Gujarat

ગુજરાતમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર તવાઇ, 27 સ્પા-હોટલના લાઈસન્સ રદ

ગુજરાત (Gujarat) રાજ્યમાં હોટલ અને સ્પાની (Spa) આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ બંધ કરાવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghvi) આદેશ બાદ ગુજરાત પોલીસે 24 કલાકમાં જ ધમધમાટી બોલાવી 800થી વધુ સ્થળોનું ચેકિંગ કર્યું છે. ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય તેવા 27 સ્પા અને હોટલના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. સાથે જ 105 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

  • અમદાવાદમાં 350થી વધુ સ્પા-મસાજ પાર્લરમાં પોલીસના દરોડા
  • સુરતમાં 70 સ્પા સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા
  • રાજકોટમાં 50થી વધુ સ્પા-મસાજ પાર્લરમાં તપાસ કરાઈ

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સ યોજીને આપેલી સૂચના બાદ ગુજરાત પોલીસે રાજ્યભરના સ્પા સેન્ટર, કોમર્શિયલ બિલ્ડિંગ તથા હોટલ પર દરોડાની કાર્યવાહી કરી હતી. ગુજરાત પોલીસની અલગ અલગ ટીમોએ એક જ દિવસમાં 851 સ્થળો પર રેડ કરી હતી. જેમાં 152 આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જ્યારે 105ની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન 27 સ્પા-હોટલના લાઈસન્સ રદ કરી દેવામાં આવ્યા હતા.

અમદાવાદમાં 24 કલાકમાં 350 જેટલા સ્પા સેન્ટરમાં તપાસ કરવામાં આવી હતી. સુરતમાં 70 સ્પા સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાંથી 50 સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં 50થી વધુ સ્પા-મસાજ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા છે જેમાંથી 13 સામે કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરામાં 20થી વધુ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાંથી 2 સામે કાર્યવાહી કરાઈ હતી. હિંમતનગરમાં 3 સ્પા સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા હતા. કચ્છના ગાંધીધામમાં 29 સ્પામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં આદિપુરના લવિસ સ્પામાંથી દેહવિક્રયની પ્રવૃત્તિ થતી હોવાનું સામે આવતા કાર્યવાહી કરાઈ હતી.

ગુજરાત પોલીસ તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા 850થી વધુ ઠેકાણાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. સ્પા સેન્ટોરોમાં પોલીસના દરોડા વચ્ચે અમદાવાદમાં 10 PI-56 PSIની બદલીનો આદેશ પણ કરવામાં આવ્યો છે. આ સાથે રાજ્યભરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 103 ગુના નોંધાયા હતા. પોલીસ દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને કચ્છના ગાંધીધામ સહિતના સ્થળો પર રેડ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સૌથી વધુ 350 જેટલા સ્પા-મસાજ પાર્લરમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં જાહેરનામા ભંગની 9 ફરિયાદ નોંધીને 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top