Gujarat

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી: ઇલેક્શન કમિશને મતદાન અને પરિણામની તારીખો જાહેર કરી

આજે ગુજરાત (Gujarat) રાજ્ય ચૂંટણીપંચે (Election Commission) રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની (Gram Panchayat) બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરી છે. આજરોજ સાંજે 4 કલાકે રાજ્ય ચૂંટણીપંચે પત્રકાર પરિષદ સંબોધીને ચૂંટણી માટે મતદાન અને મતગણતરીની તારીખ અંગેની  માહિતી આપી હતી. આ આગાઉ રાજ્યના ચૂંટણી આયોગે એ વાતની જાહેરાત કરી દીધી હતી કે, ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ખાલી પડેલી 10,879 બેઠકો પર ચૂંટણીનું (Election) આયોજન ડિસેમ્બર મહિનામાં કરવામાં આવશે. આ સાથે જ આ સાથે જ રાજ્યનાં કુલ 18000 ગામડાંમાંથી 10,879 ગામમાં, એટલે કે 60 ટકા જેટલાં ગામોમાં આચારસંહિતા (Code of Conduct) લાગુ થઈ ચૂકી છે.

રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા પત્રકાર પરીષદમાં જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયતની બધી જ બેઠકો પર ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવશે એટલે કે ચૂંટણી માટે ઈવીએમ (EVM) મશીનનો ઉપયોગ કરવામાં નહીં આવે. આ ઉપરાંત ચૂંટણી પંચે જણાવ્યુ હતું કે, આયોગ દ્વારા બેલેટ પેપરથી ચૂંટણી યોજવા માટેની પૂરતી તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે અને ચૂંટણીનાં મતદાન માટે 19 મી ડિસેમ્બરની તારીખ પસંદ કરાઇ છે જ્યારે ચૂંટણીનું પરિણામ 21મી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ નીચે મુજબ છે.

  • 29 નવેમ્બર 2021: ચૂંટણીનું જાહેરનામું
  • 4 ડિસેમ્બર 2021: ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
  • 7 ડિસેમ્બર 2021: ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ
  • 19 ડિસેમ્બર 2021: મતદાનની તારીખ
  • 21 ડિસેમ્બર 2021 : મતગણતરી અને પરિણામ

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવતા રાજયભરમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. ગુજરાત રાજ્યની કુલ 10,897 ગ્રામ પંચાયતોમાંથી 10,284 સરપંચ અને 89,702 જેટલા સભ્યોની ચૂંટણી યોજાશે. આ મુખ્ય ચૂંટણીની સાથે જ જે ગ્રામ પંચાયતોની મુદત 31 ડિસેમ્બર 2022 પછી પૂર્ણ થાય છે તેવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતાં વધુ સમય બાકી હોય તેવી પંચાયતોમાં કોઈ કારણોસર ખાલી થયેલી બેઠકો પર પેટા ચૂંટણીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

હાલ ગુજરાત રાજયમાં 18,225 ગામોમાં કુલ 14,929 ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે જેમાં વિભાજન દ્વારા સર્જાયેલી 191 નવી ગ્રામપંચાયતોનો સમાવેશ થતાં રાજયમાં કુલ 15120 ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવશે. જણાવી દઈએ કે ચૂંટણી માટે 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. 19મી ડિસેમ્બરે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા થશે.

Most Popular

To Top