Editorial

ઉત્તરાખંડની ગ્લેશિયર હોનારતે પર્યાવરણ સાથે ચેડાં અંગેની ચર્ચાઓને ફરી વેગ આપ્યો છે

છેક ઉત્તરમાં હિમાલયના ખોળે વસેલું રાજ્ય જેને કહી શકાય તે ઉત્તરાખંડ માટે પ્રાકૃતિક હોનારતો એ નવી વાત નથી. તેની ભૂરચના અને સ્થાન જ એવા છે કે વારંવાર ત્યાં વિવિધ પ્રકારની પાકૃતિક હોનારતો સર્જાતી રહે છે.

વર્ષ ૨૦૧૩માં તો કેદારનાથ યાત્રા વખતે વાદળ ફાટવાની અને તેના પગલે આવેલા પ્રચંડ ઘોડાપૂરની ઘટના તો ઘણા બધા લોકો હજી પણ ભૂલી શકતા નથી. દિવસો સુધી ચાલેલા પૂરના તે હાહાકારમાં ૫૦૦૦ કરતા વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં યાત્રાળુઓનું પણ મોટું પ્રમાણ હતું.

આ રવિવારે સવારે ચમૌલીના જોષીમઠ ખાતે નંદાદેવી હિમશીખરનો એક ભાગ ધસી પડ્યો અને તેને પગલે અચાનક પૂર આવ્યા તેમાં બે પાવર પ્રોજેકટો તો લગભગ નષ્ટ જ થઇ ગયા, કેટલાક મકાનો તણાઇ ગયા અને અનેક લોકો માર્યા ગયા.

આ ઘટનાએ હિમાલયના ટેકરીયાળ વિસ્તારોમાં જીવન કેટલું મુશ્કેલ અને જોખમી છે તે બાબત પર પણ ફરીથી પ્રકાશ ફેંક્યો છે. આ દુર્ઘટના કેમ બની તેનું હજી વિષ્લેષણ ચાલી રહ્યું છે પણ ગ્લોબલ વૉર્મિંગ અને બદલાતા હવામાનના પરિબળોને ઘણા આમાં વિલન તરીકે જોઇ રહ્યા છે.

ઉત્તરાખંડના ચમૌલી જિલ્લામાં બરફ પીગળવા માટે ગ્લોબલ વોર્મિંગ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર હોઇ શકે એમ નિષ્ણાતોએ જણાવ્યું છે જ્યારે તેઓ હિમાલયના આ ટેકરીઓ વાળા વિસ્તારમાં હાહાકાર મચાવનાર હિમપ્રપાત અને પૂરના કારણો સમજવા પ્રયાસ કરી રહ્યા છે.

ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)નું સ્નો એન્ડ એવલાંશ સ્ટડી એસ્ટાબ્લિશમેન્ટ આ પૂરના ચોક્કસ કારણો બાબતે તપાસ કરી રહ્યું છે જ્યારે કે શિયાળામાં હિમશિખર પીગળવા અંગેના ચોક્કસ કારણો બાબતે હજી કોઇ સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો. એ સ્પષ્ટ થયું નથી કે આ પૂર એ પરંપરાગત ગ્લેસિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ(ગ્લોફ) છે કે પછી ભૂપ્રપાત કે હિમપ્રપાતને કારણે સર્જાયેલ અવરોધનું  પરિણામ હતું કે જેને કારણે હંગામી તળાવનો પ્રવાહ અવરોધાઇ ગયો અને બાદમાં ફાટયો.

એમ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના રણજીત રથે કહ્યું હતું. જ્યારે આઇઆઇટી ઇન્દોરના ગ્લેસિયોલોજી અને હાઇડ્રોલોજીના નિષ્ણાત ફારૂક આઝમે કહ્યું હતું કે ગ્લેશિયરની અંદર ભરાઇ રહેલા પાણીના જથ્થાઓને કારણે આ ઘટના બની શકી હોય, જે જથ્થાઓ ફાટ્યા હોઇ શકે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવામાન પરિવર્તનને કારણે હવામાન પેટર્ન આ વિસ્તારમાં બદલાઇ છે અને તેને કારણે ગરમ શિયાળાઓને કારણે ઘણો બધો બરફ પીગળી રહ્યો છે. જો કે એક તર્ક એ પણ થઇ રહ્યો છે કે ભૂપ્રપાતને કારણે પણ આ દુર્ઘટના સર્જાઇ હોઇ શકે છે.

