Comments

ઘૂંટણ વિના ગરબો નકામો

ફટાફટ દિવસો ક્યાં પસાર થઈ ગયા, ખબર જ નહિ પડી..! ગઈ કાલે તો હજી નવરાત્રી ગઈ ને વળતી ટ્રેનમાં પાછી આવી હોય એમ, ગરબાની ધૂન ને દાંડિયાના તાલ વાગવા માંડ્યા..! ગણપતિ બાપાના ‘પિતામહ’ના દિવસો પુરા થયા ને ‘માતામહ’ના દિવસો આવી ગયા. ગણપતિબાપા મોર્યા ને બદલે, હવે ‘અંબે માતકી જય’ની આરાધના શરૂ..! ખૂબીની વાત એ છે કે, એક પણ ‘માતાજી’ઘરડાં થતાં નથી ને આપણા ઉપર ઉંમરની સાડા-સાતી આવે..! આવે એનો પણ વાંધો નહિ, પણ સીનીયર સીટીઝને પણ પંચકુટિયા શાકની માફક ભેળા જ બફાવાનું..!

થાય એવું કે, આપણા પગ ઉપર કોઈ ભારે જુવાનિયાનો પગ પડ્યો તો, ‘ઓ માતાજી’ ને બદલે ‘ઓ બાપરે ‘ ની બૂમ ઊઠી જાય..! ઉંમરનો તકાદો એવો આડો ફાટે કે, ગરબો નહિ ઝીલાય કે, નહિ ગવડાવાય..! ગવડાવવા ગયા તો શરૂઆતમાં રણશિંગું ફૂંકતા હોય એમ શૌર્યગીત જેવો લાગે ને ધીરે ધીરે હાલરડાંના ઢાળ ઉપર આવી જવાય..! અમારી ઢગલાબંધ પેઢીમાં, એક પણ ‘ખેલૈયો’ ગરબો ગાવા કે ગવડાવવામાં કચકડાનો કપ સુદ્ધાં લાવ્યો નથી. પણ ગરબા ગાવાના અને ગવડાવવાના સૌને ચહકડા બહુ..! ગરબામાં નાચતા મુદ્દલે નહિ આવડે. સળગતા અંગારા ઉપર ‘ડેન્સ’ કરતો હોય એમ તો નાચે..! છતાં નવરાત્રી આવે તે પહેલાં ઘૂંટણના બોલ-ચાકા ફીટ કરાવતો થઇ જાય..!

આજકાલ લવરાત્રી..આઈ મીન..નવરાત્રીની પણ શું બોલબાલા છે મામૂ..? વહેલાં જન્મેલાનો પસ્તાવો દરેક વાતે થાય, એમ નવરાત્રીની ઝાકમઝોળ જોઇને પણ ભેખડ તૂટવા માંડે કે, થોડાંક મોડાં જન્મ્યાં હોત તો કેવું સારું..? જીવવા જેવો જમાનો તો સાલો હમણાં હમણાં આવ્યો..! સિનારિયો જોઇને માંકડું મન લટકાંની ફેણ તો કાઢે, પણ પામર માનવી કરી પણ શું શકે..? પહોંચાવું પણ જોઈએ ને..? જેના ઢીંચણ પાકી ગયા હોય, સુગર બ્લડપ્રેસર ને કોલેસ્ટ્રોલ સાથે અતૂટ સંબંધો બંધાઈ ગયા હોય, પછી માણસ મથે મથે ને કેટલું મથે..? પારોળીએ બેસીને ‘પારોળી-ભક્ત’ની માફક ઢીંચણ ઉપર જ થાપ આપીને ‘લોલ’ થઇ બોલવું પડે કે જય માતાજી..!

