Gujarat Main

રાજ્યમાં હોળી-ધૂળેટીના તહેવારને લઈ સરકારે બહાર પાડી માર્ગદર્શિકા

ગાંધીનગર: (Gandhinagar) દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે હોળી પર્વની ઉજવણી પર કેટલાક રાજ્યોએ રોક લગાવી છે. દિલ્લી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોએ હોળી (Holi) પર્વની ઉજવણી પર ગાઇડલાઇન્સ (Guidelines) જાહેર કરી છે. ગુજરાત સરકારે પણ આ મામલે સ્પષ્ટતા કરતા માર્ગદર્શિકા જાહેર કરી છે. આગામી 29 માર્ચે ધૂળેટીના તહેવાર નિમિત્તે રાજ્યમાં જાહેરમાં ઉજવણી કે સામૂહિક કાર્યક્રમ ની મંજૂરી ઉપર ગૃહવિભાગે પાબંધી લગાવી દીધી છે આ માટે ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને રાજ્યના તમામ પોલીસ વડાઓને સુચના આપી દેવામાં આવી છે.

રાજ્યના ગૃહ વિભાગની માર્ગદર્શિકા પ્રમાણે રાજ્યમાં હાલમાં પ્રવર્તમાન Covid-19ની પરિસ્થિતિને ધ્યાને લેતાં હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે. તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. જોકે, હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબંધમાં પ્રવર્તમાન ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.

હોળીના પર્વ પર લોકો શેરી, મહોલ્લામાં વૈદિક વિધિ વિધાન સાથે હોળીનું પ્રાગટ્ય અને પૂજા વિધિ કરી શકશે પરંતુ બીજે દિવસે આવતા ધૂળેટીના પર્વની ઉજવણી પર રાજ્ય સરકારે રોક લગાવી છે. ધૂળેટીના દિવસે કોઇને ગુલાલ, પાણી કે અન્ય રંગો નહીં ઉડાડી શકાય એટલે રંગેથી રમવા પર રાજ્ય સરકારે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. હોળી પર્વ મુદ્દે સરકાર દ્વારા જાહેર થયેલી ગાઇડલાઇન્સ મુજબ હોળીના પ્રાગટ્ય સમયે પણ ત્યારબાદ દર્શન પૂજન માટે એકઠા થનાર લોકો કોરોનાની ગાઇડ ગાઇન્સનું પાલન કરવું પડશે. હોળીના પર્વની ઉજવણી સમયે માસ્ક સામાજિક અંતરનું પાલન કરવું ફરજિયાત રહેશે.

માર્ગદર્શિકામાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ધૂળેટીના (Dhuleti) દિવસે જાહેરમાં ઉજવણી અને સામૂહિક કાર્યક્રમને મંજૂરી મળશે નહી. આ તમામ સૂચનાઓના ચુસ્તપણે અમલીકરણ માટે તમામ પોલીસ કમિશનરો, તમામ જિલ્લા મેજીસ્ટ્રેટો, તમામ પોલીસ રેન્જના વડાઓ, તમામ પોલીસ અધિક્ષકોને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. જો ક્યાંક ઉપરના નિયમોનું ભંગ થતું જણાશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.  હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી હોવાથી જો મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તો કોરોના સંક્રમણ વધવાની શકયતા રહેલી છે. આથી જ સરકારે હોળી ધૂળેટીની ઉજવણી માટે ચોક્કસ નીતિ જાહેર કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top