ઉત્તરાખંડના ચમૌલી જિલ્લાના જોષીમઠ ખાતે રવિવારે ગ્લેશિયર ફાટવાની જે દુર્ઘટના સર્જાઇ તેના પછી આ ગ્લેશિયરો કે હિમશીખરો તૂટવાની કે ફાટવાની ઘટનાઓ અંગે અનેક સમજૂતીઓ અપાઇ છે. સામાન્ય રીતે ગ્લેશિયરો જ્યારે પોતાની જગ્યાએથી ખસે છે ત્યારે તેઓ પોતાની પાછળ તળાવો મૂકતા જાય છે જે ખડકો અને કાંપ, કીચડ વડે બંધાતા હોય છે.

આ તળાવ ફાટે ત્યારે પાણીનો મોટો જથ્થો નદીમાં કે તે પહાડ પરથી નીકળતા ઝરણામાં ધસી જાય છે. કેટલીક વખત એવું પણ બને છે કે ઉપરથી બરફના દેખાતા ગ્લેશિયરની અંદરના ભાગમાં જામ્યા વિનાના પાણીનો મોટો જથ્થો સંગ્રહાયેલો હોય છે અને આ જથ્થો દબાણ સાથે બહારની તરફ ધસે ત્યારે ગ્લેશિયર ફાટે છે અને પાણીનો મોટો જથ્થો છૂટે છે.

કેટલીક વખતે ભૂગર્ભીય હિલચાલને કારણે પણ ગ્લેશિયરો તૂટી જતા હોય છે. ભૂતકાળમાં પેરૂ અને નેપાળમાં ગ્લેશિયરોને કારણે મોટી હોનારતો બની છે. હાલમાં ગ્લેશિયરો પીગળવાને કારણે પણ હોનારતો બનવાનું પ્રમાણ વધ્યું છે.

ગ્લોબલ વૉર્મિંગને કારણે ગ્લેશિયરો પીગળવાનું પ્રમાણ વધ્યું છે. વૂડ્સ હોલ ઓસનોગ્રાફિક ઇન્સ્ટિટ્યુટના એક એસોસીએટ પ્રોફેસર સારાહ દાસ કહે છે કે વિશ્વભરના મોટા ભાગના ગ્લેશિયરો ભૂતકાળમાં ઘણા મોટા હતા અને હવે તેઓ હવામાન પરિવર્તન અને ગ્લોબલ વૉર્મિંગને કારણે નાટ્યાત્મક રીતે પીગળી રહ્યા છે અને સંકોચાઇ રહ્યા છે.

ઉત્તરાખંડની હોનારત તો જે કારણોસર સર્જાઇ હોય તે, તેનું ચોક્કસ કારણ પૂરી તપાસ પછી બહાર આવશે એવી આશા રાખી શકાય પરંતુ આ હોનારતે ગ્લોબલ વોર્મિંગ અને હવામાન પરિવર્તન અંગેની ચર્ચાઓને ફરીથી વેગ આપ્યો છે તો પર્યાવરણીય રીતે મહત્વના અને બટકણી સમતુલા ધરાવતા પ્રદેશોમાં વીજ પ્રોજેક્ટો જેવા પ્રોજેક્ટો શરૂ કરવા સામે ફરી એક વાર પ્રશ્નો ઉભા કર્યા છે.

હિમાચલ અને ઉત્તરાખંડના ઉંચાઇવાળા વિસ્તારોમાં વૃક્ષ છેદનની પ્રવૃતિ અને વધુ પડતી માનવીય પ્રવૃતિઓને વેગ આપવો તે ઘણુ જોખમી સાબિત થઇ શકે છે એવી ચેતવણીઓ  ફરી એકવાર સાચી સાબિત થતી જણાય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top