિડીયો કોલ કરવા અને પૈસા મોકલી પોતાની જવાબદારી પૂરી કર્યાનો  સંતોષ મેળવવો પડે છે. વિદેશ જવું અને ત્યાં સ્થાયી થવું પણ ખરાબ નથી, પણ તેના માટે આપણે કઈ કિંમત ચુકવીએ છીએ તેનો અંદાજ માંડતા નથી. આપણે તો ગુજરાતીઓ વેપારી છીએ, પૈસા કમાવામાં સંબંધની ખોટ કરીએ છીએ. તેનો આંકડો માંડતા નથી.મારો એક મિત્ર ગેરકાયદે અમેરિકા ગયો, ચૌદ વર્ષે ભારત પાછો આવ્યો ત્યાં સુધી તેની પત્ની બાળકો સાથે એકલી રહી, આજે મારા મિત્રને લાગે છે તેણે કમાવેલા પૈસા તેની જિંદગીનાં ચૌદ વર્ષ તેને પાછાં આપી શકશે નહીં. આવી અનેક કથાઓ છે, જેમાં મોટા ભાગની કથાના અંતમા વિષાદ સિવાય કંઈ નથી.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top