Comments

શિક્ષણ ક્ષેત્રે સમાજની સજ્જતા સૌથી અગત્યની છે

શિક્ષણસજ્જતા સર્વેક્ષણ એટલે કે ‘સજ્જતા કસોટી’ અત્યારે ગુજરાતના શિક્ષણજગતમાં ચર્ચાનો વિષય છે. સરકારના શિક્ષણ વિભાગે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષકો માટે આ કસોટીનું આયોજન કર્યું છે. પ્રાથમિક શિક્ષકોના બે સંઘો વચ્ચે જ આ ‘સજ્જતા સર્વેક્ષણ’માં ભાગ લેવા બાબત મતભેદ છે. જો કે યુનિયનોનો વિવાદ-મતભેદ એ શિક્ષણનો મુદ્દો નથી. પણ ‘સજ્જતા’ એ ચોક્કસથી શિક્ષણ જગતનો વિષય છે. આપણી ‘સરકાર નિયંત્રિત’ ‘ઔપચારિક’ શિક્ષણવ્યસ્થામાં મુખ્ય ત્રણ ભાગ છે. શિક્ષણ લેનાર-વિદ્યાર્થી શિક્ષણ આપનાર-શિક્ષક અને આ બંનેનું નિયમન કરનાર સરકાર.

શાળાનાં સંચાલકો અને વિદ્યાર્થીના માતા-પિતા બીજા ક્રમના ભાગીદાર (સ્ટેક હોલ્ડર છે) જો કે આપણી શિક્ષણવ્યવસ્થામાં શિક્ષણનાં મૂળ બે ઘટક વિદ્યાર્થી અને શિક્ષક ગૌણ, ઓછી નિર્ણાયકતા ધરાવતા અને લગભગ આદેશ માનનારા બનાવી દેવાયા છે. જયારે સરકાર, શાળા સંચાલક અને વાલી મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આપણા કહેવાતા શિક્ષણવિદો આ મૂળ સમસ્યાને તો ઓળખતા જ નથી. વળી શિક્ષણ માટેના મહત્ત્વના નિર્ણયો લેનારા ત્રણ- વાલી, સરકાર અને સંચાલકમાં વાલી મનોવૈજ્ઞાનિક પરિબળોથી પ્રભાવિત નિર્ણયો લે છે. જયારે સરકાર અને સંચાલકો પ્યોર અર્થશાસ્ત્રને નફા-ખોટના વ્યાપારને અનુસરે છે. માટે એક અદ્‌ભુત દંભી રમૂજી વ્યવસ્થા આપણી સામે આવી છે.

જયાં શિક્ષણના સરકારી આગેવાનો રૂઆબભેર બોલી શકે છે કે ‘શિક્ષકોને પરીક્ષા લેવી છે પણ આપવી નથી.’ છાપા, ચેનલો કે ફેસબુકના લેખકવીરો શિક્ષકે સજ્જતા કેળવવી પડે. એમાં ખોટું શું છે? એમાં જોર કેમ પડે! ની ચર્ચાઓ કરે છે. જયારે પાનના ગલ્લે ઊભેલા લોકો હવેનું શિક્ષણ, શિક્ષકો કેવા નબળા થઇ ગયા છે તેની ચર્ચા કરે છે. પણ આમાંના કોઇ પોતાનાં બાળકો સરકારી શાળામાં ભણાવતાં જ નથી. સરકારી શાળાઓ, સરકારી પ્રાથમિક શિક્ષકો આ તમામ વિષે તેમની પાસે કોઇ માહિતી જ નથી. એમની પાસે જે માહિતી છે તે તો 1990 સુધી જે સરકારી શાળામાં શિક્ષણનો તેમને અનુભવ હતો તેની છે! 1990 થી 1998 દરમ્યાન ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં બે લાખથી વધુ શિક્ષકોની જગ્યા ખાલી હતી તેનો છે.

હવે જે મૂળ મુદ્દો છે તે તો આ છે કે જે વાલી, જે મીડિયા, જે સરકાર એમ માને છે કે શિક્ષણમાં લાયકાતવાળા શિક્ષકો હોવા જોઇએ, જે શિક્ષકો વર્ષોથી નોકરી કરતા હોય તેમની સમયાંતરે તાલીમ યોજાવી જોઇએ! અને થોડા થોડા સમયાંતરે તેમની શિક્ષકસજ્જતા માટે કસોટી પણ થવી જોઇએ. તે સૌને એક જ પ્રશ્ન પૂછવાનો થાય કે શું આ બધું માત્ર સરકારી શાળાના શિક્ષકો, સરકારી કોલેજોના અધ્યાપકો માટે જ લાગુ પડે! શિક્ષક, અધ્યાપક સજ્જ હોવો જ જોઇએ, લાયકાતવાળો હોવો જ જોઇએ. સતત અભ્યાસ અને તાલીમમાં રત હોવો જ જોઇએ. પણ ખાનગી શાળામાં પણ! ખાનગી સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં પણ! સરકાર જયારે ખાનગી શાળા-કોલેજને મંજૂરી આપે છે ત્યારે આ શરત તો ફરજીયાત હોય છે. તો એનો ખરેખર અમલ કેમ નથી થતો! કેમ ખાનગી શાળા-કોલેજોના શિક્ષક-અધ્યાપકની સજ્જતા તપાસાતી નથી.

