Business

દેશમાં પહેલી વખત રચાશે ઇતિહાસ! ચીફ જસ્ટિસનો દીકરો બનશે ચીફ જસિસ્ટસ!

આગામી 9 નવેમ્બરે એક એવી ઘટના બનવા જઈ રહી છે જે ઇતિહાસ રચી દેશે. પહેલી કહેવત છે ને કે – મોરના ઈંડાને ચીતરવા ના પડે. બસ, આવું જ કાંઈક થવા જઈ રહ્યું છે આપણા દેશમાં! ના આ વખતે આમાં ક્યાંય PM નરેન્દ્ર મોદી નથી! સામાન્ય રીતે એવું કહેવાય છે કે, દરજીનો દીકરો દરજી, ડૉક્ટરનો દીકરો ડૉક્ટર, ઇજનેરનો દીકરો ઈજનેર બને છે. ઇવન, વકીલનો દીકરો પણ વકીલ બને છે પણ ભારતમાં પહેલી વખત એવું થવા જઈ રહ્યું છે કે – દેશના એક ચીફ જસ્ટિસનો દીકરો ચીફ જસ્ટિસ બનવા જઈ રહ્યો છે!

એમાં પાછો એક ટવીસ્ટ પણ છે! દરેક પિતા દીકરો તેનાથી સવાયો બને એવું ઇચ્છતા હોય છે, આ કેસમાં પાછું એવું થયું છે. જસ્ટિસ દીકરાએ જસ્ટિસ પિતાના એક ફેંસલાને પણ ઊલટાવી દીધો હતો! આપણે જેની વાત કરી રહ્યા છીએ એ છે દેશના આગામી અને 50મા ચીફ જસ્ટિસ બનવા જઇ રહેલાં જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ. તેમના પિતા જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ (વાય વી ચંદ્રચૂડ) દેશના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે! હિસ્ટ્રી હવે રીપિટ થવા જઈ રહી છે! જસ્ટિસ ડી વાય (ધનંજય યશવંત) ચંદ્રચૂડ દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનવાના છે. તેઓ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ (વાય વી ચંદ્રચૂડ)ના પુત્ર છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ યુ યુ લલિતે તેમના અનુગામી તરીકે જસ્ટિસ ચંદ્રચૂડના નામની ભલામણ કરી છે. 7 ઓક્ટોબરે કેન્દ્ર સરકારે CJI યુ યુ લલિતને તેમના અનુગામીનું નામ આપવા માટે પત્ર મોકલ્યો હતો. 9 નવેમ્બરે જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ દેશના 50મા ચીફ જસ્ટિસ બનશે. જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ અત્યારે 63 વર્ષના છે. તેમનો કાર્યકાળ પૂરાં 2 વર્ષનો રહેશે. એક વાત નોંધી લેજો, ધનંજય ચંદ્રચુડ પોતાના પિતાના અગાઉના ફેંસલાને પલટી નાખનારી સુપ્રીમની બેન્ચમાં પણ સામેલ હતા. જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ તેમના અલગ અલગ નિવેદનો અને ફેંસલા માટે દેશમાં ખાસ્સા ચર્ચિત છે.

તેમનો જન્મ 11 નવેમ્બર, 1959ના રોજ થયો હતો. 20 વર્ષની ઉંમરે તેઓ દિલ્હીની પ્રખ્યાત સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. ત્યાર બાદ 1982માં તેમણે દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી LLB કર્યું હતું પછી તેઓ અમેરિકા ગયા. ત્યાં તેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી કાયદામાં માસ્ટર્સ પણ કર્યું હતું એટલે કે LLM. યોગાનુયોગ એ છે કે જ્યારે તેઓ કાયદાની બારીકીઓ સમજી રહ્યા હતા, એ જ સમયે તેમના પિતા દેશના મુખ્ય ન્યાયાધીશ હતા. તેમણે 1986માં હાર્વર્ડ સ્કૂલમાંથી જ્યુરિડિકલ સાયન્સ (SJD)માં ડોક્ટરેટની ડિગ્રી પણ લીધી હતી.

