Gujarat

રાજકોટમાં હાઇરિસ્ક દેશોમાંથી આવેલા 30 લોકોના જીનોમ ટેસ્ટ નેગેટિવ

રાજકોટ શહેરમાં હજુ સુધી કોરોનાના ખતરનાક ઓમિક્રોન વેરીયન્ટની એન્ટ્રી થઇ નથી પરંતુ સરકારી તંત્ર દ્વારા આ વાયરસનું નિદાન કરતા જીનોમ ટેસ્ટ હવે રોજેરોજ કરાઇ રહ્યા છે. આજ સુધીમાં હાઇરિસ્કદેશોમાંથી પરત આવેલા કુલ 63 લોકો પૈકી 30ના રીપોર્ટ નેગેટીવ આવતા મનપા અને સિવિલ તંત્રને રાહત થઇ છે. તો દોઢ દિવસથી કોરોનાના નવા કેસ ફરી શૂન્ય થયા છે.

ઉલ્લેખનીય છે કે આ મુસાફરો પૈકી સૌથી વધુ યુ.કે.થી પરત ફર્યા હતા. રાજકોટમાં ગત તા. 7થી આજ સુધીમાં હાઇરિસ્ક કન્ટ્રીમાંથી 63 લોકો રાજકોટ પરત ફર્યા હતા. તેમાંથી મનપાએ કરેલા ટ્રેસીંગ અને ટેસ્ટીંગની કામગીરી બાદ સિવિલ અને મેડિકલ કોલેજની ટીમો દ્વારા જરૂરીયાત મુજબ નકકી થયેલા પ્રવાસીઓના બ્લડ સેમ્પલ લઇને ગાંધીનગર લેબમાં મોકલવામાં આવી રહ્યા છે.

આ પૈકી 30 લોકોના નેગેટીવ રીપોર્ટ ગાંધીનગરથી સિવિલ તંત્રને મળ્યા છે તો નવ રીપોર્ટ પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યું છે. આ 63 લોકોમાં સૌથી વધુ 35 યુ.કે.થી પરત આવ્યા છે. તો જર્મનીથી 13, સ્કોટલેન્ડથી 8, રોમાનીયાથી 1 અને ઇન્ડોનેશીયાથી 1 વ્યકિત પરત રાજકોટ આવ્યા હતા. આ તમામના આરટી-પીસીઆર ટેસ્ટ જે તે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર જ થઇ જાય છે તે ઉલ્લેખનીય છે.રાજકોટમાં પણ આવા પ્રવાસીઓના આરટી-પીસીઆર રીપોર્ટ બીજા સપ્તાહે કરવામાં આવે છે. પરંતુ હજુ સુધી ગંભીર સંક્રમણના કોઇ કેસ આવ્યા નથી.

Most Popular

To Top