શરીરમાં ઠાંસી-ઠાંસીને ‘’ઈમ્યુનીટી”ભલે ભરી હોય કે ઉભરાતી હોય, પણ ચાલુ ગરબામાં ખંજવાળ નીકળે ત્યારે હાલત ખરાબ થઇ જાય..! નહિ દાંડિયું સચવાય કે, નહિ ગરબાનો તાલ સચવાય..! ત્યારે ચોક્કસ જગ્યાએ વીંછુડો ચટકા ભરતો હોય એવી ખણ નીકળે ત્યારે હાથનું દાંડિયું પણ છાટકું બની જાય..! ચાલુ ગરબાએ ખણવા માટે વાનરવેડા કરીએ તો સારું પણ નહિ લાગે..! જોડીદાર ગમે એવો જીગરજાન હોય, પણ ખુદની ખંજવાળ ખણી આપવા માટે, તેને કાલાવાલા થોડાં કરાય..? ચાલુ ગરબાએ અસરગ્રસ્ત વિસ્તાર બતાવવો કંઈ સહેલું થોડું છે..?

ખાડા ટેકરા ઉપર બાઈક ચલાવતાં-ચલાવતાં ‘સેલ્ફી’ લેવા જેટલું અઘરું કામ..! સીધી વાત કે, ઘૂંટણ તંદુરસ્ત હોય તો જ ગરબા મસ્ત ગવાય. ઘૂંટણ વગરના ગરબા નકામા..! ઘૂંટણના વિઝા ‘રીજેક્ટ’ થયા હોય તો, ગરબા ગાવાના ચહકડા કરવા જ નહિ..! પડતાં જ મુકાય દાદૂ..! નહિ તો ચાલુ ગરબાએ ‘લોલ’ થઇ જવાય..! એના કરતાં તો મોતના કૂવામાં મોટર સાઈકલ ચલાવવી સારી..! ઘૂંટણ બુરી ચીજ હૈ ગોંસાઈ..! ગરબે ઘૂમવું હોય તો ઘૂંટણ સાથે ‘ગર્લફ્રેન્ડ’ જેવાં સુંવાળા સંબંધ રાખવા જ પડે. જેમ ‘ગર્લ-ફ્રેન્ડ’ની ઓળખ વફાદારીમાં થાય, એમ ઘૂંટણની ઓળખ ગરબામાં થાય..! ખમતીધર ખેલૈયાનું સાચું ડહાપણ એમાં છે કે, નવરાત્રી પહેલાં ઘૂંટણના સમારકામ કરાવી લેવા સારાં..! ગ્રહણ વખતે સાપ નહિ નીકળે બીજું શું..?

એના કપાળમાં કાંદા ફોડું, લેખ તો લખાઈ ગયો, પણ લેખનું ટાઈટલ શોધવામાં લીટરબંધી પરસેવો પાડ્યો હશે..! નખરાળાને ધારેલી કન્યા નહિ મળે ને જેવો રઘવાયો થઈ જાય, એમ. લેખનું ટાઈટલ શોધવામાં કોલંબસ જેટલી મજૂરી કરી. ટાઈટલ એટલે ટાઈટલ યાર..! ફેંટા વગરનો વરરાજા ભીંડાના વેપારી જેવો લાગે, એમ ટાઈટલ વગરનો લેખ નકામો. આખોય લેખ ‘વિધુર’ થયો હોય તેવો ભાજી વગરના મૂળા જેવો ‘બોડો’લાગે..! ચાર્લી ચેપ્લીને એક વાત સરસ કહેલી કે, કોઈને હસાવવા હોય તો, ‘ઉબડા-ચત્તા’ પડવામાં શરમ કે કસર નહિ રાખવાની. ટાઈટલ વાંચતાંની સાથે લાગવું જોઈએ કે, લેખમાં ગરબાનો જ મસાલો ભરેલો છે, રીંગળાનો રોળો બનાવવાની રેસીપીની વાત નથી…!