કાયદાના સંપૂર્ણ અભ્યાસ બાદ તેમણે વકીલાત શરૂ કરી હતી સાથે કાયદાનું શિક્ષણ આપવાનું પણ શરૂ કર્યું હતું. USAની ઓક્લાહોમા યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ લો ભણાવ્યો હતો. તેઓ 1988થી 1997 સુધી બોમ્બે યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર પણ હતા. આ સિવાય તેમણે ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી, હાર્વર્ડ લો સ્કૂલ અને યેલ લો સ્કૂલમાં પણ ઘણા લેક્ચર આપ્યા હતા. જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ દિલ્હી યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતા હતા ત્યારે તેમના પિતા દેશના મુખ્ય ન્યાયાધીશ હતા. યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ લગભગ સાડા સાત વર્ષ સુધી મુખ્ય ન્યાયાધીશના પદ પર હતા.

16મા મુખ્ય ન્યાયાધીશ તરીકે વાય વી ચંદ્રચૂડે ફેબ્રુઆરી 1978થી જુલાઈ 1985 સુધી સેવા આપી હતી. તત્કાલૂન પૂના (હવે પુણે)માં જન્મેલા વાય વી ચંદ્રચૂડે લો કોલેજ પૂનામાંથી LLB કર્યું હતું. 1973માં સુપ્રીમ કોર્ટમાં આવતા પહેલાં તેઓ લગભગ 11 વર્ષ સુધી બોમ્બે હાઈકોર્ટના જજ હતા. અહીંથી જસ્ટિસ ચંદ્રચૂડના જીવન અને કારકિર્દીનું મૂલ્યાંકન કરી શકાય. દેશના ઈતિહાસમાં પહેલી વાર કોઈ ચીફ જસ્ટિસનો પુત્ર ચીફ જસ્ટિસ બનવા જઈ રહ્યો છે.

પિતા જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ (વાય વી ચંદ્રચુડ) દેશના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. ચીફ જસ્ટિસ બન્યાના થોડા દિવસો બાદ તેમણે સંજય ગાંધી વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. સંજય ગાંધીને ફિલ્મ ‘કિસ્સા કુરસી કા’ની પ્રિન્ટ સળગાવવા બદલ સજા કરવામાં આવી હતી. તે એક રાજકીય વ્યંગ ફિલ્મ હતી. સંજય ગાંધી જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા પરંતુ મુખ્ય ન્યાયાધીશ વાય વી ચંદ્રચૂડે તેમની સામે પૂરતા પુરાવા હોવાનું કહીને જામીન અરજી ફગાવી દીધી હતી.

ચીફ જસ્ટિસ યુ યુ લલિત આ વર્ષે 8 નવેમ્બરે નિવૃત્ત થવાના છે. યુ યુ લલિત ઓગસ્ટમાં જ મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. નિયમો અનુસાર તેઓ આ પદ પર માત્ર અઢી મહિના જ રહેશે. સુપ્રીમ કોર્ટના જજો 65 વર્ષની વયે નિવૃત્ત થાય છે. મુખ્ય ન્યાયાધીશની પસંદગી સામાન્ય રીતે વરિષ્ઠતાના આધારે કરવામાં આવે છે. આ રીતે જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ હાલમાં ચીફ જસ્ટિસ યુ યુ લલિત પછી બીજા સીનિયર જજ છે. આ દરમિયાન ડી વાય ચંદ્રચૂડે બોમ્બે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી વકીલાત ચાલુ કરી હતી.

કોન્ટ્રાક્ટ મજૂરો, ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓના અધિકારો સંબંધિત મુદ્દાઓ પર કોર્ટમાં તેઓ હાજર થયા હતા. 1998માં તેઓ બોમ્બે હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત થયા હતા. ત્યાર પછી 2 વર્ષ બાદ તેઓ દેશના એડિશનલ સોલિસિટર જનરલ (ASG ) બન્યા હતા. આ દરમિયાન સરકારના અનેક મામલાઓ કોર્ટમાં ચાલી રહ્યા હતા. 29 માર્ચ, 2000ના રોજ તેઓ બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયા હતા. 13 વર્ષથી વધુ સમય સુધી બોમ્બે હાઇકોર્ટમાં જજ તરીકે રહ્યા હતા. આ લખનારે પણ તેની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં બોમ્બે હાઇકોર્ટમાં જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડના અનેક ફેંસલાઓ પર રિપોર્ટિંગ કર્યું હતું. જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ બોમ્બે હાઇકોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ દલવીર ભંડારીની બેન્ચમાં  હતા. આ બેન્ચે અનેક મહત્ત્વના ફેંસલાઓ સંભળાવ્યા હતા, જેમાં સૌથી ચર્ચાસ્પદ કેસ મુંબઈના રસ્તાઓ પરના ખાડાઓ વિશે હતો.

