Comments

તેનું નામ લક્ષ્મી પણ તેણે સરસ્વતીની ઉપાસના કરવાનો નિર્ણય કર્યો

હું તેને 2013 માં પહેલી વખત મળ્યો. અમદાવાદના એક અખબારમાં ચીફ રીપોર્ટર તરીકે જોડાયો હતો. અખબારના એડીટરે મને એક પછી એક રીપોર્ટરનો પરિચય કરાવ્યો. એડીટરે કહ્યું, આ લક્ષ્મી છે, તે તમારી ટીમમાં કામ કરશે. એકાદ બે દિવસ પછી લક્ષ્મી સાથે મારે વાત થઈ. મેં તેને પૂછયું, કયાં રહે છે? તેણે કહ્યું, મારું ઘર અરવલ્લી જિલ્લાનું આક્રુદમાં આવેલું છે, પણ અહિંયા અમદાવાદ સિવિલના કવાર્ટરમાં મારા એક સંબંધી સાથે રહું છું. લક્ષ્મી સાથે વાત કરી ત્યારે તેની ભાષામાં હજી પેલું ગામઠીપણું હતું.

જો કે તેનો તેને જરા પણ સંકોચ ન્હોતો.તેની વાતમાં એક પ્રકારના આત્મવિશ્વાસની સાથે લડી લેવાની તૈયારી હતી. કોઈ પણ પત્રકારમાં લડી લેવાની તૈયારી હોય તો બાકીની લડાઈઓ બહુ સામાન્ય થઈ જતી હોય છે. એક વખત બીજા એક રીપોર્ટરે ક્રાઈમ સ્ટોરી લખી. સ્ટોરીમાં એક સંપ્રદાયનો ઉલ્લેખ હતો, સાંજ પડતાં તે સંપ્રદાયનાં લોકો અખબારની ઓફિસમાં આવી ગયાં. એડીટરે સ્ટોરી લખનાર રીપોર્ટર પાસે સ્ટોરી સંબંધિત દસ્તાવેજ માંગ્યા. જો કે ત્યારે રીપોર્ટરે જવાબ આપ્યો, મારી સ્ટોરી સાચી છે,એકાદ દિવસ આપો પોલીસ સ્ટેશનમાંથી લઈ આપી દઈશ.

પણ તેવું થયું નહીં, જે સંપ્રદાયનાં લોકો ઓફિસમાં આવ્યાં હતાં તેમની વગ કામ કરી ગઈ. પોલીસ સ્ટેશનમાં રહેલા દસ્તાવેજ લેવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, એડીટરનું દબાણ વધી રહ્યું હતું, કારણ તેમની તૈયારી ન્હોતી કે તેઓ જેમના અંગે લખાયું તે સંપ્રદાયના લોકોને નારાજ કરે. મને લક્ષ્મીની યાદ આવી. આમ તો તે હજી એકદમ જુનિયર રીપોર્ટર હતી, પાછી ક્રાઈમ સ્ટોરી હતી, છતાં મેં ચાન્સ લીધો. મેં લક્ષ્મીને આ દસ્તાવેજ પોલીસ સ્ટેશનમાંથી લઈ આવવાનું કામ સોંપ્યું. મારા આશ્ચર્ય વચ્ચે તે સાંજે મારી સામે દસ્તાવેજ સાથે હાજર, મેં તેને પૂછયું, કઈ રીતે લાવી? તેણે કહ્યું પહેલાં તો ડીસીપી સાહેબ મને કાગળ આપવાની ના પાડતા હતા પણ મેં તેમને કહ્યું એક કલાક આપું છું, જો  એક કલાકમાં મને કાગળ નહીં મળે તો પછી મારે જે કરવાનું હશે તે કરીશ અને તેમણે મને તરત કાગળ આપી દીધા. મેં તેને પૂછયું, એક કલાક પછી તું શું કરવાની હતી? તે એકદમ ખડખડાટ હસવા લાગી. તેણે કહ્યું, હું પોલીસ અધિકારીનું શું બગાડી શકું, પછી તેની દેશી સ્ટાઈલમાં કહ્યું, બસ દમ માર્યો અને કામ થઈ ગયું.

