Gujarat

રાજ્યમાં વરસાદની તોફાની બેટિંગ, પાવી જેતપુરમાં 7 ઈંચ વરસાદ

સુરત: આજે વહેલી સવારથી જ મેઘરાજા ગુજરાત (Gujarat) રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કરી છે. જેના કારણે અનેક શહેરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે જ અનેક ગામડાઓ સંપર્કવિહોણા બન્યા છે. આજે રાજ્યના 65 તાલુકાઓમાં વરસાદ (Rain Fall) નોંધાયો છે. જેમાંથી 8 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના છોટા ઉદેપુરના (Chhota Udepur) પાવી જેતપુરમાં સાત ઈંચ વરસાદ વરસ્યો છે.

ડિઝાસ્ટર વિભાગ અનુસાર, છોટાઉ દેપુરના પાવી જેતપુર તાલુકામાં 175 મિમી, બોડેલી તાલુકામાં 146 મિમી, પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં 107 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે છોટા ઉદેપુર શહેરમાં 95 મિમી, સંખેડામાં 56 મિમી અને વડોદરાના સિહોર તાલુકામાં 50 મિમી અને ડભોઈમાં 37 મિમી વરસાદ વરસ્યો હતો.

છોટા ઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે સુસ્કાલથી પ્રતાપનગર જવાના રેલવે ગરનાળામાં 12 થી 15 ફૂટ પાણી ભરાઈ જતાં પ્રતાપનગર, ખાંડીવાવ અને તેજાવાવના ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને અવરજવર માટે રસ્તો બંધ થઈ જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વર્ષોથી આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી પડી હતી અને પાવીજેતપુર અથવા બોડેલી ખાતે જવાની ફરજ પડી હતી. તો બોડેલીની ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઇને હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને પાણીમાં ઉતરીને હોસ્પિટલમાં જવાની ફરજ પડી હતી.

ભારે વરસાદના કારણે પાવી જેતપુરની વસવા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ ર્ક્યુ છે. દરિયાના ઘુઘવતા મોજા ઉછળી રહ્યા હોય તેવા દૃશ્યો નદીમાં જોવા મળતાં પાવી જેતપુરના નાગરિકો હાઈવે પર પહોંચી ગયા હતા. ત્યારે કોઈ જાનહાનિ ન થાય તે ધ્યાને રાખી પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે.

દક્ષિણ ગુજરાતના મહુવા તાલુકામાં આભ ફાટ્યું
દક્ષિણ ગુજરાતની પુર્ણા, અંબિકા, કાવેરી અને મીંઢોળા નદીઓ ઉપરવાસમાં વધુ વરસાદને કારણે ભયજનક સપાટી નજીક પહોંચી છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ મહુવા અને નવસારીમાં નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહુવા તાલુકામાં 12 ઈંચ, નવસારીમાં 11 ઈંચ અને બારડોલી તાલુકામાં 8 ઈંચ, પલસાણા તાલુકામાં 6 ઈંચ, માંડવીમાં 4 ઈંચ, ઉમરપાડા 2.60 ઈંચ, માંગરોળમાં 1 ઈંચ વરસાદ વરસ્યો નોંધાયો હતો. જેના કારણે જિલ્લાના 45 થી વધુ માર્ગો અવર-જવર માટે બંધ કરાયા હતા. તો બીજી બાજુ સુરત જિલ્લામાં જિલ્લા કલેક્ટરે શાળાઓમાં રજા જાહેર કરી હતી.

Most Popular

To Top