Sports

તાત્કાલિક લોનનું પ્રલોભન આપી ગોડાદરાની આ કંપનીએ શ્રમજીવીઓને ઠગી લીધા

સુરત : ગોડાદરા (Godadra) ખાતે શિવમ એડવાઈઝરના નામે ઓફિસ (Office) રાખી સંચાલકએ લોન (Lone) અપાવવાના બહાને સંખ્યાબંધ શ્રમજીવીઓ પાસેથી ડોક્યુમેન્ટ મેળ્યા હતા. અને તેના આધારે અલગ અલગ પ્રકારની લોન મેળવી લાખોની છેતરપિંડી આચરી ફરીર થઈ ગયા હતા. ગોડાદરા પોલીસે કંપનીના સંચાલકો સામે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી રતનચોક નવાનગર ખાતે રહેતા 30 વર્ષીય હર્ષલ પવારે ટેક્ષટાઈલ માર્કેટમાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ અગાઉ તેમની બહેનના લગ્ન પ્રસંગ માટે નાણાંની જરૂરીયાત હોવાથી મિત્રો અને પરિવારના સભ્યો પાસેથી હાથ ઉછીના એક લાખ રૂપિયા લીધા હતા.

દુકાન ઉપર તાત્કાલિક લોન મળશે તેવું બેનર લગાવ્યું હતું
પૈસા પરત ચુકવવા માટે પર્સનલ લોન લેવાનું નક્કી કર્યું હતું. હર્ષલ માર્કેટમાં જતી વખતે ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક અર્હમ સેલ્સ નામની ઈલેક્ટ્રિકની દુકાન ઉપર તાત્કાલિક લોન મળશે તેવું બેનર વાચ્યું હતું. બેનર વાચીને તે ગત 11 સપ્ટેમ્બરે પર્સનલ લોન લેવા માટે ઓફિસમાં ગયો હતો. શિવન એડવાઈઝર નામની ઓફિસના સંચાલક સરજુ દિલીપ દેવગનિયા (રહે, મોમાઈનગર સરથાણા) અને જીતુ ભગવાન જાગાણીએ વાત કરતા તેઓએ મોબાઈલ ખરીદવો પડશે. તેના ઉપર બે લાખની લોન થઈ જશે તેમ કહ્યું હતું.

શ્રમજીવીઓની લોનના પૈસા પણ બેંકમાં જમા થયા નહોતા
બાદમાં હર્ષલ પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ લીધા હતા. ડોક્યુમેન્ટ લીધા બાદ હર્ષલના નામે ગુજરાત મોબાઈલ નામની દુકાનમાંથી આઈ-ફોન 11 લોન ઉપર ખરીદ્યો હતો. મોબાઈલ લીધા બાદ આરોપીઓએ મોબાઈલ પોતાની પાસેથી લઈ લીધો હતો. અને હર્ષલને તમારી લોનની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. એક બે દિવસમાં લોનના પૈસા આવી જશે અને મોબાઈલની લોન પણ બંધ થઈ જશે તેમ કહ્યું હતું. જોકે લોનના પૈસા પણ બેંકમાં જમા થયા નહોતા. અને દસેક દિવસ બાદ એચડીએફસી બેંકમાંથી લોનનો હપ્તો ક્યારે ભરો છો તેમ કહીને ફોન આવતા હર્ષલ ચોંકી ઉઠ્યો હતો.

ડોક્યુમેન્ટ મેળવી તેમના નામે લોન લઈ નાણાં છેતરપિંડી કરી
હર્ષલે તપાસ કરતા દિવાળી પહેલા જ આરોપીઓએ ઓફિસ બંધ કરી સંખ્યાબંધ લોકો પાસેથી ડોક્યુમેન્ટ મેળવી તેના આધારે લોન મેળવી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. હર્ષલભાઈ સિવાય ગણેશ લોનારી, ઉત્તમસિંગ રાવ, રામભરોસે યાદવ અને હનુમંત પવાર પાસેથી લોનના બહાને ડોક્યુમેન્ટ મેળવી તેમના નામે લોન લઈ નાણાં છેતરપિંડી કરી હતી. ગોડાદરા પોલીસે ફરિયાદ નોધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top