Gujarat

કોંગ્રેસના 12 ધારાસભ્ય ગૃહમાંથી સસ્પેન્ડ

Advertisement

ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિઘાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત થાય તે પહેલા આજથી શરૂ થયેલા બે દિવસીય ચોમાસુ સત્રના પહેલા જ દિવસે ગૃહમાં કોંગ્રેસના (Congress) સભ્યો દ્વારા કર્મચારીઓના પ્રશ્ને ભારે હોબાળો કરીને સૂત્રોચ્ચાર સાથે દેખાવો પણ કર્યા હતા. કોંગીના સભ્યોએ હાથમાં પ્લે કાર્ડ – બેનર્સ લઈને ગૃહમાં દેખાવ પણ કર્યો હતો. જેના પગલે ગૃહમાં વાતાવરણ ગરમાયુ હતું. સૌથી પહેલા કોંગ્રેસમાં જોડાઈ ગયેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગૃહની અંદર વેલ ઓફ ધી હાઉસમાં ધસી આવ્યા હતા. તે પછી અન્ય સભ્યો પણ વેલ ઓફ ધી હાઉસમાં આવી જતાં ૧૨ સભ્યોને આજના દિવસ પૂરતી ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરાયા હતાં. સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોને ટીંગાટોળી કરીને ગૃહની બહાર લઈ જવામાં આવ્યા હતાં. સસ્પેન્ડ થયેલા કોંગીના ધારાસભ્યો થોડીક મિનિટ પછી ગૃહમાં પાછા આવી જતાં તેઓને અધ્યક્ષ ડૉ નીમાબેન આચાર્યએ નેમ કરીને ગૃહની બહાર જવા આદેશ કર્યો હતો.

આજના દિવસની કાર્યવાહીમાંથી ગૃહમાંથી સસ્પેન્ડ થયેલા કોંગીના સભ્યોમાં જેમા જીગ્નેશ મેવાણી, કનુભાઈ બારૈયા, કાંતિ ખરાડી, નૌશાદ સોલંકી, પ્રતાપ દુધાત, અજીતસિંહ ચૌહાણ, ગેનીબેન ઠાકોર, વિજય પટેલ, અમરીષ ડેર, બાબુભાઈ વાંજા, પુના ગામીત, ચંદનજી ઠાકોરને આજ ના દિવસની ગૃહની કામગીરીથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.આ તકે વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ પરેશભાઈ ધાનાણી ના સસ્પેન્શન ના મામલે વીડિયો જોઈને નિર્ણય કરશે તેવું સ્પષ્ટપણે જણાવ્યું હતું.

આજે ગૃહની કાર્યવાહી ચાલુ થઈ ત્યારે તે પહેલા વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ કર્મચારીઓની હડતાળનો પ્રશ્ન ઊભો કર્યો હતો. એટલું જ નહીં ગૃહમાં વિપક્ષને અડધો કલાકની ચર્ચાની માંગ કરી હતી. જેની સામે સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વાંધો ઉઠાવ્યો હતો. કર્મચારીઓના પ્રશ્નો મામલે ચર્ચાની સાથે કોંગી ધારાસભ્યોએ પ્લે કાર્ડસ તથા સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ ડૉ નીમાબેન આચાર્યએ આ રીતે દેખાવો નહીં કરવા કોંગીના સભ્યોને તાકીદ પણ કરી હતી. તેમ છતાં દોખાવો તથા સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યો હતો. એટલામાં કોગીના સભ્ય જીગ્નેશ મેવાણી વેલ ઓફ ધી હાઉસમાં ધસી આવ્યા હતાં. જેના પગલે કોંગીના અન્ય એક ડઝન જેટલા સભ્યો પણ વેલમાં આવી ગયા હતાં.

સંસદીય બાબતોમા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા જીતુ વાઘાણીએ વેલમાં આવી ગયેલા સભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. જેના પગલે અધ્યક્ષ ડૉ નીમાબેન આચાર્યએ પણ વેલમાં આવી ગયેલા કોંગીના સભ્યોને ગૃહની કાર્યવાહીમાંથી આજના દિવસ પૂરતા સસ્પેન્ડ કરવાની જાહેરત કરી હતી. તે પછી ગૃહના સલામતી રક્ષકોએ ટીંગાટોળી કરીને ૧ જઢન જેટલા સભ્યોને ગૃહની બહાર કાઢયા હતા. આ સભ્યો બહાર નીકળ્યા બાદ આ સસ્પેન્ડ થયેલા કોંગીના સભ્યોએ મોક વિધાનસભા ગૃહની બહાર પગથિયા પાસે યોજી હતી.સસ્પેન્ડ કરાયેલા સભ્યો થોડીક મિનિટ પછી ફરી પાછા ગૃહમાં આવી જતાં તેઓને નેમ કરીને અધ્યક્ષે ગૃહની બહાર જવા કાતિદ કરી હતી.
……..

કર્મચારીઓના પ્રશ્નોના મમલે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો સૂત્રોચ્ચાર – દેખાવો – ૧૨ કરતાં વધુ ધારાસભ્યો સસ્પેન્ડ થયા – ટીંગાટોળી કરીને બહાર લઈ જવાયા


Most Popular

To Top