Gujarat

સૌરાષ્ટ્રમાં ભાજપ 2017ની નુકસાનની ભરપાઈ કરી શકશે?

સૌરાષ્ટ્ર સંસ્કૃતિની દૃષ્ટિએ ગુજરાતના અન્ય ભાગોથી અલગ છે એમ જ સૌરાષ્ટ્રનું રાજકારણ પણ ગુજરાતના અન્ય ભાગ કરતાં નોખું છે. એક સમય એવો હતો કે, ગુજરાતના રાજકારણનું કેન્દ્ર રાજકોટ ખાસ કરીને ભાજપને લાગેવળગે છે ત્યાં સુધી હતું. કેશુભાઈ પટેલ, ચીમનભાઈ શકુલ ને આરએસએસના અગ્રણી પ્રવીણ મણિયાર જેવા ભાજપી નેતાઓનો દબદબો હતો. સૌરાષ્ટ્રે ગુજરાતને સૌથી વધુ મુખ્યમંત્રીઓ પણ આપ્યા છે. એમાં જીવરાજ મહેતાથી માંડી વિજય રૂપાણી સુધીની યાદી બની શકે એમ છે. એક સમયે અહીં કોંગ્રેસનું વર્ચસ્વ હતું, હવે ભાજપનું છે. જો કે, 2017ની ચૂંટણીની વાત કરીએ તો ભાજપને સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્રમાં થયું હતું. 2022માં સવાલ એ છે કે, ભાજપ એ નુકસાનની ભરપાઈ કરી શકશે કે કેમ? કારણ કે, આ વેળા કોંગ્રેસ સાથે આપનો પડકાર પણ છે.

  • સૌરાષ્ટ્રમાં પટેલ અને કોળી મતદારોનું વર્ચસ્વ છે. 20 બેઠક એવી છે જ્યાં પટેલ મતદારો નિર્ણાયક છે
  • કડવા પટેલમાં ભાજપ પાસે પુરુષોત્તમ રૂપાલા જેવા ધરખમ નેતા છે. કોંગ્રેસ પાસે એવા નેતા હવે રહ્યા નથી

અલબત્ત એ પછીનાં પાંચ વર્ષમાં ઘણા પાણી વહી ગયા છે. કોંગ્રેસમાં એકથી વધુ વાર ભંગાણ પડ્યું. બાર ધારાસભ્યો ભાજપમાં ગયા. છેલ્લે વિસાવદરમાં હર્ષદ રિબડિયા પણ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા. અને એમાંથી કેટલાક તો મંત્રી પણ બન્યા. જેમ કે, ધ્રોલના રાઘવજી પટેલ.

સૌરાષ્ટ્રમાં પટેલ અને કોળી મતદારોનું વર્ચસ્વ છે. 20 બેઠક એવી છે જ્યાં પટેલ મતદારો નિર્ણાયક છે. અને પંદરેક બેઠકો પર કોળી મતદારો નિર્ણાયક બને છે. એટલે બધા પક્ષો આ સમીકરણ નજરમાં રાખી ઉમેદવારની પસંદગી કરે છે. પટેલોમાં બે ફાંટા છે. લેઉવા અને કડવા અને એના બે સ્થાનક જાણીતા છે. ખોડલધામ અને સીદસર-ઉમિયાધામ. ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલ કોંગ્રેસ તરફી રહ્યા છે, પણ આ વેળા એ રાજકારણમાં જોડાશે કે નહીં જોડાય મુદ્દે લાંબા સસ્પેન્સ બાદ નરેશભાઈ કોઈ પક્ષમાં નહીં જોડાય એવું એમણે નક્કી કર્યું છે. પણ થોડા સમયથી એમની ભાજપ સાથેની નજદીકિયા વધી છે. કડવા પટેલમાં ભાજપ પાસે પુરુષોત્તમ રૂપાલા જેવા ધરખમ નેતા છે. કોંગ્રેસ પાસે એવા નેતા હવે રહ્યા નથી. એક વેળા વિઠ્ઠલ રાદડિયા હતા. એ ભાજપમાં ગયા અને આજે એમના પુત્ર જયેશ પણ ભાજપમાં છે.

