Gujarat

રાજ્યના તમામ વિકાસ કામો અટકાવી દેવાની સરકારી કોન્ટ્રાક્ટરોની ધમકી

અમદાવાદ(Ahmedabad) :ગુજરાત (Gujarat) કોન્ટ્રાક્ટર એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં મળેલી મીટિંગમાં (Meeting) કોરોના મહામારી પછી છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યના સરકારી કામોમાં વપરાતા માલ-સામાન જેવા કે, સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇંટો, ટ્રાન્સપોર્ટેશન તેમજ કારીગરો અને મજૂરીના ભાવમાં આશરે 30 ટકા થી 40 ટકા જેટલો વધારો થયેલો છે, પરંતુ વારંવારની રજૂઆત અને માંગણીઓ છતાં રાજય સરકાર દ્વારા રાજયભરના કોન્ટ્રાકટરોને આ ભાવવધારો નહી ચૂકવાતાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશનના નેજા હેઠળ રાજયભરના કોન્ટ્રાકટરો ભાવવધારાની માંગણી નહી સ્વીકારે તો રાજયભરના કોન્ટ્રાકટરો દ્વારા રાજયવ્યાપી હડતાળ રોડ, બિલ્ડિંગ, બ્રીજ, હાઇવે સહિતના તમામ કામો ઠપ કરી દેવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે સાથે લડતના પ્રથમ તબક્કામાં તા.8મી જાન્યુઆરી બાદ સરકારના તમામ વિભાગોની ટેન્ડર પ્રક્રિયાથી રાજયભરના કોન્ટ્રાકટરો સરકારનું કોઇ ટેન્ડર જ નહીં ભરે તેવી જાહેરાત પણ ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત રાજયમાં ચાલતાં સરકારી કામોમાં વપરાતાં સ્ટીલ, સિમેન્ટ તથા અન્ય મટીરીયલ્સના ભાવવધારા તથા કોન્ટ્રાકટરોના અન્ય પ્રશ્નો અને તેના નિરાકરણની માંગ સાથે આજે અમદાવાદમાં રાજયભરના કોન્ટ્રાકટરોની મહત્વની બેઠક મળી હતી, જેમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશનના પદાધિકારીઓ અને હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા અને સરકાર સામે આગામી દિવસોની લડતની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશનના સૂત્રો જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર અને મનપા વગેરે જગ્યાએ વિવિધ પ્રોજેક્ટની કામગીરી કરતાં સરકારી કોન્ટ્રાક્ટરો બાંઘકામ ક્ષેત્રે વપરાતા મટિરિયલ વગેરેમાં કૂદકે-ભુસકે વધતા ભાવવધારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજયમા હવે આ જૂના ભાવે કામ કરવુ પોષાય તેમ નથી અને બાંધકામ ક્ષેત્રે વપરાતાં સ્ટીલ, સિમેન્ટ, રેતી, ડામર, કપચી, ઇંટો, સહિતના મટિરિયલ તેમજ ટ્રાન્સપોર્ટેશન સહિતનાં સાધનોનાં ભાડામાં તેમજ કારીગરો અને મજૂરીનાં ભાવમાં અસહ્ય વધારાથી હેરાન થયા છે. નાના-મોટા કોન્ટ્રાક્ટરો વર્તમાન સમયમાં બાંઘકામ ક્ષેત્રે વપરાતા માલ-સામાન વગેરેમાં જે પ્રકારે 30થી 40 ટકાનો ભાવવધારો થયો છે તેના પગલે કોન્ટ્રાકટરોને જુના ભાવે કામ કરવુ પોષાય તેમ નથી અને જંગી નુકસાન વેઠવુ પડે છે.
આ બેઠકમાં મટિરિયલ્સના ભાવ વધારા સામે રાજ્ય સરકાર અને મનપા દ્ધારા આર.બી.આઇ. ઇન્ડેક્સ મુજબ ભાવ વધારો ચૂકવવામાં આવે છે. તે માર્કેટેબલ ભાવ કરતા ઘણો જ ઓછો હોય છે અને તે પણ પોષાય તેમ ન હોવાથી કેટલાય કોન્ટ્રાકટરો સરકારી કામો કરવા તૈયાર નથી.

Most Popular

To Top