Gujarat Election - 2022

ગુજરાતની જનતાએ બધાજ રેકોર્ડ તોડી નાંખ્યા, જનતા સમક્ષ નમન કરું છું- પીએમ મોદી

હું જનતા જનાર્દન સમક્ષ નમન કરું છું. જનતા જનાર્દનના આશીર્વાદ મનને સ્પર્શી જાય તેવા છે. ગુજરાતની જનતાએ બધા જ રેકોર્ડ તોડી નાંખ્યા છે. જેપી નડ્ડાના નેતૃત્વમાં કાર્યકર્તાઓએ કરેલી મહેનતની સુગંધ ચારેકોર મહેસુસ થઈ રહી છે. જ્યાં બીજેપી સીધી રીતે જીતી શકી નથી ત્યાંની વોટ ટકાવારી ભાજપ પ્રત્યેના લગાવનો પુરાવો છે. યુપીના રામપુરમાં ભાજપની જીત, બિહાર પેટાચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન આવનારા દિવસોનો સ્પષ્ટ સંકેત છે. હું ચૂંટણી પંચને પણ અભિનંદન આપું છું. દિલ્હીની ભાજપ હેડ ઓફિસથી નેતા, કાર્યકર્તા અને જનતાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ ગુજરાતની ભવ્ય જીત પર આભાર વ્યક્ત કર્યો હતો.

મોદીએ કહ્યું કે ચૂંટણી દરમિયાન મેં કહ્યું હતું કે આ વખતે નરેન્દ્રનો રેકોર્ડ તૂટવો જોઈએ. મેં વચન આપ્યું હતું કે ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડે તે માટે નરેન્દ્ર સખત મહેનત કરશે. ગુજરાતની સ્થાપનાથી લઈને અત્યાર સુધીના તમામ રેકોર્ડ લોકોએ તોડી નાખ્યા છે. ગુજરાતની જનતાએ ભાજપને સૌથી મોટો જનાદેશ આપીને નવો ઈતિહાસ રચ્યો છે.

પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે ભાજપને મળેલો જનસમર્થન પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે એવા સમય આવ્યો છે જ્યારે ભારત અમૃતકાળમાં પ્રવેશી ચૂક્યું છે. ભાજપને મળેલ જનસમર્થન એ નવા ભારતની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે, યુવા વિચારસરણીની અભિવ્યક્તિ છે. ગરીબ, દલિત, વંચિત, પછાત, શોષિત આદિવાસીઓના સશક્તિકરણ માટે છે.

લાખો સમર્પિત કાર્યકરોએ બીજેપી માટે પોતાનો જીવ આપ્યો છે. અંગત સુખ, સુવિધાઓ, આકાંક્ષાઓનું બલિદાન આપીને દરેક કાર્યકર્તા સમાજની સેવામાં લાગેલા છે. ભાજપ માત્ર કાર્યકરો પર વિશ્વાસ રાખીને રણનીતિ બનાવે છે અને સફળ પણ થાય છે. છેલ્લા 8 વર્ષમાં દેશમાં વધુ એક મોટો બદલાવ જોવા મળ્યો છે. કામ અને કાર્યશૈલીમાં બદલાવ છે. અમે કોઈપણ કામને નાનું નથી માનતા.

મોદીએ યુવાઓને સમર્થન આપતા કહ્યું કે યુવાઓ તે જોઈને મત નથી આપતા કે પાર્ટીના નેતા મોટા પરિવારમાંથી છે. યુવા મત ત્યારે જ આપે છે જ્યારે તેમને વિશ્વાસ હોય. તેમણે કહ્યું કે વિઝન અને વિકાસથી જ યુવાનોનું દિલ જીતી શકાય છે અને ભાજપ પાસે વિઝનની સાથે સાથે વિકાસની પ્રતિબદ્ધતા પણ છે. તેમણે કહ્યું કે આવનારો સમય દેશ માટે આપણા સૌ માટે ખુબ મહત્વપૂર્ણ છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ. બધા સાથે મળીને વિકસિત ભારતના આ અભિયાનમાં જોડાઈ જઈએ.

તેમણે કહ્યું કે હિમાચલમાં ભાજપને એક ટકાથી ઓછા મતોના માર્જિનથી હાર મળી છે. આવું પહેલીવાર બન્યું છે. અહીં જીત અને હારનું માર્જીન હંમેશા 5-6% રહ્યું છે. જનતા ભલે એક ટકા પાછળ રહી ગઈ હોય પરંતુ અમે આ રાજ્યના વિકાસમાં અમારું 100 ટકા આપીશું.

ઝડપી લાભની રાજનીતિ ખતરનાક છે
મોટા નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે ભારતમાં ગરીબી ઘટી રહી છે. છેલ્લા 8 વર્ષમાં દેશમાં ગરીબોને પ્રાથમિક સુવિધાઓ આપવા સાથે સાથે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે માત્ર જાહેરાત કરવા માટે જાહેરાત નથી કરતા. અમે રાષ્ટ્ર નિર્માણ માટે નિકળેલા લોકો છીએ. દેશને આજે શોર્ટકટ જોઈતો નથી. દેશનો મતદાર આજે જાગૃત છે. દેશનો મતદાર જાણે છે કે શોર્ટકટ પોલિટિક્સનું મોટું નુકસાન દેશને વેઠવું પડશે. દેશ સમૃદ્ધ રહેશે તો સૌની સમૃદ્ધિ નિશ્ચિત છે. આમદની અઠન્ની ઔર ખર્ચ રુપય્યા.. થી શું સ્થિતિ થશે આજે આપણે આપણા પાડોશી દેશોમાં જોઈ રહ્યા છીએ તેથી જ દેશ સતર્ક છે.

Most Popular

To Top