બજાર વ્યવસ્થા આધારિત મૂડીવાદમાં ગ્રાહક રાજા છે. પણ એ રાજા ત્યારે જ છે જયારે તેની પાસે સાચી માહિતી હોય! તે પોતે પોતાના લાભ-ગેરલાભ માટે જાગૃત હોય! હવે શિક્ષણનું ખાનગીકરણ થયું છે. ત્યારે વાલી શિક્ષણના બજારનો ગ્રાહક છે. નેતાઓ જ સ્કુલો ખોલીને બેઠા હોય ત્યારે સરકાર અને સંચાલકોમાં એકતા હોય. આ એકતા સામે એક તો વાલીએ પણ એક થવું પડે. બે, તેણે પણ જાગૃત થવું પડે. સજ્જતા કેળવવી પડે. આપણે આપણા બાળકનું જે શાળા-કોલેજમાં એડમિશન લીધુ છે તે ‘માન્ય છે કે નહિં!’ ત્યાં પૂરતા અને યોગ્યતાવાળા શિક્ષક અધ્યાપક છે કે નહિ. લાયબ્રેરી, પ્રયોગશાળા, મેદાન છે કે નહિ! તે તપાસવાની અને ફી ભર્યા પછી માંગવાની જવાબદારી આપણી છે. વળી સુશાસન અને ઉત્તમ વહીવટનાં પ્રમાણપત્રો સાથે રાખતી સરકારને પણ પૂછવું પડે કે આ કાગળ ઉપર સ્કૂલો-કોલેજો ચાલે છે કેવી રીતે? એક રૂમમાં સંસ્થાઓ ચાલે છે કેવી રીતે! કોઇ પણ શાળા-કોલેજ કોઇ પણ કારણસર જુદા જુદા ટાયટલ મુજબ ફી ઉઘરાવે છે કેવી રીતે!

આ લૂંટના સમયમાં ખરી સજ્જતા વાલીઓએ કેળવવાની છે. તેમની ‘કસોટી’ તો ચાલુ જ છે તે જુદી યોજાવાની નથી. તમે કદી તમારા બાળકની ફી ની પહોંચ જોઇ છે ખરી? તેમાં જુદા જુદા ટાઇટલ હેઠળ પચાસ રૂપિયા, સો રૂપિયા, પચ્ચીસ રૂપિયા એવા ભાગ પાડીને કુલ વધારાના હજાર રૂપિયા પડાવી લીધા હશે તે જોયું છે કદી! શાળાએ દાખલ કર્યા પછી બાળક નિયમિત શાળામાં જાય છે? જો તે નિયમિત જાય છે તો તેને નિયમિત ભણાવાય છે! અને જો ભણાવાય છે તો સાચું ભણાવાય છે? આ વાલીઓએ સતત તપાસતાં રહેવું પડશે. સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષકો, ટેટ, ટાટ પાસ હોય છે.

કેન્દ્રિય મેરીટ પધ્ધતિથી નિમણૂક પામેલા હોય છે. વસતી ગણતરી, પોલીયોનાં ટીપાં પીવડાવવાં, મતદાર યાદી સુધારણા, તળાવ ઊંડા કરવા, સ્વચ્છતા અભિયાન, શૌચાલય ગણતરી કે કોરોના જેવી મહામારીમાં રેશનની દુકાને મદદગાર થવા જેવાં મહાન સેવા કાર્યો દ્વારા સરકાર સતત તેમનું નડતર કર્યા કરે છે. આ રીતે તેમનામાં અનેક કૌશલ્યો વિકસ્યાં છે. આવા કોઇ લાભ કે લાયકાત ખાનગી શાળાનાં શિક્ષકો પાસે નથી હોતા. એવા ટેટ-ટાટ પરીક્ષા વગરના, સજ્જતા કસોટી વગરના, વિવિધ વ્યવહારુ જ્ઞાન ન મેળવનારા શિક્ષકો પાસે તમારાં બાળકોને લાખોની ફી ભરીને ભણવા ન મોકલો. થોડી સજ્જતા કેળવો!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top