Gujarat

હજીરાની ૮.૬૫ લાખ ચો. મી. જંગલની જમીન ઉપર આર્સેલર મીત્તલ-નિપોન સ્‍ટીલનો કબજો

અમદાવાદ(Ahmedabad) : જંગલની જમીન (Forest Land) ઉપરનું દબાણ નિયમિત કરીને AMNSને પધરાવી દેવાનું રાજ્યના સૌથી મોટા જંગલ જમીન કૌભાંડના પુરાવાઓ આપતાં કોગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે ભાજપની માનીતી વિદેશી AMNS કંપનીએ અગાઉ ૩૦૦ મે.વો. પાવર પ્‍લાન્‍ટ માટે ૩૮.૭૧ હે., ૨૭.૦૨ હે. રો-મટીરીયલ્‍સ હેન્‍ડલીંગ પ્‍લાન્‍ટ માટે તથા સ્‍ટાફ કોલોની માટે ૨૦.૭૬ હે. હજીરા ખાતેની જંગલની જમીનની માંગણી કરી હતી. વન અને પર્યાવરણ વિભાગે વળતર વનીકરણ માટે ૩ ગણી જમીન અન્‍યત્ર આપવા સહિતની અનેક શરતોને આધીન આ જંગલની જમીન AMNS (જેનું અગાઉનું નામ એસ્‍સાર સ્‍ટીલ હતું)ને આપવાની સૈધ્‍ધાંતિક મંજુરી આપી હતી. AMNSએ એક પણ શરતનું પરિપાલન ના કરતાં આ જમીન AMNSને સોંપાઇ નહોતી.

એપ્રિલ-૨૦૧૪માં ૩૦૦ મે.વોટના પાવર પ્‍લાન્‍ટ ઉભો કરવા માટે વન વિભાગની ૩૮.૭૧ હે. જંગલની જમીન તથા જુલાઈ-૨૦૧૫માં રો-મટીરીયલ હેન્‍ડલીંગ પ્‍લાન્‍ટ ઉભો કરવા માટે ૨૭.૦૨ હે. જંગલની જમીન, આ જમીનો કરતાં ત્રણ ગણી જમીન વન વિભાગને AMNS સોંપે તે શરતે વન વિભાગે પોતાના આ બંને લેન્‍ડ પાર્સલ AMNSને તબદીલ કરવા તેવી સૈધ્‍ધાંતિક મંજુરી કેન્‍દ્ર સરકારે આપી હતી. પરંતુ ત્‍યારબાદ AMNSએ એક પણ શરતોનું પરિપાલન ના કર્યું અને વન વિભાગે આ બંને જમીનના પ્‍લાન્‍ટ AMNSને તબદીલ કર્યા ન હતાં.
પરંતુ AMNSને જાણે જમીનો ઉપર દબાણો કરવાનો પીળો પરવાનો હોય તે રીતે આ બંને કેસોની કુલ (૩૮.૭૧+૨૭.૦૨ હે.) ૮૬.૪૯ હે. જમીન ઉપર સ્‍ટીલ પ્‍લાન્‍ટનો ઝેરી કચરો-સ્‍લેગનો લાખો ટનનો ડમ્‍પ આ જમીન ઉપર પાથરીને કચરાનો ડુંગર ઉભો કરી દીધો. આ ઝેરી કચરા-સ્‍લેગને કારણે તાપી નદીના મુખ સહિતનાં ભુગર્ભ પાણી પણ ખરાબ થયાં અને આજુબાજુની જીવસૃષ્‍ટિને પણ ભારે નુકશાન કર્યું અને આજે પણ કચરો-સ્‍લેગ ઠાલવવાનું ચાલુ છે છતાં કોઈ પગલાં લેવાયાં નહીં. દરમ્‍યાનમાં આ સૈધ્‍ધાંતિક મંજુરીની પાંચ વર્ષની સમય-મર્યાદા પણ ૨૦૨૦માં પૂર્ણ થતાં સૈધ્‍ધાંતિક મંજુરી રદ-બાતલ થઈ ગઈ હતી.

૩૮.૭૧ હે. તથા ૨૭.૦૨ હે. જમીનની શરતના પરીપાલનનો અહેવાલ AMNSએ રાજ્ય સરકારને સોંપ્‍યો તે દિવસે જ વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્‍ય સચિવએ વન અને પર્યાવરણ વિભાગના નાયબ સચિવને તા.૫મી માર્ચ ૨૦૨૧ના સાંજે ઓફિસ બંધ થવાના સમયે ૫.૪૫ વાગ્‍યે ફાઈલ રજુ કરવાની સુચના આપી. વિભાગીય અધિકારીઓના વિરોધ વચ્‍ચે વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્‍ય સચિવએ દિલ્‍હીની સુચનાથી મધરાત પહેલાં જ શરતોના પરીપાલનનો અહેવાલ ભલામણ સાથે કેન્દ્ર સરકારને ઈ-મેઈલથી મોકલી આપ્‍યો હતો. ગરીબોની ફાઈલ વર્ષો સુધી પડતર રહે છે પરંતુ ભાજપ સરકાર AMNS જેવા ઉદ્યોગગૃહો માટે મધરાત સુધી જાગે છે. કેન્દ્ર સરકારનું વન અને પર્યાવરણ મંત્રાલય પણ શરતોના પરિપાલનના અહેવાલની રાહ જોઈને બેઠું હોય તે રીતે તા.૧૬મી માર્ચ ૨૦૨૧ના ૩૮.૭૧ હેકટર જમીન AMNSને સોંપી દેવાની મંજુરી આપી દીધી.

Most Popular

To Top