Gujarat

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: 93 તાલુકાઓમાં વરસ્યો

ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત ઉપર અરબી સમુદ્ર પરથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં ચોમાસુ સક્રિય થયું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં (Gujarat) મેઘરાજાની ધમાકેદાક એન્ટ્રીના કારણે 93 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં ખાસ કરીને આણંદમાં સવા બે ઈંચ વરસાદ થયો છે. ગઈરાત્રે અમદાવાદ – ગાંધીનગરમાં પણ ભારે ગાજવીજ સાથે ભારે વરસાદ થયો હતો. આજે દિવસ દરમ્યાન અચાનક કાળા ડિંબાગ વાદળો ધસી આવવા સાથે બન્ને શહેરોમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે ઉત્તર ગુજરાત, કચ્છ, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, મધ્ય ગુજરાત અને અમરેલી – ભાવનગરમાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 93 તાલુકાઓમાં વરસાદ થયો છે. 17 તાલુકાઓમાં બે ઈંચથી એક ઈંચ વરસાદ થયો હતો. વલસાડમાં 3.4 અને ગણદેવીમાં 3.4 ઈંચ વરસાદ થયો છે. જ્યારે ભાવનગર અને ઉમરાળામાં બે ઈંચ વરસાદ થયો છે. 18 તાલુકાઓમાં 3થી 1 ઈંચ વરસાદ થયો છે. આણંદમાં સવા બે, ખેડાના વસોમાં સવા બે, મહેસાણાના ઊંઝામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો.

સાણંદમાં સવા બે, સોજીત્રામાં સવા બે, મહુધામાં સવા બે, નડિયાદમાં બે ઈંચ કરતાં વધુ, પાટણના સિદ્ધપુરમાં બે, કપડવંજમાં પોણા બે, માતરમાં પોણા બે, અમદાવાદમાં પોણા બે, ખેડામાં પોણા બે, મહેમદાવાદમાં પોણા બે, મોડાસામાં દોઢ, વિરમગામમાં દોઢ, ગાંધીનગરના માણસામાં સવા, પ્રાતીજમાં એક, કડીમાં પોણો ઈંચ વરસાદ થયો હતો. રાજ્માં બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, આણંદ, ખેડા, પંચમહાલ, ગીર સોમનાથ, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ થયો છે.

વડોદરામાં તોફાની વરસાદને કારણે હોર્ડિંગ્સ તૂટ્યું

વડોદરામાં ગુરુવારે સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ(Rain) તૂટી પડ્યો હતો. પવન સાથે તૂટી પડેલા વરસાદે અડધા કલાકમાં વડોદરામાં બધુ વેરવિખેર કરી નાંખ્યુ છે. વડોદરામાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા છે. તો બીજી તરફ, ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો બન્યા છે. સુસવાટાભર્યા પવન સાથે ખાબકેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં લાઈટો ગૂલ થઈ હતી. તો હોર્ડિંગ્સ (Hoardings) પણ તૂટી પડ્યા હતા. મુક્તાનંદ વિસ્તારમાં આવેલું મોટું હોર્ડિંગ્સ ધરાશાયી થયું હતું. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઇને જાનહાની થઇ નથી. શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા જેના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતાં. 

Most Popular

To Top