SURAT

ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે કોથળામાંથી બિલાડું કાઢ્યું: વોટરજેટને માત્ર 3 મહિના માટે મંજૂરી

સુરત: ફોગવા (Fogva), ફિઆસ્વી અને ચેમ્બર (Chamber of commerce)ની રજૂઆતને પગલે વોટરજેટ (Water jet), રેપિયર અને એરજેટ જેવા 500 જેટલાં હાઇસ્પીડ લૂમ્સ (High speed looms)ના ઇન્સ્ટોલેશન માટે જીપીસીબી (GPCB)એ મંજૂરી આપી હોવાની જાહેરાતના 24 કલાકમાં જીપીસીબીએ જાણે કોથળામાંથી બિલાડું કાઢ્યું હોય તેમ વોટરજેટ જેવી મશીનરી ઇન્સ્ટોલેશનની કન્સેન્ટ માત્ર હંગામી ધોરણે 3 મહિના માટે જ મળશે તેવી સ્પષ્ટતા કરી છે. રાજ્યમાં જે વોટરજેટ યુનિટવાળાઓને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી કન્સેન્ટ મળતી ન હતી તેમને ગત તા.૧૪ જુલાઇ-ર૦ર૧ના રોજથી થોડી આંશિક રાહત આપવામાં આવી છે.

જે ઉદ્યોગકારોના રિન્યુઅલ પેન્ડિંગ હતા, તેમને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ત્રણ મહિના માટે મંજૂરી આપવામાં આવશે. ત્રણ મહિના પછી એસવીએનઆઇટી દ્વારા સૂચવેલ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઉદ્યોગકારોએ પોતાનાં એકમોમાં લગાવવી પડશે તેવી બાંયધરી જીપીસીબીને ઉદ્યોગકારો તરફથી આપવાની રહેશે. જીપીસીબી દ્વારા તા.૧૪ જુલાઇ-ર૦ર૧ના રોજ વોટર જેટ એકમો માટે સ્પષ્ટતા કરવામાં આવી હતી. જેમાં ઔદ્યોગિક એકમની અરજીઓના નિકાલ અને જે એકમો બંધ છે તે માટે ચોક્કસ કાર્યપ્રણાલી અપનાવવામાં આવશે. ચેમ્બર દ્વારા એસવીએનઆઇટી સાથે મલ્ટિપલ ઇફેક્ટિવ ઇ-વોપરેટરની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અન્ય ટેક્નોલોજી ડેવલપ કરવા અંગે એમઓયુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત એસવીએનઆઇટી દ્વારા વિવિધ ટેક્નોલોજીના વિકલ્પો સૂચવવામાં આવશે. જે અંગે ચેમ્બર અને એસવીએનઆઇટીની એક કમિટી એસેસમેન્ટ કરશે અને ત્યારબાદ એસવીએનઆઇટી દ્વારા યોગ્ય વિકલ્પ તરીકે ફાઇનલ ટેક્નોલોજી અંગેની ભલામણ કરાશે.

આ શરતોને આધીન હાઇસ્પીડ લૂમ્સ લગાવવા જીપીસીબીની મંજૂરી મળશે

  • ગંદું પાણી ઉત્પન્ન થાય છે તેના માટે એડિક્વેટ ઇ-વોપરેશન સિસ્ટમ ત્રણ માસમાં એસવીએનઆઇટીને અભ્યાસ કરી સૂચવવા માટે જણાવવામાં આવ્યું છે.
  • હાલમાં જે એકમોની સીસીએ રિન્યુઅલ છે એવાં એકમોને હયાત સિસ્ટમ કાર્યદક્ષ રીતે ચલાવવાની શરતે ગુણદોષના આધારે અને એસવીએનઆઇટી દ્વારા સૂચવેલી સિસ્ટમને સૂચવેલા અનુસાર સમયમર્યાદામાં મૂકવાની શરતે મંજૂરી આપવામાં આવશે.
  • સીઇટીપીના સભ્ય એકમોને ગુણદોષના આધારે મંજૂરી આપવામાં આવશે.
  • સંપૂર્ણ રિયૂઝ/એડિક્વેટ ડિસ્પોઝલ કરનારાં એકમોને ગુણદોષના આધારે મંજૂરી આપવામાં આવશે.
  • હાલ બંધ કરેલાં એકમોને ત્રણ માસ માટે એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કાર્યક્ષમ રીતે ચલાવવાની શરતે મંજૂરી આપવામાં આવશે. જે માટે એસવીએનઆઇટી દ્વારા સૂચવવામાં આવે તે એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અંગેનાં પગલાંનું પાલન કરવાનું રહેશે.

જીપીસીબીના નિર્ણયનો અભ્યાસ કર્યા વિના વિવર્સો હાઇસ્પીડ મશીન લેવાનું ટાળે

હાઇસ્પીડ લૂમ્સ માટે જીપીસીબીની મંજૂરીના અહેવાલોને લઇ ઘણા વિવર્સો આજે બેંક લોન માટે દોડી ગયા હતા. કેટલાક વિવર્સોએ નવી મશીનરી ખરીદવા ટોકન રકમ આપવા સુધીની તૈયારીઓ કરી હતી. આ મામલે વિવર્સ આગેવાનોનો પણ સંપર્ક કર્યો હતો. એવા તબક્કે વિવર્સોને અપીલ કરાઇ છે કે, જીપીસીબીના લેખિત નિર્ણયનો અભ્યાસ કરવો એ પછી જ બેંક લોન કે લાખોની મશીન ખરીદવાનું સાહસ કરવું. –મયૂર ગોળવાળા, ચેરમેન, એનર્જી કમિટી, ચેમ્બર

Most Popular

To Top