Editorial

ઇડા વાવાઝોડાએ અણધારી રીતે ન્યૂયોર્કને પીંખી નાખ્યું: કુદરત સામે માણસ ફરી લાચાર પુરવાર થયો

અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ ઘણા બધા અતિધનિક લોકોનો વસવાટ ધરાવતું શહેર છે. આખી દુનિયામાં મકાનો અને ઓફિસોના સૌથી ઊંચા ભાવ કદાચ ન્યૂયોર્કમાં જ હશે. ગગનચુંબી ઇમારતો અને વૈભવી મોટરકારોથી ઉભરાતું આ શહેર ઘણા બધા ધંધા-ઉદ્યોગની કચેરીઓથી ધમધમે છે અને સામાન્ય સંજોગોમાં દુનિયાભરમાંથી લાખો લોકો દર વર્ષે આ શહેરની મુલાકાતે આવતા હોય છે. પરંતુ હાલમાં અમેરિકા પર ફૂંકાયેલા ઇડા નામના એક વાવાઝોડાએ આ ધનવાન શહેરને અણઘારી રીતે પીંખી નાખ્યું છે.

કેરેબિયન વિસ્તાર પરથી આવીને અમેરિકામાં સૌપ્રથમ લુસીઆના રાજય પર ત્રાટક્યા બાદ ઇડા વાવાઝોડાએ આગળ વધીને નોર્થઇસ્ટમાં હાહાકાર મચાવી દીધો હતો. અમેરિકાના પૂર્વ કાંઠાના ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં તો કોઇએ ધાર્યુ નહીં હોય તે રીતે આ વાવાઝોડાએ નુકસાન પહોંચાડ્યું. અહીં વાવાઝોડાથી બહુ સખત પવનો તો નહીં ફૂકાયા પણ એટલો બધો વરસાદ ઠલવાયો કે અણઘારી રીતે પ્રચંડ પૂરની સ્થિતિ અહીં સર્જાઇ. સ્થાનિક સમય પ્રમાણે બુધવારે રાત્રે ન્યૂયોર્ક, ન્યૂજર્સી, પેન્સિલવેનિયા અને મેરિલેન્ડ વિસ્તારોમાં આ વાવાઝોડાને પગલે પડેલા ભારે વરસાદને કારણે અહીં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. ન્યૂયોર્ક શહેરમાં તો આ વાવાઝોડાને કારણે ઐતિહાસિક પ્રમાણમાં વરસાદ પડ્યો હતો અને સખત પૂરના કારણે સબ-વેમાં પાણી ભરાઇ ગયા હતા, વાહનો અને કેટલાક ઘરો પણ ડૂબી ગયા હતા. વાવાઝોડાને લગતી ઘટનાઓમાં ન્યૂયોર્ક મહાનગરમાં ૧૩નાં મોત થયા હતા, તો ન્યૂજર્સીમાં ૨૬ મૃત્યુઓ નોંધાયા હતા.

બુધવારે મોડી સાંજે ન્યૂયોર્ક શહેર અને ન્યૂયોર્ક રાજ્યમાં કટોકટી જાહેર કરી દેવામાં આવી હતી.  એમ કહેવાય છે કે ન્યૂયોર્કમાં મૃત્યુ પામેલા તમામ ૧૩ જણામાંથી ૧૧ના મોત તો એપાર્ટમેન્ટોના બેઝમેન્ટોમાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી જ થયા છે. ન્યૂયોર્કના સબ-વે સ્ટેશનોમાં પાણી ઘૂસી ગયા હતા અને આખી સબ-વે સિસ્ટમ બંધ કરી દેવી પડી હતી. ન્યૂયોર્કની જાણીતી સબ-વે ટ્રેનોના પ્લેટફોર્મ પર ઉપરના ભાગેથી પ્રવેશેલુ પાણી જે રીતે ઝિકાતું હતું તેનો વીડિયો જોઇને આશ્ચર્ય થાય તેવું દ્રશ્ય હતું. બહુ આધુનિક અને સલામત ગણાતી આ સબ-વેના પણ કેવા બેહાલ પાણીનો પ્રચંડ પ્રવાહ કરી શકે છે તે આના પરથી સમજાઇ શકે છે. ન્યૂયોર્કના મોંઘાદાટ એપાર્ટમેન્ટોના બેઝમેન્ટોમાં જે રીતે પાણી ઘૂસી ગયા અને સંખ્યાબંધ લોકો આ પાણીમાં ડૂબીને મરી ગયા તેનાથી આ એપાર્ટમેન્ટોની ડિઝાઇન અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે. આ ધનાઢ્ય શહેરની ગટર સિસ્ટમ અંગે પણ આ પૂરને જોતા પ્રશ્નો ઉઠ્યા છે.

ન્યૂજર્સીમાં પણ ઘણી જાનહાનિ થઇ છે પણ તે મોટા અને છૂટાછવાયા વિસ્તારોમાં થઇ હોવાનું કહેવાય છે. ન્યૂયોર્ક અને ન્યૂજર્સી તથા આખા પૂર્વ કાંઠાના અનેક વિસ્તારોમાં આ વાવાઝોડા અને ભારે વરસાદ પછી જે વિનાશના દ્રશ્યો દેખાઇ રહ્યા છે તે અભૂતપૂર્વ પ્રકારના છે. નુકસાનીનો ચોક્સસ આંકડો આવતા હજી વાર લાગશે પણ તે ઘણો મોટો જ હશે એમ ચોક્કસ લાગે છે. આમ તો આ વાવાઝોડું લુસિઆના રાજ્યમાં ઘણો વિનાશ વેરશે એવી ધારણા હતી, પણ ત્યાં તેણે ઓછું નુકસાન કર્યું અને ન્યૂયોર્ક, ન્યૂજર્સી સહિતના પૂર્વ કાંઠાના વિસ્તારોમાં અણધાર્યું મોટું નુકસાન કર્યું. આ બાબત કુદરત સામે માણસની લાચારી પણ સૂચવે છે.

Most Popular

To Top