Gujarat

ગુજરાત યુનિ.માં ઉત્તરવહીકાંડમાં છ ઉત્તરવહી મળી, જે ફીજીઓથેરાપી વિભાગની હોવાનું સામે આવ્યું

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) ઉત્તરવહીકાંડમાં (Answerbok scam) પોલીસે (Police) ગઈકાલે બોટની વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા સંજય ડામોરની ધરપકડ કરી હતી. પોલીસને તેની પાસેથી છ ઉત્તરવહી મળી આવી છે. જોકે આ 6 ઉત્તરવહી ફીજીઓથેરાપી (physiotherapy) વિભાગની હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટીના સત્તાવાળાઓ અજાણ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગુજરાત યુનિવર્સિટી સત્તાવાળાઓને ફિઝિયોથેરાપીની ઉત્તરવહી મળી હોવાની જાણકારી આપી છે.

ગુજરાત યુનિવર્સિટીમાં નર્સિંગ વિભાગની ઉત્તરવહીનીઓ ગુમ થવાના કૌભાંડમાં પોલીસે ગઈકાલે એક આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરતા નર્સિંગ વિભાગની ગુમ થયેલી ઉત્તરવહી તપાસ કરવામાં આવી રહી છે. ફિઝિયોથેરાપી વિભાગની છ ઉત્તરવહી મળી આવી છે. જોકે ફિઝીયોથેરાપીના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગુમ થવાના મામલે યુનિવર્સિટી સત્તાવાળાઓ અજાણ છે.

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં બીએસસી નર્સિંગના ચોથા વર્ષના 14 વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગુમ થવાના મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં 22મી જુલાઈના રોજ ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસ તપાસમાં આ સમગ્ર કૌભાંડમાં શનિ ચૌધરી અને અમિતસિંઘની સંડોવણી હોવાનું બહાર આવતાં પોલીસે આ બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ આ મામલે પોલીસે ગઈકાલે બોટની વિભાગમાં પટાવાળા તરીકે કામ કરતા સંજય ડામોરની ધરપકડ કરી સઘન પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના બોટની વિભાગમાં કાર્યરત નર્સિંગની પરીક્ષાના એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહીનીઓ ગુમ થવાનો મામલો એનએસયુઆઈ દ્વારા બહાર લાવવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં 12મી જુલાઈ-2023ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઉત્તરવહીકાંડમાં મુખ્ય આરોપી તરીકે સની ચૌધરી અને અમિતસિંહનું નામ બહાર આવ્યું હતું. પોલીસે ઉત્તરવહીકાંડમાં બોટની વિભાગમાં સેવક તરીકે કામ કરતા સંજય ડામોરની ધરપકડ કરી છે. સંજય ડામોર બોટની વિભાગમાં રહેતો હોવાથી ઉત્તરવહી લાવવા લઈ જવાની તમામ પ્રક્રિયાથી તે જાણકાર હતો. મુખ્ય આરોપીઓ સાથે ઉત્તરવહીનીઓ સગેવગે કરવામાં તેની ભૂમિકા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગ સહિત અન્ય વિભાગોના કર્મચારીઓના તબક્કાવાર નિવેદનો લીધા હતા.

Most Popular

To Top