પિતાના ફેંસલાને કેવી રીતે પલટી નાખ્યો હતો એની વાત કરીએ. સપ્ટેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટે વ્યભિચાર (એડલ્ટરી)ને ગુનો ગણાવતાં કાયદાને ખતમ કરી દીધો હતો. જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ પણ કોર્ટની 5 જજની બંધારણીય બેંચમાં સામેલ હતા. કોર્ટે IPC ની કલમ 497ને ગેરકાનૂની જાહેર કરી હતી. અગાઉ પરિણીત મહિલાના અન્ય પુરુષ સાથેના સંબંધને ગુનો માનવામાં આવતો હતો. પતિની ફરિયાદ પર જો પુરુષ દોષિત ઠર્યો તો તેને સજા કરવામાં આવતી હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે વ્યભિચાર છૂટાછેડા માટેનું કારણ બની શકે છે પરંતુ તે ગુનો નથી. કોર્ટે કહ્યું હતું કે શરીર પર મહિલાનો પોતાનો અધિકાર છે, પતિ તેના માલિક ન હોઈ શકે. જ્યારે 1985માં ચીફ જસ્ટિસ વાય વી ચંદ્રચૂડે સમાન કેસમાં IPC ની કલમ 497ને સમર્થન આપ્યું હતું. આવો જ બીજો કિસ્સો છે. ઓગસ્ટ 2017માં સુપ્રીમ કોર્ટની 9 જજોની બંધારણીય બેંચે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. કોર્ટે ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો.

એપ્રિલ 1976માં ન્યાયમૂર્તિ વાય વી ચંદ્રચૂડની આગેવાની હેઠળની સર્વોચ્ચ અદાલતની બેન્ચે કટોકટીની સ્થિતિમાં મૂળભૂત અધિકારોના સસ્પેન્શનને સમર્થન આપ્યું હતું. આ મામલો ADM જબલપુર કેસથી લોકપ્રિય છે. જો કે, તે દરમિયાન પણ 5 જજમાંથી એક જસ્ટિસ એચ આર ખન્ના આ નિર્ણય સાથે અસંમત હતા. ઓગસ્ટ 2017ના ચુકાદામાં કોર્ટે 1976ના ચુકાદાને ખોટો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે કલમ 21 હેઠળ જીવનનો અધિકાર કોઈ પણ સંજોગોમાં રદ કરી શકાય નહીં. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે જીવવાનો અધિકાર એવો છે, જેને ક્યારેય છીનવી શકાય નહીં.

ઇન્ટરેસ્ટિંગ વાત તો એ હતી કે, મુંબઈના એક હાડકાના ડૉક્ટરે હાઇકોર્ટને પત્ર લખીને મુંબઈના રોડની ખાસ્તા હાલત વિશે ફરિયાદ કરી હતી. ચીફ જસ્ટિસ દલવીર ભંડારી અને જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બેન્ચે આ પત્રને સૂઓમોટો લઈને જનહિતની અરજીમાં તબદીલ કરી નાખ્યો હતો. મને યાદ છે એકથી દોઢ વર્ષ સુધી ચાલેલી આ જનહિત અરજીએ મુંબઈના એક-એક રસ્તાને રીપેર કરાવડાવ્યા હતા, ત્યાં સુધી કે મહારાષ્ટ્રની સરકારની તિજોરી ખાલી કરાવી નાખી હતી. 31 ઓક્ટોબર, 2013ના રોજ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ પ્રમોશન સાથે અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. આખરે મે 2016માં તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં આવ્યા પછી તરત જ તેમના હિસ્સામાં ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દા આવ્યા હતા, જેના નિર્ણયોમાં તેઓ સામેલ હતા.

