Gujarat

કાલે રાજ્યની છ મહાનગર પાલિકા માટે મતદાન, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકાર દ્વારા આગામી તા.21મીના રોજ યોજાનારી છ મહનગરપાલિકની ચૂંટણી (Election) માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કુલ 3411 મતદાન મથકો (Polling Booth) ઉપર મતદાન યોજાનાર છે, ત્યારે પોલીસ (Police) દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્યભરમાં જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં 40 હજારથી વધુ પોલીસકર્મીઓને ફરજ પર ગોઠવવામાં આવ્યા છે. જ્યારે 44 એસઆરપી કંપનીઓના જવાનોને મતદાન મથકમાં તૈનાત કરવામાં આવ્યા છે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે. સાથે જ 21મી ફેબ્રુઆરીના રોજ રાજ્યની 6 મહાનગર પાલિકાઓની ચૂંટણી યોજાનાર છે, ત્યારે રાજ્યમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય રહે તે માટે રાજ્યમાં તમામ પોલીસને સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

આશિષ ભાટિયાએ વધુમાં કહ્યું હતું કે રાજ્યભરમાં કુલ 3411 મતદાન મથકો ઉપર મતદાન યોજાનાર છે ત્યારે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે મતદાન થાય તે માટે રાજ્યના તમામ મતદાન મથકો ઉપર પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 21મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર મતદાન માટે 44 એસઆરપી કંપનીઓના જવાનો, લગભગ 25,૦૦૦ જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ અને 155૦૦ જેટલા હોમગાર્ડ અને જીઆરડી જવાનોને ચૂંટણી ફરજ ઉપર ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત મતદાનના દિવસે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ પણ ચાલુ રાખવામાં આવશે. જેમાં 287 સેક્ટર પોલીસ મોબાઇલ તથા 136 રિસ્પોન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે. તેમજ ઇવીએમની સુરક્ષા માટે પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા રાજ્યની રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ, અને દાદરા નગર હવેલી સાથે સંકળાયેલી આંતરરાજ્ય સરહદો ઉપર 97 આંતરરાજ્ય ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકા વિસ્તારમાં દેશી દારૂનો લગભગ 6 લાખ રૂપિયા જેટલો જથ્થો અને વિદેશી દારૂનો 87 લાખ રૂપિયાનો જથ્થો મળી કુલ 93 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં દેશીદારૂનો લગભગ નવ લાખ રૂપિયાનો અને વિદેશી દારૂનો 7 કરોડ 1 એક લાખ રૂપિયા મળી કુલ 7.10 કરોડનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે લોકશાહીના પર્વ ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેમજ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઉભો ન થાય તે માટે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની અટકાયતી પગલાં કરો ભરવામાં આવ્યા છે. જેમાં મહાનગર વિસ્તારમાં આશરે 4700 જેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યભરમાં થી 1.5 લાખ લોકો સામે પગલાં ભરવામાં આવ્યા છે. અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં લેવાની જરૂરિયાત ઊભી થતાં મનપા વિસ્તારમાં 7૦૦૦ જેટલા અસામાજીક તત્વોને અટકાયત કરવામાં આવી છે. રાજ્યભરમાંથી કુલ 25800 જેટલા અસામાજિક તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. રાજ્યમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 48282 જેટલા હથિયારો પણ જમા લેવામાં આવ્યા છે.

6 મનપામાં 144 વોર્ડ 576 બેઠકો

છ મનપામાં ૧૪૪ વોર્ડમાં ૫૭૬ બેઠકો સમાવેશ થાય છે. જે પૈકી અમદાવાદ મનપામાં ૧૯૨ બેઠકો , સુરતમાં ૧૨૦ બેઠકો , વડોદારામાં ૭૬ બેઠકો , રાજકોટમાં ૭૨ બેઠકો , ભાવનગરમાં ૫૨ બેઠકો અને જામનગરમાં ૬૪ બેઠકોનો સમાવેશ થાય છે.કુલ ૨૨૭૬ ઉમેદવારો ચૂંટણી જંગ લડી રહયા છે.સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન થશે , જેના મટે ઈવીએમનો ઉપયોગ કરાશે. રાજયમાં છમનપાની ચૂંટણી માટે સલામતીના સધન પગલા લેવામા આવ્યા છે.તા.૨૧મી ફેબ્રુ.ના રોજ ૧.૧૨ કરોડમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.જેના માટે ૧૧૪૭૭ મતદાન મથકો ઉભા કરવામા આવ્યા છે. જે પૈકી સંવોદનશીલ મતદાન મથકોની સંકયા ૩૮૫૧ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૧૬૫૬ જેટલી છે

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top