Gujarat

ગુજરાતમાં સોનિયા-રાહુલ અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરશે

અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) તારીખો જાહેર થઈ જવાની સાથે જ તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી કેમ્પિયન માટે સ્ટાર પ્રચારકોની યાદી તેમજ ઉમેદવારોની યાદી અંગે કવાયત તેજ કરી દીધી છે. કોંગ્રેસે (Congress) પણ પોતાના ચૂંટણી પ્રચારને લઈ આયોજન શરૂ કર્યું છે. નવેમ્બરના બીજા સપ્તાહમાં રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે, તેવું પ્રદેશ કોંગ્રેસના ટોચના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

પ્રદેશ કોંગ્રેસના ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસે ઘણા સમયથી તેની આક્રમકતાથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે કોંગ્રેસે રાજ્યભરમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પોતાનું સંગઠન મજબૂત કરવા માટે કોંગ્રેસ કાર્યકરો કામે લાગી ગયા છે. હવે જ્યારે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાનને પણ વેગવંતુ બનાવવામાં આવશે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આવશે. તેમનો સત્તાવાર પ્રવાસ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના સિનિયર નેતાઓને ચૂંટણી પ્રચાર અભિયાનમાં કેવી રીતે જોડી શકાય તે માટેનો વિસ્તૃત કાર્યક્રમ અને સિનિયર નેતાઓને આમંત્રણ આપી દેવામાં આવ્યા છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ હાલમાં ભારત જોડોયાત્રામાં જોડાયા છે, ત્યારે ભારત જોડો યાત્રામાંથી થોડોક સમય કાઢીને રાહુલ ગાંધી ગુજરાત ચૂંટણી પ્રચારમાં આવશે. રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં ચૂંટણી સભાઓ તથા રોડ-શો કરે તેવી તૈયારો ચાલી રહી છે. તેમજ હિમાચલ પ્રદેશના મતદાન બાદ પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે, સચિન પાયલોટ, અશોક ગેહલોટ, સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.

Most Popular

To Top