Gujarat

‘નો રિપિટ થિયરી’માં ભાજપના 50થી 60 ધારાસભ્યોની ટિકિટ કપાય તેવી સંભાવના

ગાંધીનગર: તાજેતરમાં પીએમ (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) અમદાવાદ-ગાંધીનગરની (Ahmedabad-Gandhinagar) બે દિવસીય મુલાકાત બાદ ભાજપની (BJP) હાઈ વોલ્ટેજ પ્રચાર ઝુબેશનો આરંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે મોદીએ બે દિવસની અંદર ત્રણ જેટલા રોડ શો (Road Show) કર્યા હતા. જો કે કમલમ ખાતેની બેઠકમાં મોદીએ આપેલા સંકેત બાદ હવે ‘નો રિપિટ થીયરી’ના ભાગરૂપે ભાજપના હાલના 50થી 60 જેટલા વર્તમાન ધારાસભ્યોને પડતા મૂકવામાં આવે એટલે કે તેઓની ટિકીટ કપાય તેવી સંભાવના છે. ભાજપના હાઈકમાન્ડની કાતર આ વખતે ટિકિટ વહેંચણી વખતે ફરે તેવી સંભાવના છે.

  • ભાજપ દ્વારા આ વખતે યુવા અને નવા ચહેરાઓને વધારે તક આપવામાં આવે તેવી સંભાવના
  • પીએમ મોદીની કમલમ ખાતેની બેઠક બાદ ઉમેદવારોની પસંદગીના ચક્રો ગતિમાન થયા

65 વર્ષથી વધારે ઉંમરના તથા સતત ત્રણ કે ચાર ટર્મથી ચૂંટાઈ આવતા ધારાસભ્યને હવે 2022ની વિધાનસભાની ચૂંટણીના જંગમાં નહીં ઉતારવામાં આવે તેવી સંભાવના છે. આ 50થી 60 જેટલા ધારાસભ્યોને ટિકીટ કપાય તો ભાજપની નેતાગીરીનો બે સપ્તાહ સુધી નારાજ ધારાસભ્યોને મનાવવામાં સમય જશે તેમ મનાય છે. એક તબક્કે પીએમ મોદીએ પણ કમલમ ખાતેની બેઠકમાં ટિકીટો કપાશે તેવા સંકેત આપી જ દીધા છે. પીએમ મોદીએ 40 મિનિટ સુધી પાર્ટીના સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓનો કલાસ લીધો હતો.

ભાજપના સૂત્રોના કહેવા મુજબ ગુજરાતમાં ભાજપની નેતાગીરી દ્વારા નવા યુવા ચહેરાઓને તક અપાશે તેમ મનાય છે. અગાઉ પીએમ મોદી તથા ભાજપના હાઈકમાન્ડ દ્વારા રાતોરાત આખી રૂપાણી સરકાર બદલી નાંખવામાં આવી હતી. આખી સરકાર બદલાઈ જશે તેવી કોઈને કલ્પના પણ નહોતી. તેવું જ કાંઈક આ વખતે ટિકીટોની વહેંચણીમાં બનવા જઈ રહ્યું છે. બીજી તરફ ભાજપના કેટલાંક જુના જોગી ધારાસભ્યોને પણ અણસાર તો આવી જ ગયો છે, કે હવે ધારાસભ્ય તરીકે તેમની આ છેલ્લી ટર્મ છે. યુપી સહિત ચાર રાજયોમાં ભાજપની સરકાર બન્યા પછી હવે પીએમ મોદીએ ગુજરાત પર ફોકસ વધાર્યુ છે. 2022ના અંત ભાગમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી વખતે 50થી 60 જેટલા ધારાસભ્યોની ટિકીટ કપાય તેવી સંભાવના જોવાઈ રહી છે.

Most Popular

To Top