Gujarat

રાજ્યમાં તલાટી મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, પેપર ખૂબ લાંબુ છતા ઉમેદવારોમાં ખુશીનો માહોલ

સુરત: (Surat) ગુજરાતમાં (Gujarat) યોજાયેલી તલાટીની પરીક્ષા (Talati Exam) શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થઈ હતી. ભારે ગરમીના માહોલ વચ્ચે ઉત્સાહ સાથે તલાટીની પરીક્ષા આપવા પહોંચેલી ઉમેદવારોએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂરી થતા હાશકારો અનુભવ્યો હતો. પરીક્ષા આપીને પરીક્ષાર્થીઓ બહાર આવતા તેઓએ જણાવ્યું હતું કે જુનિયર ક્લાર્ક કરતા તલાટી કમ મંત્રીનું પેપર થોડુંક અઘરું રહ્યું હતું.

રાજ્યના 2697 કન્દ્રો પર 28,814 વર્ગખંડમાં યોજાયેલી તલાટી મંત્રીની પરીક્ષા પૂરી થઈ છે અને ઉમેદવારો ફરી તેમના ઘર તરફ રવાના થયા છે. બપોરે 12:30 કલાકે પરીક્ષા શરૂ થઇ હતી જે 1:30 કલાક સુધી ચાલી હતી. ઉમેદવારોને ચકાસીને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાંતિ પૂર્વક પેપર આપી બહાર આવેલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે પેપર થોડું લાંબું હતું સમય ઓછો પડ્યો હતો પરંતુ એકંદરે પેપર સારું રહ્યું હતું. આ તરફ રાજ્યના મંત્રીઓ અને પોલીસ વિભાગે પર શાંતિ પૂર્વક પરીક્ષા પૂરી થતાં દરેકનો આભાર માન્યો હતો.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તલાટી મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હોવાનું ટ્વીટ કરી સહકાર આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે પરીક્ષા શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે જહેમત ઉઠાવનાર પરીક્ષા સમિતી, પરીક્ષાર્થીઓને કોઈ અગવડ ન પડે માટે સતત ખડેપગે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવનાર અને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડનાર પોલીસ તંત્ર, તમામ કેન્દ્રના ફરજ પરના કર્મચારીઓ, સંલગ્ન સામાજિક કાર્યકરો, સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર.

પરીક્ષા સારી રીતે પૂર્ણ થતા હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે આજની પરીક્ષામાં વધુ ઉત્સાહ નહીં રહે તેવી મને ચિંતા હતી. પણ જેમ જેમ દિવસો વીતવા લાગ્યા તેમ તેમ વધુને વધુ લોકો પરીક્ષા માટે જોડાતા ગયા હતા. ગામડાઓમાં લોકોએ મદદ માટે પોતાના નંબર શેર કર્યા અને ઉમેદવારોની રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપી હતી. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં રિક્ષાચાલકોએ હેલ્પ લાઈન શરૂ કરી હતી. રેલવે અને એસટી વિભાગે પણ સારી કામગીરી કરી છે. પરીક્ષાની વ્યવસ્થા માટે જિલ્લા વહીવટી તંત્રએ ખૂબ સહયોગ આપ્યો છે. બધાએ ખૂબ સારૂ કાર્ય કર્યું છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.

સુરતમાં પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમ્યાન પોલીસે સરાહનીય કામગીરી બજવી હતી. વિવિધ કારણોસર મુશ્કેલીમાં મુકાયેલા ઉમેદવારોને પોલીસે હેમખેમ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડ્યા હતા. કેટલીક જગ્યાએ તો ભાવનાત્મ દૃશ્યો સર્જાયા હતા. જેમાં દિવ્યાંગ અથવા અશક્ત ઉમેદવારોને પોલીસ ઉંચકીને કેન્દ્ર સુધી પહોંચાડતા જોવા મળી હતી.

અમદાવાદમાં 1,50,000થી વધુ ઉમેદવારોએ તથા સુરતમાં 74,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર ખૂબ જ મોટા ભીડ જોવા મળી હતી. સુરતમાં 216 કેન્દ્ર પર પરીક્ષા આપવા વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષાર્થીઓ માટે 2498 વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા થઈ હતી. પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું કે જેણે તૈયારી કરી હતી તેના માટે પેપર સરળ હતું. જોકે પેપર થોડું લાંબુ હોવાને કારણે તેને વાંચવામાં જ 10 મિનિટનો સમય લાગ્યો હતો. છેલ્લી ઘડીએ ઉતાવળમાં જવાબ લખવાની નોબત આવી હતી.

Most Popular

To Top