Business

‘સેમિકોન ઈન્ડિયા 2023’: ભારત બનશે સેમિકન્ડક્ટર હબ, આ ક્ષેત્રે $400 મિલિયનનું રોકાણ કરાશે

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) બે દિવસીય ગુજરાતની (Gujarat) મુલાકાત પર છે. તે દરમિયાન તેમણે રાજકોટમાં અનેક પ્રકલ્પોનું લોકાપર્ણ કર્યુ છે. એટલું જ નહિ હવે તેમણે ગાંધીનગરમાં એક નવી જાહેરાત કરતા જણાવ્યુ છે કે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં દેશને (India) આગળ વધારવા માટે ભારત સરકાર શક્ય એવા તમામ પ્રયાસો કરી રહી છે. પીએમ મોદીએ રાજકોટ બાદ ગાંધીનગરમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ પર આધારિત સેમિકોન ઇન્ડિયા 2023 (Semicon India 2023) પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરતા તેમણે એમ પણ કહ્યું કે જેવી રીતે સોફ્ટવેરને અપડેટ કરતુ રહેવું પડે છે. તેવી જ રીતે ભારત દેશને પણ ટેક્નોલોજી સાથે અપડેટ રહેવું જોઇએ. આ સેમીકોન ઇન્ડિયા 2023 કાર્યક્રમના માધ્યમથી ઉદ્યોગ, નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓ સાથેના સંબંધો અપડેટ થતા રહે છે અને સંબંધોમાં તાળમેળ માટે આ જરૂરી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે 21મી સદીના ભારતમાં દરેક માટે ઘણી તકો છે અને ભારત ક્યારેય કોઈને નિરાશ કરતું નથી. સરકાર જે રીતે આ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશી કંપનીઓ પણ દેશમાં રોકાણ માટેના દાવા કરી રહી છે. તે જોતાં એવું કહેવું ખોટું નહીં હોય કે ભારતમાં સેમિકન્ડક્ટર ક્રાંતિ આવવાની છે. આજે ઘણી ભારતીય અને વિદેશી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ ભારતની આ ક્રાંતિનો ભાગ બની રહ્યા છે. હવે IT કંપનીઓને ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે 50 ટકા નાણાકીય સહાય મળશે.

સેમીકોન ઇન્ડિયા 2023ના કાર્યક્રમમાં પીએમ મોદીએ વધુમાં કહ્યું હતુ કે ભારતનું લોકતંત્ર, ભારતની જનસંખ્યા અને ભારતથી મળનાર લાભાંશ સામાન્ય લોકોના વ્યવસાયને બમણો, ત્રણ ગણો કરી શકે છે. મોદીએ કહ્યું કે સેમિકન્ડક્ટર ડિઝાઇન પર અભ્યાસક્રમો શરૂ કરવા માટે ભારતમાં 300 શાળાઓ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વિશ્વમાં થયેલી દરેક ઔદ્યોગિક ક્રાંતિ વિવિધ સમયે લોકોની આકાંક્ષાઓથી પ્રેરિત હતી અને તેઓ માને છે કે હવે જે ચોથી સેમિકન્ડક્ટર ઔદ્યોગિક ક્રાંતિ જોવા મળી રહી છે તે ભારતની આકાંક્ષાઓથી પ્રેરિત છે.

MD એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ ટેક્નોલોજી ઓફિસર માર્ક પેપરમાસ્ટરે ‘સેમિકોન ઈન્ડિયા 2023’ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે AMD પાંચ વર્ષમાં ભારતમાં $400 મિલિયનનું રોકાણ કરશે. તેમણે ઉમેર્યું હતું કે AMD ભારતમાં તેના બે દાયકાના વિસ્તરણ અને સફળ હાજરીને આગળ વધારવાનું વિચારશે. પેપરમાસ્ટરે જણાવ્યું હતું કે કંપની દેશમાં R&D ક્ષમતાઓનું વિસ્તરણ કરી રહી છે, જે 2028 સુધીમાં ભારતમાં વધારાના 3,000 એન્જિનિયરોને રોજગારી આપવાની અપેક્ષા રાખે છે.

Most Popular

To Top