2011 પહેલાં લક્ષ્મીનો અમદાવાદ સાથે કોઈ નાતો ન્હોતો. દિવાળીનો તહેવાર આવે ત્યારે વર્ષમાં એક વખત પપ્પા સાથે કપડાં ખરીદવા અમદાવાદ આવતી હતી. 2011 માં પોતાના ગામ આક્રુદથી લક્ષ્મી એલએલબીનું ફોર્મ લેવા ગુજરાત યુનિવર્સિટી આવી હતી, ત્યારે તેનું ધ્યાન પડયું, બાજુના ટેબલ ઉપર જર્નાલિઝમના એડમિશનના ફોર્મ આપવામાં આવી રહ્યાં હતાં.ત્યાં સુધી તેણે કયારે પત્રકારત્વ અંગે સાંભળ્યું પણ ન્હોતું. તેને વિચાર આવ્યો પત્રકારત્વ ભણવું છે. તેણે ફોર્મ ભર્યું અને એન્ટ્રેન્સ પણ આપી, પણ પરીક્ષા આપવા આવી ત્યારે અમદાવાદની છોકરીઓ અને તેમનું અંગ્રેજી સાંભળી લક્ષ્મીને લાગ્યું કે આપણો ચાન્સ તો લાગશે જ નહીં, પણ ત્રણ દિવસ પછી ફોન આવ્યો કે તમે પરીક્ષામાં પાસ છો અને પ્રવેશ આપવામાં આવે છે. અમદાવાદથી એકસો કિલોમીટર દૂર રહેતી લક્ષ્મી રોજ સવારે છ વાગ્યે એસટી બસ પકડી અમદાવાદ આવવા લાગી. ઘરની સ્થિતિ અત્યંત સામાન્ય. પાસ કઢાવી તે અમદાવાદ આવી, એકાદ વખત તો અમદાવાદના માહોલથી ડરી પાછી બસ પકડી ગામ જતી રહી હતી.

અમદાવાદની છોકરીઓ યુનિવર્સિટીની કેન્ટીનમાં નાસ્તો કરતી પણ લક્ષ્મી પાસે તો તેના પણ પૈસા ન્હોતા, સવારે છ વાગ્યે લક્ષ્મીનાં મા ભાખરી બનાવી આપતી તેનો ડબ્બો લઈ આવતી. સાંજે છ વાગ્યે ગામ પાછી પહોંચતી અને સાંજે ઘરે જઈ બાળકોનાં ટયુશન લેતી હતી. તે ગુજરાતી માધ્યમમાં ભણતી હતી પણ સમસ્યા એવી હતી કે પ્રોફેસરો અંગ્રેજીમાં ભણાવતા હતા, પણ લક્ષ્મીને ભાષાની સમસ્યા નડી નહીં તેની અંગે સાથી વિદ્યાર્થિની દિવ્યા જે હિન્દીભાષી હતી તે કલાસની નોટનું હિન્દી કરી આપતી અને લક્ષ્મી હિન્દીનું ગુજરાતી ભાષાંતર કરી અભ્યાસ કરતી હતી. અને લક્ષ્મીએ ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ પૂર્ણ કર્યો. લક્ષ્મી કહે છે, માતા પિતાને શિક્ષણ સાથે ખાસ કોઈ સંબંધ નહીં. ઘરે ખેતી અને પશુપાલન તેમનો વ્યવસાય, ખાસ કરી તેની જ્ઞાતિની છોકરીઓ પીટીસી કરે અને શિક્ષક તરીકે નાની મોટી નોકરી કરે , પણ લક્ષ્મીની આંખે એક મોટુ સ્વપ્ન જોયુ, લક્ષ્મીના પિતાએ તેનાં સ્વપ્નોને પાંખો આપવાનું કામ કર્યું અને લક્ષ્મી પત્રકાર થઈ ગઈ.

પત્રકાર થયા પછી કામ તો અમદાવાદ જ કરવાનું હતું. એક અખબારમાં નોકરી પણ મળી, પણ હવે રહેવું કયાં તે પ્રશ્ન હતો, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લક્ષ્મીનાં એક માસીને કેન્ટીનનો કોન્ટ્રાકટ હતો. તેમણે લક્ષ્મીની રહેવાની જમવાની વ્યવસ્થા કરી પણ તેમણે પૈસા લેવાની ના પાડી એટલે લક્ષ્મી તેમને કેન્ટીનના કામમાં મદદ કરવા લાગી અને એક અખબારમાં પત્રકાર તરીકે નોકરીની શરૂઆત કરી. તેનું કામ અને તેનો જુસ્સો તેની ઓળખ બની ત્યાર પછી તેણે ટી.વી. ચેનલ અને અંગ્રેજી અખબારોમાં પણ કામ કર્યું.

આજે તે એક આંતરરાષ્ટ્રીય ન્યુઝ પોર્ટલ માટે કામ કરે છે. ગુજરાત અને દેશમાં અનેક મહિલા પત્રકારો છે, પણ તે બધા કરતાં લક્ષ્મી અલગ એટલા માટે છે ગુજરાતના એક નાનકડા ગામડામાંથી વિકટ સ્થિતિઓ વચ્ચે તે અમદાવાદ આવી, ભણી અને પત્રકાર થઈ, પણ તેના કરતા પણ મહત્વની બાબત એવી છે કે પત્રકારત્વના દસ વર્ષ પછી પણ તેને કોઈનો પણ પ્રશ્ન હોય તેને પોતાના પ્રશ્ન લાગે છે અને તેના માટે લડે-ઝઘડે છે, લક્ષ્મીને જયારે પણ મળવાનું થાય ત્યારે હારી ગયેલી બાજી ફરી જીતવાની તાકાત મળે છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top