Gujarat

તિથલ બીચ પર સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, ઈન્સ્ટાગ્રામ મિત્ર સહિત 3 સગીરોએ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું

વલસાડના પ્રખ્યાત તિથલ બીચ નજીક એક અવાવરૂ જગ્યાએ 15 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. રવિવારની સાંજે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઈન્સ્ટાગ્રામ પર આશરે એક વર્ષથી સંપર્કમાં રહેલા મિત્ર અને તેના બે સાથીદાર કિશોરીને તિથલ બીચ પર લઈ ગયા હતા, જ્યાં ત્રણેયે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.

વલસાડ શહેરમાં રહેતી અને ધોરણ 9માં અભ્યાસ કરતી કિશોરીના માતા-પિતા કોઈ કામ માટે વલસાડ બહાર ગયા હતા. જ્યારે તેનો ભાઈ ગણેશ આગમનના કાર્યક્રમમાં ગયો હતો. આ દરમિયાન કિશોરી ઘરે એકલી હતી અને તેણે આશરે એક વર્ષથી ઈન્સ્ટાગ્રામ પર સંપર્કમાં રહેલા મિત્રને મળવા માટે ઘરે બોલાવ્યો હતો.

કિશોરીના ઘરે પહોંચ્યા બાદ આરોપી કિશોર પોતાના એક મિત્ર સાથે તેને તિથલ બીચ પર લઈ ગયો હતો. ત્યાં એક અવાવરૂ જગ્યાએ બંનેએ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ત્યારબાદ અન્ય એક મિત્રને પણ ત્યાં બોલાવવામાં આવ્યો હતો અને તેણે પણ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદમાં જણાવાયું છે.

પરિચિતની નજર પડતાં પરિવારને જાણ કરી

તિથલ બીચ પર કિશોરીને એક યુવક સાથે શંકાસ્પદ સ્થિતિમાં જોઈને એક પરિચિતને શંકા ગઈ હતી. તેણે તરત જ કિશોરીના માતા-પિતાને ફોન કરીને જાણ કરી હતી. આ વાતની જાણ થતાં માતા-પિતા વલસાડ પરત આવવા રવાના થયા હતા અને તેમણે કિશોરીના ભાઈને તેની શોધખોળ કરવા જણાવ્યું હતું.

ભાઈએ મિત્રો અને પરિવારજનો સાથે તિથલ બીચ પર પહોંચીને કિશોરીની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન કિશોરી એક અવાવરૂ જગ્યાએથી મળી આવી હતી. તેની સાથે રહેલા ત્રણેય કિશોરોને પણ પકડી લેવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોબાઇલ નહોતો, લેપટોપથી ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો

આ કેસમાં સામે આવેલી માહિતી મુજબ કિશોરી પાસે પોતાનો મોબાઇલ ફોન ન હતો. જોકે, તેની પાસે લેપટોપ હતું. તેણે લેપટોપ પરથી પોતાના ઈન્સ્ટાગ્રામ મિત્રને મેસેજ કર્યો હતો. મેસેજ મળ્યા બાદ આરોપી કિશોર પોતાના સાથીદાર સાથે કિશોરીના ઘરે આવ્યો હતો અને તેને મોપેડ પર બેસાડીને તિથલ લઈ ગયો હતો.

ત્રણેય કિશોર સામે પોક્સો હેઠળ ગુનો

ઘટનાની જાણ થતાં પોલીસે કિશોરીની ફરિયાદ અને તબીબી તપાસના આધારે ત્રણેય કિશોરો સામે પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ત્રણેય કિશોરોની ઉંમર 15 વર્ષ, 16 વર્ષ અને 17 વર્ષ છે.

18 વર્ષથી ઓછી ઉંમરના હોવાથી ત્રણેય કિશોરો સામે કાયદા મુજબ કિશોર ન્યાય પ્રક્રિયા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમને જેલમાં મોકલવાને બદલે બાળ સુધાર ગૃહમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે અને કેસ જુવેનાઇલ કોર્ટમાં ચાલશે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top