Gujarat

દક્ષિણ અરબી સમુદ્રમાં આકાર પામેલું વાવાઝોડું 18 થી 20 મે દરમ્યાન ગુજરાતને અસર કરે તેવી સંભાવના

ગાંધીનગર: (Gandhinagar) દક્ષિણ ભારતમાં અરબી સમુદ્રમાં આકાર પામેલી લો પ્રેશરની સિસ્ટમ વાવાઝોડામાં (Hurricane) ફેરવાઈને ગુજરાત તરફ આવી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકો સ્થિતિ પર નજર રાખી રહયા છે. જો કે તેમના કહેવા મુજબ આગામી તા.૧૮મીની આસપાસ આ વાવાઝોડુ સૌરાષ્ટ્ર (Saurashtra) તરફ સરકી શકે છે તેની અસર હેઠળ જુનાગઢ , ગીર સોમનાથ , અમરેલી પોરબંદર , જામનગર અને કચ્છને અસર કરી શકે છે એટલું જ નહીં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. આ વાવાઝોડાને તૌકતે નામ આપવામાં આવ્યુ છે.આ લો પ્રેશર સિસ્ટમ ૧૬મી મેએ વાવાઝોડામાં પરિવર્તીત થઈ શકે છે એટલું જ નહીં ઉત્તર – પશ્વિમ દિશામા આગળ વધીને સૌરાષ્ટ્ર પાસેથી સરકીને તે કરાંચી તરફ ફંટાઈ શકે છે.

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને તોફાની પવનો ફુંકાવાની સંભાવના

સુરતઃ ચોમાસુ આ વખતે વહેલા આવે તેવી આગાહી વચ્ચે પ્રિમાનસૂન એક્ટીવીટી શરૂ થઈ ગઈ છે. સિઝનનું પ્રથમ વાવાઝોડું અરબ સાગરમાં ઉદ્ભવ્યું છે. જે આગામી 19-20 મે સુધી સૌરાષ્ટ્રમાં ત્રાટકે તેવી સંભાવના છે. જોકે હાલ તેની સ્પષ્ટ આગાહી થાય તેમ નથી. આગામી 48 કલાક પછી વધારે સ્પષ્ટ થશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સતત થઈ રહેલા આબોહવાકીય ફેરફારને કારણે પ્રિમાનસૂન એક્ટીવીટી શરૂ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા માવઠાની અસર પણ જોવા મળી છે. દરમિયાન હવે સિઝનનું પ્રથમ વાવાઝોડું અરબ સાગરમાં ઉદ્ભવી રહ્યું છે.

આ વાવાઝોડું હાલની પરિસ્થિતિને જોતા આગામી 19-20 મે સુધી સૌરાષ્ટ્ર ઉપર ત્રાટકે તેવી સંભાવના છે. જોકે સચોટ આગાહી આગામી 48 કલાક પછી થઈ શકે તેમ છે. લો પ્રેસર થયા બાદ સિસ્ટમ મજબૂત બનતી જશે અને ઉત્તર તરફ ગતિ કરશે. આ વાવાઝોડાની દક્ષિણ ગુજરાત ઉપર પણ સંભવિત અસર જોવા મળશે. કારણકે વાવાઝોડું અરબ સાગરમાંથી પસાર થશે ત્યારે તેની અસરથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને તોફાની પવનો ફુંકાવાની સંભાવના છે. હવામાન વિભાગની સતત વેધર સિસ્ટમ થકી આ વાવાઝોડું ઉત્પન્ન થાય તેની ઉપર નજર છે. જોકે તે પહેલા આ અઠવાડિયામાં ગરમીમાં વધારો થવાની સંભાવના છે. બુધવારે સુરતમાં તાપમાનનો પારો વધુ એક ડિગ્રી ગગડીને 33.8 ડિગ્રી નોંધાયો હતો. લઘુત્તમ તાપમાન 27.8 નોંધાયું છે. હવામાં ૬૨ ટકા ભેજની સાથે આજે ૧૧ કિલોમીટરની ઝડપે ઉત્તર-પશ્ચિમનો પવન ફુંકાયો હતો.

Most Popular

To Top