અયોધ્યા વિવાદ પર ચુકાદો આપનારી સુપ્રીમ કોર્ટની બેંચમાં જસ્ટિસ ચંદ્રચૂડ પણ સામેલ હતા. 9 નવેમ્બર 2019ના રોજ 5 જજોની બંધારણીય બેંચે, હિન્દુઓની તરફેણમાં ચુકાદો આપતાં વિવાદિત 2.77 એકર જમીન સોંપવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય જસ્ટિસ ચંદ્રચુડ ઘણા નિર્ણયો અને સુનાવણીમાં તેમની ટિપ્પણીઓ અને અસહમતિ માટે પણ ચર્ચામાં રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં બેન્ચના નિર્ણય છતાં, તેઓ જુદી જુદી ટિપ્પણીઓ કરી ચૂક્યા છે. વર્ષ 2018માં ભીમા કોરેગાંવ હિંસા કેસમાં કાર્યકરોને નજરકેદ કરવામાં આવ્યા હતા.

મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટની બેન્ચે 2 વિરુદ્ધ 1 નજરકેદને યથાવત ગણાવી હતી પરંતુ જસ્ટિસ ચંદ્રચૂડે અસંમતિ વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે વિરોધના નામે વિરોધનો અવાજ દબાવી ન શકાય. તેમણે કહ્યું હતું કે કાર્યકરોની ધરપકડ યોગ્ય નથી, તેમની મીડિયા ટ્રાયલ કરવામાં આવી હતી. બીજી તરફ, સુપ્રીમ કોર્ટે જજ લોયાના મૃત્યુની SIT તપાસની માંગને ફગાવી દીધી હતી. અરજી ફગાવી દેનારી 3 ત્રણ જજોની બેન્ચમાં જસ્ટિસ ચંદ્રચૂડ પણ સામેલ હતા. બેન્ચે કહ્યું હતું કે SIT તપાસની માગ કરતી અરજીમાં કોઈ યોગ્યતા નથી. ગયા મહિને સુપ્રીમ કોર્ટે ગર્ભપાતને લઈને મોટો નિર્ણય કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તમામ મહિલાઓ સુરક્ષિત અને કાયદેસર ગર્ભપાત માટે હકદાર છે.

પછી ભલે તે પરિણીત હોય કે અપરિણીત. આ બેંચનું નેતૃત્વ જસ્ટિસ ચંદ્રચૂડ કરી રહ્યા હતા.  સપ્ટેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટે તમામ મહિલાઓને કેરળના સબરીમાલા મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી.જસ્ટિસ ચંદ્રચૂડને બે પુત્રો છે. અભિનવ ચંદ્રચૂડ અને ચિંતન ચંદ્રચૂડ. અભિનવ બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે અને કોર્ટ સંબંધિત બાબતો પર અખબારમાં કોલમ પણ લખે છે. તેમણે ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીના જીવનચરિત્ર સહિત ઘણા પુસ્તકો પણ લખ્યા છે. પિતાની જેમ અભિનવે પણ હાર્વર્ડ લો સ્કૂલમાંથી LLM નો અભ્યાસ કર્યો છે.

સુપ્રીમ કોર્ટની બેન્ચના હિસ્સા તરીકે તો સમજ્યા, પણ કોર્ટની બહાર પણ જસ્ટિસ ચંદ્રચૂડ પોતાની ટિપ્પણીને લઈને ચર્ચામાં રહ્યા છે. તેઓ લોકશાહી, અસંમતિ અને વાણી સ્વતંત્રતાને બચાવવાની વારંવાર હિમાયત કરતા રહ્યા છે.ફેબ્રુઆરી 2020માં જસ્ટિસ ચંદ્રચૂડે અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન એક લાઈન કહી હતી – અસંમતિ એ લોકશાહીનો ‘સેફ્ટી વાલ્વ’ છે. તેમણે કહ્યું હતું કે અસંમતિને સંપૂર્ણ રીતે રાષ્ટ્રવિરોધી અને લોકશાહીવિરોધી ગણાવવી એ બંધારણીય મૂલ્યોના રક્ષણની વિરુદ્ધ છે. હવે જયારે તેઓ દેશના ચીફ જસ્ટિસનું પદ સંભાળવા જઈ રહ્યા છે ત્યારે દેશને તેમની પાસે ઘણી આશા છે.

Most Popular

To Top