કોળી નેતાગીરીમાં ભાજપ પાસે હજુ હમણાં સુધી પુરુષોત્તમ સોલંકી હતા, પણ હવે ભાજપ એનાથી અંતર બનાવી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા એક સબળ ચહેરો છે. પણ એમને ભાજપે ટિકિટ ના આપી તો નવાજૂની થઈ શકે છે. કોંગ્રેસ પાસે અસરકારક કોળી નેતા પણ રહ્યા નથી.

આપ આ વેળા સૌરાષ્ટ્રમાં કેવો દેખાવ કરે છે એ બહુ મહત્ત્વનું પાસું છે. આપે લોકમતના આધારે ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર પસંદ કર્યા છે અને એ મૂળે ખંભાલિયાના છે. ઓબીસીમાંથી આવે છે. ગઢવી છે અને સૌરાષ્ટ્રમાં આપે ખાસું નેટવર્ક ઊભું કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે પાંચેકવાર આવી ગયા છે. અને નારાજ ગણાતા વિજયભાઈ રૂપાણીને પણ મનાવી લેવાયા છે એમ માનવામાં આવે છે. બીજી બાજુ કોંગ્રેસે આ વેળા નવો વ્યૂહ અપનાવી ગામડે ગામડે ખાટલા બેઠકો શરૂ કરી છે. જેનો આડકતરો ઉલ્લેખ મોદીજી જાહેરમાં કરી ચૂક્યા છે.

સૌરાષ્ટ્રમાં એક સમયે પાણીની સમસ્યા દર ચૂંટણીમાં મુદ્દો બનતો હતો. પણ નર્મદાના અને સૌની યોજનાના કારણે આ સમસ્યા ઘણી બધી હળવી થઈ ગઈ છે.

સૌરાષ્ટ્રની ચૂંટણી ઉપર એક નજર
વર્ષ ભાજપ કોંગ્રેસ
2012 36 12
2017 18 30

2012માં ભાજપને 36 અને કોંગ્રેસને 17 બેઠકો મળી હતી. પરંતુ વર્ષ 2017માં રાજકીય ચિત્ર બદલાયું અને ભાજપને 23 તો કોંગ્રેસને 32 બેઠકો મળી. આમ 2012ની સરખામણીએ ભાજપે 2017માં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 13 બેઠકો ગુમાવી હતી. અહીં ભાજપના ધોવાણમાં હાર્દિક ફેક્ટર અને ખેડૂતોના પ્રશ્નો મુખ્યત્વે હતા. જોકે 2019ની લોકસભા ચૂંટણી ટાણે હાર્દિક ફેક્ટર નબળુ જણાય છે. પરંતુ ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો જેમના તેમ છે. આથી ગત લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની આઠેય બેઠકો જીતનાર ભાજપ આ વખતે ફૂંકી-ફૂંકીને છાશ પી રહ્યો છે.

2017માં અમરેલી અને ગીરસોમનાથમાં ભાજપ ધોવાઇ ગયું હતું
2017ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી. હાર્દિક પટેલે સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવી હતી અને ખોડલધામના નરેશ પટેલે પણ પડદા પાછળ કોંગ્રેસને મદદ કરી હતી. અને આ જ કારણે સૌરાષ્ટ્રની 48 બેઠકમાંથી ભાજપને 18 અને કોંગ્રેસને 30 બેઠક મળી હતી. અમરેલી જિલ્લો એક એવો હતો કે જ્યાં છ બેઠકમાંથી ભાજપને એકપણ બેઠક મળી નહોતી. મોરબી, ગીર સોમનાથ જિલ્લામાં પણ આવું જ બન્યું હતું.

સૌરાષ્ટ્રમાં પાક વીમો મોટો પ્રશ્ન
સૌરાષ્ટ્રમાં પહેલા કરતાં પાણીની સ્થિતિ થોડી સુધરી છે તેમ છતાં ખેતીની સમસ્યા છે. પાક વીમાથી માંડી, જણસના ભાવો મુદ્દે નારાજગી ખરી. હવે ઉમેદવારોની પસંદગી પર બધુ નિર્ભર બનવાનું છે. પણ આપ કોને કેટલું નુકસાન કરશે એ મહત્ત્વનું પરિબળ બની રહેશે.

Most Popular

To Top