ગરબા ગાવા માટે ‘લાઈસન્સ’ કઢાવવાનો કાયદો આવ્યો નથી, એટલું સારું છે. નહિ તો હેલ્મેટ અને ઢીંચણના ફીટનેસ સર્ટીફીકેટ પણ શરૂ થઇ જાય..! ગરબા અને ઘૂંટણ બંને એક સિક્કાની બે બાજુ જેવાં છે. એકબીજા વગર બંને અધૂરા..! કોઈએ સાચું જ કહ્યું છે કે, ‘ઘૂંટનકો કભી કમજોર મત સમજના.! ‘જેમ માતાજી વગરનો ગરબો નકામો, એમ ઘૂંટણ વગરનો ખેલૈયો નકામો..! ઢીંચણના ઠેકાણાં ના હોય તો, ગરબો ક્યાં તો ઝૂલ મારવા માંડે ક્યાં તો ગરબો પોતે જ આપઘાત કરવા માંડે. તંઈઈઈઈ..?

ગરબો એટલે જીવનના સરવૈયાનું કાઢેલું સાંસ્કૃતિક સૌભાગ્ય..! ગરબો જોવાનો ગમે, જોડાવાનું ગમે, નાચવાનું ગમે ને સાંભળવાનો પણ ગમે. અમુક તો ગરબાના એવાં આસ્તિક કે હોસ્પિટલના ખાટલે સૂતાં સૂતાં પણ ત્રણ તાલીની હીંચ લેવાનું નહિ ચૂકે..! ગરબો સંભળાવો જ જોઈએ, હોસ્પીટલના ખાટલે બાટલો ચઢાવીને સૂતેલો દર્દી પણ બાજુવાળા દર્દી સાથે હીંચ લેવા માંડે..! દર્દીનો ખાટલો હલવા માંડે તો માનવું કે, દર્દીમાં ટાઢીયા તાવની ધ્રુજારી ચઢી નથી, પણ નવરાત્રીનો પવન ભરાતો છે, ગરબાનો એ જાદુ છે કે, ખખડી ગયેલા ઘૂંટણમાં પણ પતંજલિનો પાવર આવી જાય..! ‘માંહી પડ્યા તે મહાસુખ માણે દેખણહારા દાઝે જો ને’એના જેવું છે..!

બાકી ઢીંચણની પીડા તો જેણે વેઠી હોય તે જ જાણે, ઢીંચણ ઉપર આખું નાળિયેર વધેરો કે સાત વારની ચૂંદડી બાંધો, તો પણ તોફાને ચઢેલું ઢીંચણું ભાનમાં નહિ આવે..! ઢીંચણમાંથી જીવ ગતિ કરવાનો હોય,એમ ઢીંચણું કઅઅકઅડ.. કઅકઅઅડ થવા માંડે..! ચીસ પડાવી નાંખે યાર..? જો કે, ભગવાને આમ તો એક ઉપર એક ફ્રી ની માફક બબ્બે ઢીંચણા આપેલાં. પણ એક બગડે એટલે બીજું મદદે આવે, એવી ઢીંચણામાં સમજદારી નહિ. એક ઢીંચણું બેઠું એટલે બીજું બેસી જ પડે..! બબ્બે વાઈફ સહન થાય, પણ બે ઢીંચણા સહન નહિ થાય. ગરબા ગાતાં હોય ત્યારે મરશિયા ગાતાં હોય એવી ફીલિંગ્સ આવે..! ને ઝીલનાર ‘લોલ’ થઇ જાય તે બોનસ..!

જો કે સૌ સૌની ‘ઈમ્યુનીટી’અલગ અલગ હોય..! અમારું ચમનિયું ગરબાનું એવું નશીડું કે, માતાના ચાર હાથ હોય એમ, ઉછળી ઉછળીને ગરબા ગાય. મોરના ટોળામાં વાંદરું ઘુસી ગયું હોય એમ ધોતિયા સાથે પણ ગરબાની ફુદરડી ફરે ..! આપણે જો એવું સાહસ કરવા ગયા તો, ઢળી પડીએ યાર..! ક્યાં તો ઘૂંટણીયા પહેલેથી જ દાવ ડીકલેર કરી દે કે, આમાં સારા માણસનું કામ નથી..!
લાસ્ટ ધ બોલ
તમે અયોધ્યામાં રહો કે લંકામાં એ મહત્ત્વનું નથી. પણ તમારી મથરાવટી વિભીષણ જેવી છે કે, મંથરા જેવી એ મહત્ત્વનું છે..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top