National

ગોલ્ડન બાબાનું 101 ગ્રામનું માસ્ક આટલા વર્ષ સુધી કોરોના સામે રક્ષણ આપશે

કાનપુર: (Kanpur) કાનપુરના ગોલ્ડન બાબા કહેવાતા મનોજ સેંગર ઉર્ફે મનોજાનંદ મહારાજે એવું માસ્ક ધારણ કર્યું છે જે જોનારાઓને આશ્ચર્યચકિત કરે છે. 101 ગ્રામ સોનાથી મઠેલું માસ્ક પહેરીને મનોજ સેંગર ચર્ચાનો વિષય બન્યા છે. ગોલ્ડન બાબાએ (Golden baba) આ માસ્ક (Mask) વિધિપૂર્વક પૂજા-અર્ચના કર્યા બાદ પહેર્યું હતું. આ માસ્ક ખાસ બાબા માટે મુંબઇના કારીગરો દ્વારા શિવ સ્વર્ણ માસ્કના નામે બનાવવામાં આવ્યું હતું. આ માસ્કની કિંમત આશરે 5 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ માસ્કની વિશેષતા તેની સુંદરતા સુધી મર્યાદિત નથી. બાબાનો દાવો છે કે, માસ્કમાં સેનિટાઇઝર જેલની કોટિંગ છે. જે લગભગ બે વર્ષ સુધી કોરોના સામે રક્ષણ આપી શકે છે. તેઓ કહે છે કે, આ માસ્ક તેમને ઢાલની જેમ કોરોનાથી સુરક્ષિત રાખશે. તેમણે વૈદિક મંત્રોચ્ચાર કર્યા પછી આ શિવ સ્વર્ણ નામક માસ્કને પહેર્યું હતું. તેમણે કહ્યું કે, સોનાની કોઈ કિંમત નથી હોતી અને જ્યારે તેની સાથે ભગવાનનું નામ જોડાઈ જાય ત્યારે તે અમૂલ્ય બની જાય છે.

તેમને મોટા પ્રમાણમાં સોનું પહેરવાનો શોખ મહાભારત સીરીયલથી લાગ્યો છે. ગોલ્ડન બાબા ગળામાં બે કિલોનું સોનું પણ પહેરે છે. તેઓ ઘણા વર્ષોથી સોનું પહેરે છે. જેના કારણે તેમને ઘણી વાર ધમકીઓ પણ મળી છે. પરંતુ, તેમનો સોનાનો પ્રેમ ઓછો થયો નથી. સુરક્ષા માટે તેઓ પોતાની સાથે બે ગનમેન રાખે છે.

Most Popular

To Top