Feature Stories

સુરતના યુવકોમાં નાક, આઈબ્રો વીંધાવાનો વધતો ક્રેઝ

યુવતીઓ અને સ્ત્રીઓ નાક વીંધાવે એમાં કોઈ નવાઈ નથી લાગતી. નાકમાં સ્ત્રીઓ વર્ષોને વર્ષોથી ઘરેણું પહેરતી આવી છે પણ જો તમને હવે સુરતમાં કોઈ જગ્યા પર યુવકોના નાકમાં ચુની જેવું ઘરેણું પહેરેલું દેખાય તો નવાઈ નહીં પામતા. યુવકોમાં પણ નાક વીંધાવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુરતના યુવકો પણ હવે નોઝ પીયર્સિંગ કરાવે છે અને નાકમાં ગોલ્ડનું સ્ટડ પહેરે છે. બોડી પીયર્સિંગ એટલે શરીરના કોઈ ભાગને ટોચાવવું કે વીંધાવવું. આમ તો લોકો કાન, નાકમાં ઘરેણાં પહેરવા વર્ષોથી આ ભાગોને વીંધાવતા આવ્યા છે, પણ હવે એવો ટ્રેન્ડ જોવા મળે છે કે યંગસ્ટર્સ શરીરના અન્ય ભાગ જેમ કે આઈબ્રો, નાભી, જીભ, હોઠ અને હવે તો છોકરાઓમાં નાક વીંધાવાનો અને આઈબ્રો વીંધાવાનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે.

મેં આઈબ્રો, લિપ અને બેલી પિયરસિંગ કરાવ્યું છે : રોમા શાહ
24 વર્ષની રોમા શાહે બેલી, આઈબ્રો, લિપ પીયર્સિંગ કરાવ્યું છે. તેનું કહેવું છે કે મને નાભી, હોઠ અને આઈબ્રો વીંધાવી તેમાં ઘરેણાં પહેરવાનો શોખ હતો. મેં હોઠ વીંધાવી સ્ટેનલેસ સ્ટીલની રિંગ પહેરી છે. આઈબ્રો ટોચી સ્ટેનલેસ સ્ટીલનું સ્ટડ લગાવ્યું છે. મારું જોઈને મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરનાર બે જણાએ હોઠ, બેલી અને આઈબ્રો પીયર્સિંગ કરાવ્યું છે. પીયર્સિંગ કરાવતી વખતે તમને સોંય ટોચે એટલું જરીક પેઈન થાય એટલો જ દુખાવો થાય છે. મને ઘરમાં આવું કેમ કરાવ્યું તે બાબતમાં કોઈ કાંઇ બોલ્યું નથી. મમ્મી મારી ફ્રેન્ડ જેવી જ છે, તેણે સપોર્ટ આપેલો.

નોઝ પિયર્સિં શોક ખાતર કરાવ્યું: જીગર મહેતા
અમરોલીમાં રહેતા ટેટુ આર્ટિસ્ટ જીગર મહેતાએ નોઝ (નાક) પીયર્સિંગ કરાવ્યું છે. તેમણે નાકમાં ગોલ્ડનું સ્ટડ પહેર્યું છે. નાક વીંધાવતી વખતે કોઈ પેઈન નહીં થયું. 3 વર્ષ પહેલા તેમણે નાક ટોચાવેલું. શોખ ખાતર તેમણે નોઝ પીયર્સિંગ કરાવેલું છે. તેમનું કહેવું છે કે લાઈફ મારી છે એટલે મારે શું કરવું એનો અધિકાર મને છે. કોઈનું જોઈને પીયર્સિંગ નથી કરાવ્યું. બસ મારી ઈચ્છા હતી એટલે મેં કરાવ્યું.

ટંગ પિયરસિંગ પરિવારથી છુપાવેલું : કરણ રાજપૂત
ડિજિટલ આર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા 28 વર્ષના કરણ રાજપૂતે ટંગ પીયર્સિંગ કરાવ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે જીભને આરપાર વીંધાવેલી ત્યારે જીભ પર સર્જીકલ સ્ટેનલેસ સ્ટીલનું સ્ટડ લગાવેલું હતું. પછી તે સ્ટડને ગોલ્ડ કોટેડ કરાવ્યું. જીભ ટોચાવેલી ત્યારે સોંય ટોચે એટલું જરાક દુઃખેલું હતું. શરૂઆતમાં જીભ પરનું સ્ટડ નડતું હતું પણ હવે ટેવાઈ થઈ જવાયું છે. મારું જોઈને મારા મુંબઈના ફ્રેન્ડે પણ ટંગ પીયર્સિંગ કરાવ્યું છે. શરૂઆતમાં મેં ઘરમાં આની જાણ કોઈને કરી નહીં હતી, પણ એક વખત મોઢું વધારે ખોલતા ઘરનાને આ વાતની ખબર પડેલી.

ઇન્ટરનેટ જોઈને બેલી પિયરસિંગ કરાવ્યુ઼ં : શ્વેતા ભક્તા
કામરેજના શ્વેતા ભકતાએ બેલી પીયર્સિંગ કરાવ્યું છે. તેનું કહેવું છે કે ઈન્ટરનેટ પર જોઈને મને પણ ટેટુ કરવાનો અને બેલી પીયર્સિંગ કરાવવાનું મન હતું. મેં ટેટુ અને નાભી વીંધાવીને મારો શોખ પૂરો કર્યો.
નાભી પર નાનકડું અમથું બોલ જેવું ડાયમંડ પહેર્યું છે. કપડામાં નહીં ભેરવાય તેનું ધ્યાન રાખવું પડે છે. બેલી પીયર્સિંગ કરાવ્યું ત્યારે કોઈ પેઈન નહીં થયેલું. ઘરમાં આ બાબતે મને કોઈ કઈ પણ બોલ્યું નથી. બેલી પીયર્સિંગ કરાવીને ડાયમંડ લગાડવામાં આવે ત્યારે પેટ પરનો તે ભાગ નીખરી ઉઠે છે.

દેખાદેખીમાં આવ શોખ પૂરા કરે છે : દર્શનસિંહ
ઘોડદોડ રોડના ટેટુ આર્ટિસ્ટ દર્શનસિંહ ગોહિલનું કહેવું છે કે તેમને ત્યાં છોકરાઓ નાક, જીભ, હોઠ અને આઈબ્રો પીયર્સિંગ કરાવવા આવે છે. નાકમાં ગોલ્ડ સ્ટડ પહેરે છે અને આઈબ્રો પર ડાયમંડ અને સ્ટડ પહેરે છે. જીભ આરપાર વીંધાવી સર્જીકલ સ્ટેનલેસ સ્ટીલ સ્ટડ લગાવોનો ક્રેઝ યુવકોમાં વધારે છે. જ્યારે છોકરીઓમાં બેલી પીયર્સિંગ કરાવી નાભી અને નાભીની ઉપર અને નીચે હોલ કરાવી ડાયમંડ લગાવાનો ક્રેઝ છે. તેઓ કહે છે યંગસ્ટર્સ ટીવી, ઈન્ટરનેટ થી ખૂબ પ્રભાવિત થાય છે અને વિવિધ ટ્રેન્ડસ ફોલો કરે છે. ઘણીવાર એકબીજાનું જોઈને દેખા દેખી કરવામાં પણ આવા વિયર્સિંગ કરાવતા હોય છે.

Most Popular

To Top